પ્રેમ સંબંધના વહેમમાં બે પરિવારો વચ્ચે અથડામણ:ઓલપાડમાં વૃદ્ધને પેટમાં ચક્કું મારનાર યુવક પર લોખંડની પાઈપથી હુમલો થતા ઢળી પડ્યો, ઘટના CCTVમાં કેદ

બારડોલી3 મહિનો પહેલા

સુરત જિલ્લાના ઓલપાડ ખાતે પ્રેમસંબંધનાં વહેમમાં બે પરિવાર વચ્ચે મારામારી થતા વૃદ્ધ અને યુવક બેને ઈજાઓ થઈ હતી. મારમારીની ઘટનામાં યુવાને યુવતીના દાદાને ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયાર વડે પેટના ભાગે ઘા ઝીંક્યો હતો. જ્યારે યુવાનને પણ લોખંડનાં પાઇપ વડે સપાટા મારવામાં આવતા યુવાનને પણ ઈજાઓ થઈ હતી. બન્ને પક્ષે ઓલપાડ પોલીસ મથકે સામસામે ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. મારામારીની આખી ઘટના સોસાયટીમાં લગાવવામાં આવેલ CCTV કેમેરામાં કેદ થવા પામી છે.

યુવતીના પિતાએ યુવક વિરુદ્ધ નોંધાવેલ ફરિયાદના આધારે
ઓલપાડમાં આધેડ પોતાના પરિવાર સાથે રહે છે. તેઓની 19 વર્ષીય પુત્રી સાથે યુવાન પ્રેમસંબંધ માટે બળજબરી કરતો હતો, જે મામલે અગાઉ સમાધાન પણ થયેલ હતું. દરમિયાન ગતરોજ રાત્રીના સમયે યુવાન મોટર સાયકલ પર આવ્યો હતો અને આધેડના ઘર પાસે મોટર સાયકલ આડી ઉભી કરી ગાળા ગાળી કરવાનું શરૂ કર્યું હતું. જેથી યુવતીના દાદાએ ગોળો બોલવાની ના પાડતા ગુસ્સામાં આવેલા યુવાને યુવતીના દાદાને પેટના ભાગે ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયાર વડે ઘા ઝીંકયો હતો. જેથી વૃદ્ધને ગંભીર ઈજાઓ સાથે ઓલપાડ સી.એચ.સી બાદ ગંભીર હાલત હોવાના કારણે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલે યુવતીના પિતાએ યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

યુવકે યુવતીના પિતા વિરુદ્ધ નોંધાવેલ ફરિયાદના આધારે
એક તરફ યુવતીનાં દાદાને પેટના ભાગે ચપ્પુનો ઘા મરાયો હતો, તો બીજી તરફ યુવકે પણ ઓલપાડ પોલીસ મથકે યુવતીના પિતા વિરુદ્ધ ફરિયાદ આપી છે. જેમાં યુવક તેના મોટાભાઈનાં 5 વર્ષીય પુત્રને બાઈક પર સોસાયટીના ગેટ સુધી આટો મારવા માટે ગયો હતો. તે સમયે યુવતીના ઘર નજીકથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે આધેડે તેની પુત્રી જાનવી સાથે પ્રેમ સંબંધ હોવાની અદાવત રાખી યુવતીના પિતા અને દાદા યુવકને ગાળ આપી હતી. જેથી મોટર સાયકલ ઉભી રાખતા ઢીકા-મુક્કીનો માર મારી લોખંડનાં પાઇપ વડે યુવકને માથાના ભાગે બેથી ત્રણ સપાટા માર્યા હતા. યુવાનને માથાના ભાગે ઇજા થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટના મામલે યુવકે યુવતીના પિતા વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ઓલપાડ પોલીસે બન્ને પક્ષે ફરિયાદ લઈ તપાસ શરૂ કરી
મારમારીની ઘટનામાં વૃદ્ધ તેમજ યુવાનને ઈજાઓ થઈ છે. સમગ્ર મારમારીની ઘટના સોસાયટીમાં લગાવવામાં આવેલ CCTV કેમેરામાં કેદ થવા પામી છે. રાત્રે સોસાયટીમાં બે પરિવાર વચ્ચે થયેલી મારમારીમાં આખી સોસાયટીને માથે લીધી હતી. જેમાં વૃદ્ધ તેમજ યુવાનને ઇજા થઇ હતી. મારમારીની ઘટના બાદ બન્ને પક્ષે ઓલપાડ પોલીસ મથકે સામસામે ફરિયાદ આપતા પોલીસે બન્નેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...