માંગરોળ તાલુકા ના વેરાકુઈ ગામના બાંડી બેડી ફળીયામાં ધોળે દિવસે દિપડાએ બકરીનો શિકાર કરતા પશુ પાલકોમાં ગભરાટ ફેલાયો છે છેલ્લા એક મહિનાથી દિપડો રહેણાંક વિસ્તારમાં આટા ફેરા કરી રહ્યો હતો. ત્યારે ગતરોજ સાંજે ચાર કલાકે ગામિત શાંતુભાઇ સામાભાઈ બકરી ચરાવી પરત ઘરે આવી રહ્યા હતા.
તે દરમિયાન ફળિયામાં એક મકાનની બાજુમાં આવેલા શેરડીના ખેતરમાંથી અચાનક દીપડો ધસી આવ્યો હતો અને બકરી ઉપર હુમલો કરી બકરીનો શિકાર કર્યો, પરંતુ પશુપાલક અને લોકોએ બુમાબૂમ કરતા દીપડો મૃત બકરીને છોડી ભાગી ગયો હતો. એક દિવસ પહેલા રાત્રે એક કૂતરાનો શિકાર દીપડાએ કર્યો હતો. વેરાકુઈ ગામનાં બાંડીબેડી ફળીયામાં આ અગાઉ પણ રાત્રિ દરમિયાન દીપડાએ ત્રણથી ચાર કૂતરાઓનો શિકાર કર્યો છે. ધોળા દિવસે દીપડાએ બકરી ઉપર હુમલો કરતા લોકોમાં પણ ડરનો માહોલ સર્જાયો છે.
દીપડાએ બકરીનું મારણ કરવાની ઘટના સંદર્ભમાં સ્થાનિક રહીશ ગણપતભાઈ ગામિતે વાંકલ વન વિભાગનાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર એચ.બી. પટેલને જાણ કરી પીંજરું મૂકવા માટે માગ કરી છે. વધુમાં આ બાબતે રતિલાલભાઈ ગામિતે બનાવ સંદર્ભે વન વિભાગને લેખીતમાં ફરિયાદ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.