દુર્ઘટના:માંડવીના આંબા ગામ નજીક લક્ઝરી બસનું વ્હીલ ફરી જતાં શ્રમજીવીનું સ્થળ પર જ મોત

બારડોલી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુમુલ ડેરીના પ્લાન્ટ પરથી કામદારોને મુકવા બસ આંબા ગામ આવી હતી

માંડવી તાલુકાના આંબા ગામના ચાર રસ્તા નજીક એક લક્ઝરી બસના ચાલકે તેની જ બસમાં બેસી ગામ પરત ફરેલા શ્રમજીવી યુવકને કચડી નાખતા તેનું સ્થળ પર જ મોત થયાનું નોંધાયું હતું. આ અંગે માંડવી પોલીસ મથકે લકઝરી ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

માંડવી તાલુકાના આંબા ગામે પારસી ફળિયામાં રહેતાં રાજુભાઇ ગમનભાઈ ચૌધરી (50) અને તેમના પત્ની નંદા બહેન ચૌધરી અને ગામના અન્ય કેટલાક કામદારો સુમુલ ડેરીના નવી પારડી પ્લાન્ટ પર મજૂરી કામ કરવા માટે જાય છે. આ કામદારોને તેમના ગામથી નવી પારડી પ્લાન્ટ સુધી દરરોજ આવવા જવા માટે એક લક્ઝરી બસની સગવડ કરવામાં આવી છે. લક્ઝરી બસ નંબર GJ-23-T-9977 પર ચાલક તરીકે મુઝમ્મીલ ઇશાક લીંબાડા રહે. નાની નરોલી તા.માંગરોળ કામ કરે છે.

શુક્રવારે રાજુભાઈ અને પત્ની અને અન્ય કામદારો સુમુલના પ્લાન્ટ પરથી રાત્રીના આઠ વાગ્યાના અરસામાં નોકરી પુરી ગામ તરફ જવા લકઝરી બસમાં ગોઠવાયા હતા. આ બસમાં રસ્તે અરેઠ સહિતના અન્ય ગામના કામદારોને ઉતારી રાત્રીના આંબા પહોંચી હતી. લકઝરીમાંથી ઉતરી કામદારો ઘર તરફ પગપાળા જઈ રહ્યાં હતાં ત્યારે લક્ઝરી ચાલક મુઝમ્મીલભાઈએ બસ ગફલતભરી રીતે હંકારી ઘર તરફ જઇ રહેલા રાજુભાઇ ચૌધરીને અડફેટે લઈ લીધા હતા

અને અકસ્માતમાં રોડ પર પડી ગયેલા રાજુભાઇના શરીર પરથી લકઝરી બસનું વ્હીલ ફરી ગયું હતું અને તેમને માથામાં તથા શરીરના અન્ય ભાગોએ ગંભીર ઇજા થઇ હતી. ગંભીર ઇજાગ્રસ્ત રાજુભાઈ ચૌધરીને કોઈ સારવાર મળે એ પહેલાં જ તેમનું સ્થળ પર મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી લકઝરી બસ ચાલક બસ લઈ નાસી ગયો હતો. બનાવ અંગે રાજુભાઈના પત્ની નંદાબહેન ચૌધરીએ લકઝરી બસના ચાલક સામે માંડવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...