બારડોલી તાલુકાના કડોદ ગામે મોરા ફળિયા ખાતે જુનવાણી ઢબના લાકડાના મકાનમાં શોટ સર્કિટ થતા અચાનક આગ ભભૂકી ઉઠી હતી. મકાનમાં રહેલા સંપૂર્ણ માલ સામાન બળીને ખાખ થઈ જવા પામ્યું હતું. લાખોની મત્તાનું નુકસાન થયુ હતું. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી.
બારડોલી ગ્રામ્ય પોલીસ મથકની કડોદ આઉટ પોસ્ટ ચોકી પાસે આવેલ મોરા ફળિયા ખાતે એક મકાનમાં આજે વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. પરિવારજનો વિવિધ કામો માટે બહાર ગયા બાદ અગમ્ય સંજોગોમાં ઘરમાં આગ ભભૂકી ઉઠી હતી. મકાનમાં રહેતા જગદીશ લલ્લુભાઈ ઢીમર નવસારી જવા નીકળ્યા હતા. જ્યારે તેમના ભાભી રંજનબેન સુરત વહેલી સવારે માછલીઓ ખરીદવા ગયા હતા. ઘરમાં હાજર ભત્રીજો અને ભત્રીજી કોલેજ જવા માટે ઘર બંધ કરીને નીકળ્યા હતા. ત્યારબાદ થોડા સમય પછી શોર્ટ સર્કિટના કારણે ઘરમાં આગ ભભૂકી ઉઠતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી.
ઘરમાં મુકેલા તમામ ઘરવખરીનો સમાન, કબાટ સહિત અગત્યના દસ્તાવેજો વગેરે આગમાં બળીને ખાખ થઈ જતા આશરે 30થી 40 લાખનું નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. નવસારી જવા નીકળેલા જગદીશભાઈ ઢીમર હજી વરાડ રાયમ નજીક પહોંચે તે પહેલા પોતાના ઘરમાં આગ લાગી હોવાની માહિતી મળતા તેઓ પરત આવ્યા હતા. જ્યારે બારડોલી ફાયર બ્રિગેડ અને માંડવી ટીમે મીની ફાયર ફાઈટર અને વોટર બ્રાઉઝર યુનિટ સાથે આગને કાબુમાં લીધી હતી. સવારના 10:30થી 11:00 વાગ્યાના સમયગાળામાં અચાનક આગ ભભૂકી ઉઠતા કડોદમાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી. જોકે ઘરમાં આગ લાગવાના સમયે કોઈપણ વ્યક્તિ હાજર ન હોવાના કારણે મોટી જાનહાની ટળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.