કાર્યવાહી:તોલમાપના કાયદાનો ભંગ કરનારા સુરત અને તાપી જિલ્લાના 91 વેપારીઓ દંડાયા

બારડોલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરત જિલ્લા મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા કચેરી દ્વારા છાપેલી કિંમત કરતા વધુ કિંમત લેવી, વજન કરતા ઓછુ આપવું જેવી અનેક રીત રસમો અપનાવીને ગ્રાહકો સાથે છેતરપિંડી કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી કરાઇ રહી છે. નિરીક્ષકો દ્વારા એક માસમાં વેપારી એકમોની ઓચિંતી તપાસણી કરી વજનમાપ તથા પી.સી.આર. કાયદાના ભંગ બદલ 91 વેપારી/એકમો સામે કેસ કરી રૂા.84,300 નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

મળતી વિગતો મુજબ ઓક્ટો. માસમાં સુરત અને તાપી જિલ્લાના કુલ 1791 વેપારી એકમોની ચકાસણી અને મુદ્રાંકનની કામગીરી હાથ ધરી કુલ રૂા.22,73,652 ની સરકારી ફી વસુલ કરવામાં આવી હતી. જ્યારે ચાર મોબાઈલ કોર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરતના મોબાઈલ કોર્ટ દરમિયાન 23 વેપારી એકમો સામે પ્રોસિકયુશન કેસ કરી સુરત શહેર તેમજ તાપી જિલ્લાના વ્યારા સ્ટેશન રોડ વિસ્તારમાં મોબાઈલ કોર્ટ દરમિયાન 13 વેપારીઓ એકમો સામે કેસ કરી દંડ સ્થળ પર વસુલ કરાયો હતો.

તાપી જિલ્લાના વ્યારામાં મુખ્ય બજારમાં આવેલા ભારત સ્વીટ અને ફરસાણમાં મિઠાઈના વજન બાબતે ઓચિંતી તપાસ કરતાં મેનુકાર્ડમાં ખાદ્યવસ્તુના વજન-માપનો જથ્થો પ્રદર્શિત કરવામાં ન આવ્યો હોવાથી આ બંને વેપારી એકમો સામે લીગલ મેટ્રોલોજી એક્ટ-2009 હેઠળ પ્રોસિક્યુશન કેસ કરી રૂ. 6000 નો દંડ સ્થળ પર જ વસૂલ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, જો કોઈ ગ્રાહકોએ તોલમાપ, પેકેઝ કોમોડિટીઝ તથા ગ્રાહક સુરક્ષા અંગેની કોઈ પણ ફરિયાદ કે માર્ગદર્શનની જરૂરિયાત હોય તો મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન-2, એ-બ્લોક, ગ્રાઉન્ડ ફલોર અઠવાલાઈન્સ, સુરતનો સંપર્ક સાધવા આ કચેરીના મદદનીશ નિયંત્રકની યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...