બારડોલી વિસ્તારમાં વર્ષોથી વ્યાજખોરો જરૂરિયાત મંદને રૂપિયા ધીરી બેફામ વ્યાજ ઉઘરાવી તગડી કમાણી કરી રહ્યા છે અને સમયસર રૂપિયા ન ચૂકવી શકનાર પાસે પ્રતિ દિવસની પેનલટી વસૂલી રહ્યા છે ત્યારે ગૃહ વિભાગે વ્યાજ ખોરો સામે કડક કાર્યવાહી કરવાનો હુકમ જારી કરતાં પોલીસ હરકતમાં આવી છે અને બારડોલીના બાબેન ગામના વ્યાજખોર સામે બે દિવસમાં ત્રીજો ગુનો દાખલ થયો છે.
પોલીસના જણાવ્યા મુજબ બાબેન ગામે ગોપાલનગરમાં રહેતા અશોકભાઇ ચિતામણિભાઈ શાકભાજીનો વેપાર કરી પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવે છે. વર્ષ 2018માં તેમની દીકરીના લગ્ન કરવા માટે પૈસાની જરૂર હોવાથી બાબેનના શક્તિ નગરમાં રહેતા સુરેશભાઈ તુકારામ સોનાર પાસે રૂ. 55 હજાર 5 ટકાના ઊંચા વ્યાજે લીધા હતા.
જેમાં વ્યાજ ખોર સુરેશે રૂપિયા 5 હજાર કાપી 50 હજાર આપ્યા હતા જે પૈકી અશોભાઈએ દર મહિને 5 ટકા વ્યાજ પ્રમાણે હપ્તેથી રૂ.90 હજાર રૂપિયા ચુકવ્યા હતા તેમ છતાં સુરેશ અશોકભાઇ પાસે 1.50 લાખની માંગણી કરી અશોકભાઈની શાકભાજીની દુકાને જઇ ઉઘરાણી કરી માર માર્યો હતો અને રૂપિયા ન ચૂકવે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આખરે અશોકભાઈએ વ્યાજ ખોર સુરેશના ત્રાસથી કંટાળી પોલીસ ફરિયાદ કરતાં બારડોલી પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.