મહિલાઓ ડ્રાઈવિંગ સીટ પર:લાઈસન્સ કઢાવવામાં 5 વર્ષમાં 9 ગણો વધારો

બારડોલી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બારડોલી RTOમાં વર્ષ 2017માં પ્રતિમાસ 50 મહિલાએ લાઇસન્સ કઢાવ્યા હતા જેની સંખ્યા 2022માં 457 પર પહોંચી

મહિલાઓ વ્યવસાય ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા સાથે દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે. ત્યારે બારડોલી RTOના કાર્યરત વિસ્તારમાં મહિલાઓ ડ્રાઇવિંગમાં પણ આગળ વધી રહી છે. જેનો 5 વર્ષનો સમય જ બતાવી આપે છે, પાંચ વર્ષ પહેલાં એવરેજ મહિનાના મહિલાઓના 50 માંડ લાઇસન્સ નીકળતા હતા, જેમાં ધરખમ કહી શકાય એટલો વધારો થયો છે. હાલના સમયમાં મહિલાઓના મહિને એવરેજ 457 જેટલા લાઇસન્સ નીકળી રહ્યા છે.

જેનું કારણ ખાસ કરીને વિદેશ જવા પહેલા યુવતીઓ લાઇસન્સ ખાસ કઢાવે છે, બીજા કારણમાં પેટ્રોલ ડીઝલનો સતત વધતો ભાવના કારણે સ્કૂલવાન, રીક્ષા, સહિતના ભાડામાં વધારો થવાથી, મહિલાઓ બજારમાં ખરીદી, બાળકોને શાળાએ મુકવા, ઓફિસે જવા જેવા કામો માટે જાતે ડ્રાઈવિંગ કરતા, મહિલાઓના બજેટમાં પણ ફાયદો થઈ રહ્યો હોવાથી મહિલાઓના લાઇસન્સમાં સતત વધારો થઈ રહ્યો છે. એક સમય હતો, જ્યારે બાઇક કે કાર ચલાવવીએ પુરુષોનો શોખ ગણાતો હતો, પરંતુ બદલાતા સમયની સાથે આ ધારણા પણ બદલાઈ ગઈ છે.

બદલાતા વાતાવરણમાં મહિલાઓ વધુને વધુ આત્મનિર્ભર બની રહી છે. સમાજમાં જાગૃતિ આવવાના સાથે મહિલાઓ પણ સમયની તાલ મિલાવી રહી છે. નોકરીમાં વ્યવસાયમાં જોડાવાથી તેમનો આત્મવિશ્વાસ વધ્યો છે. આ જ કારણ છે કે હવે રોજબરોજના કામમાં બીજાના પર નિર્ભર રહેતી મહિલાઓ, જાતે જ કામ કરી લેતી હોય છે. મહિલાઓ હવે કોઈપણ વાહન સરળતાથી ચલાવી લેતા, કોઈના પર આધાર રાખવો પડતો નથી.

બાળકોને શાળાએથી લાવવાથી લઈને શોપિંગ સુધી, કોલેજ, ઓફિસ આવવા જવા માટે વાહનોનો ઉપયોગ કરતા હોય લાઇસન્સ ફરજિયાત હોવાથી કઢાવવામાં આગળ આવી રહી છે. જ્યારે યુવતીઓ વિદેશ જવા પહેલા લાઇસન્સ ફરજિયાત કઢાવવામાં આવે છે. જેના કારણે છેલ્લા પાંચ વર્ષમાં વાહન લાયસન્સ ધરાવતી મહિલાઓની સંખ્યામાં વધારો થયો છે.

વાહન ટ્રાયલમાં મહિલાઓ સારી રીતે પાસ થઈ રહી છે, અને તેઓને લર્નિંગ અને કાયમી લાયસન્સ સહિતની સુવિધા આપવામાં આવી રહી છે. જ્યાં વર્ષ 2017માં પ્રતિ મહિને 50 મહિલાઓ પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ નીકળતું હતું, હવે વર્ષ 2022માં તેની સંખ્યા 9 ઘણી વધીને સંખ્યા 457 પર પહોંચી છે. મહિલાઓ સ્વનિર્ભર બની કોલેજ, ઓફિસ સહિતના રોજિંદા કામ માટે વાહનોનો ઉપયોગ કરી રહી છે.

લાઈસન્સ કઢાવનારી મહિલાઓ દર વર્ષે ડબલ થઇ રહી છે
બારડોલી આરટીઓમાં વર્ષ 2016-17માં માત્ર 676 મહિલાએ લાયસન્સ કઢાવ્યા હતા. 2018માં 1066, 2019માં 1222, 2020માં 2657, 2021માં 5323 અને 2022ના સાડા છ મહિનાની અંદર જ 2747 મહિલાઓ લાઇસન્સ કઢાવી ચુકી છે.

પ્રતિ માસ આટલા લાઇસન્સ ઇશ્યુ થયા

વર્ષમાસીક એવરેજ
201750
201889
2019101
2020211
2021443
2022457

(2022ના આંકડા 21 જુલાઈ સુધીના)

​​​​​​ડ્રાઈવિંગ શીખવામાં વિદેશ જવાની હોય તેવી મહિલાઓ મોખરે

છેલ્લા 11 વર્ષથી હું ડ્રાઇવિંગ સ્કૂલ ચલાવું છું. પાંચ વર્ષ પહેલાં મહિને 12 જેટલી મહિલાઓ ડ્રાઇવિંગ શીખવા આવતી હતી. આજે તેની સંખ્યામાં ઘણો વધારો થયો છે. હાલ 30 થી વધુ મહિલાઓ આવે છે. વિદેશમાં જવાની હોય, એવી યુવતીઓ વધુ હોય છે. - કિશોર ગામીત, પ્રોપરાઈટર, ડ્રાઇવિંગ સ્કૂલ, બારડોલી

​​​​​​​ડ્રાઇવિંગમાં મહિલાઓનો રસ ઉત્સાહજનક
જિલ્લામાં યુવતીઓ અને મહિલાઓ સતત વાહનો ચલાવવામાં રસ લઈ રહી છે. જે બહુ સારી વાત છે, છેલ્લા પાંચ વર્ષમાં વાહન લાયસન્સ ધરાવતી મહિલાઓની સંખ્યામાં પણ ઘણો વધારો થયો છે. - મિતેષ બંગાલે, એઆરટીઓ, બારડોલી વાહન વ્યવહાર કચેરી

વાહન ભાડા વધતા જાતે જ ડ્રાઇવીંગ શીખ્યું
પેટ્રોલના ભાવ વધતા સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં વધારો નોંધાયો છે. તેમજ નગરમાં રિક્ષાના ભાડામાં વધારો નોંધાયો છે. શોપિંગ માટે જવા માટે જવું પણ મોંઘુ થયું છે. જેથી હવે મોપેડનો ઉપયોગ કરું છું. જેમાં લાયસન્સની જરૂર હોય જેથી લાયસન્સ કઢાવ્યું છે. - ભાવના દેસાઈ, ગૃહિણી

અન્ય સમાચારો પણ છે...