ફાયર વિભાગનો સપાટો:બારડોલીમાં ફાયર સેફ્ટી ન ધરાવતી  80 દુકાનો સીલ કરાઈ; ફાયર વિનાની તમામ મિલકતો પર તાળું મારવાની વિભાગની યોજના

બારડોલીએક મહિનો પહેલા

સુરત જિલ્લાના બારડોલીમાં ફાયર સેફટી તેમજ ફાયર સેફટી સર્ટિફિકેટ ન ધરાવતી બિલ્ડીંગોની દુકાન ઉપર ફાયર વિભાગે સપાટો બોલાવ્યો હતો. ફાયર સેફ્ટી નહીં ધરાવતી લગભગ 80 જેટલી દુકાનો અને મિલકત ઉપર સીલ કરવાની બારડોલી ફાયર વિભાગે કામગીરી હાથ ધરી છે.

68 જેટલી મિલકતોને આવતીકાલ સાંજ સુધીમાં સીલ
સુરત જિલ્લાના વડામથક બારડોલી ખાતે ફાયર વિભાગ દ્વારા નગરમાં કાર્યવાહી કરવામાં આવી હતી. બારડોલી ફાયર વિભાગના સ્ટાફે નગરના વિવિધ વિસ્તારોમાં આવેલા શોપિંગ મોલ એપાર્ટમેન્ટ તેમજ રહેણાંક વિસ્તારોમાં ફાયર સેફ્ટી નહીં ધરાવતા મિલકતોને સાણસામાં લેવામાં આવી હતી. જેમાં ફાયર વિભાગ દ્વારા 2013ના વર્ષમાં તમામ મિલકત ધારકોને પોતાની મિલકતોમાં ફાયર સેફટી તેમજ ફાયર સેફટી અંગેનું સર્ટિફિકેટ મેળવી લેવા માટે જણાવવામાં આવ્યું હતું. ફાયર વિભાગ દ્વારા નોટિસ આપ્યા બાદ પણ મિલકત ધારકો, દુકાનદારોએ કોઈપણ જાતની ગંભીરતા નહીં દાખવી ફાયર સેફ્ટી વિના જ દુકાનો ચલાવતા હતા અને રહેણાંક વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટોમાં પણ ફાયર સેફ્ટીની સુવિધા કરી ન હતી. એવી 80 જેટલી મિલકતોને આજે બારડોલી પાલિકાના ફાયર વિભાગ દ્વારા સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ સર્ટિફિકેટ નહીં મેળવનાર 68 જેટલી મિલકતોનું ફાયર વિભાગે લિસ્ટ બનાવ્યું છે અને ફાયર સેફ્ટી નહીં ઉભી કરનાર આ 68 જેટલી મિલકતોને આવતીકાલ સાંજ સુધીમાં સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

ફાયર સેફ્ટી વગરની તમામ કોમર્શિયલ ઈમારતો સીલ કરાશે
હાલ બારડોલીમાં આવેલા મુખ્યમાર્ગ પર મિલેનિયમ મોલ અને રવિરાજ કોમ્પ્લેક્ષની 80 જેટલી દુકાનો સીલ કરવામાં આવી છે. જ્યારે નગરની અન્ય 68 જેટલી કોમર્શિયલ ઈમારતોનું લિસ્ટ પાલિકા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. ત્યારે કોઈ પણ ઈમારતમાં ફાયર સેફ્ટીનો અભાવ જણાશે તો તે ઈમારતની તમામ દુકાનો સીલ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...