કડોદરા ચાર રસ્તા નજીક આવેલા જયઅંબે ટ્રેડર્સના ગોડાઉનમાં મળસ્કે 8 જેટલા તસ્કરો ત્રાટકયા હતા. ગોડાઉનની બહાર બેસેલા વોચમેનને તસ્કરો બંધક બનાવી માર મારી રૂ. 10.50 લાખના વિમલ ગુટકાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સમગ્ર ચોરીની ઘટના ગોડાઉનમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થવા પામી હતી. સુરત જિલ્લામાં તસ્કરોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે તેમ રોજ ચોરી થવાની ઘટનાઓ સામે આવી રહી છે. તસ્કરો સોના, ચાંદી તેમજ રોકડ તો ઠીક, પરંતુ હવે લાખો રૂપિયાના વિમલ-ગુટકાની પણ ચોરી કરી રહ્યા છે.
8 જેટલા તસ્કરો ગોડાઉન નજીક આવ્યા હતા
સુરત જિલ્લાના બારડોલી પંથકમાં છેલ્લા ઘણા દિવસોથી તસ્કરોના તરખાટ બાદ ચલથાણ ખાતે બે દિવસ પહેલાં તસ્કરો ચોરીના ઇરાદે ત્રાટક્યા હતા. બાદમાં તેઓ ફરી કડોદરા પંથકને જ નિશાન બનાવી લાખોની મત્તાના વિમલ ગુટકાની ચોરી કરવામાં સફળ રહ્યા હતા. કડોદરા ચાર રસ્તા નજીક નીતિનકુમાર ગમનલાલ મોદીની જયઅંબે ટ્રેડર્સ નામની દુકાન આવેલી છે, જેની નજીકમાં જ તેમનું ગોડાઉન પણ આવેલું છે. એ ગોડાઉનને તસ્કરોએ વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ નિશાન બનાવ્યું હતું, 8 જેટલા તસ્કર ગોડાઉન નજીક આવ્યા હતા.
વોચમેનને કોથળામાં બાંધીને સીમમાં ફેંકી દેવાયો
દરમિયાન ગોડાઉનની બહાર ફરજ બજાવતા વોચમેન દલ બહાદુર સિંહે તસ્કરોને પૂછ્યું કે ગાડી શા માટે અહીં ઊભી કરી છે, જેથી તસ્કરોએ વોચમેનને બંધક બનાવી માર મારી કોથળામાં બાંધીને ભરી દીધો હતો તેમજ એક કારમાં વોચમેનને લઈ જઈ ઉંભેળ ગામની સીમમાં ધક્કો મારી ફેંકી દેવાયો હતો. બાદમાં ગોડાઉનમાં પ્રવેશી 42 બોરી અને 25 છૂટક પેકેટ વિમલ ગુટકાની તસ્કરો ચોરી કરી ગયા હતા. જયઅંબે ટ્રેડર્સના માલિકે સવારે આવીને જોતાં ગોડાઉનમાંથી રૂ. 10.50 લાખના વિમલ ગુટકાની ચોરી થયાનું માલૂમ પડ્યું હતું. તેમણે તાત્કાલિક કડોદરા GIDC પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે સ્થળ પર પહોંચી CCTV ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
તસ્કરોની નજર CCTV કેમેરા પર પડતા લાકડી વડે કેમેરો ઊંચો કર્યો
ગોડાઉનમાં વિમલ ગુટકાની ચોરી કરવા આવેલા 3 તસ્કરો ગોડાઉનમાં મૂકેલી બોરીઓને ઉઠાવી બહાર મૂકેલા વાહનમાં ભરવા લાગ્યા હતા. 42 બોરી પૈકી 5થી 6 બોરી તસ્કરો ગોડાઉનની બહાર લઈ ગયા બાદ એક તસ્કરની નજર ગોડાઉનમાં લાગેલા CCTV કેમેરા પર પડી હતી. તે તસ્કરે બહારથી લાકડી લાવી કેમેરાને ઊંચો કર્યા બાદ ચોરીની ઘટનાને બિનધાસ્તપણે અંજામ આપ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.