હવે ભેળસેળ નહીં:નિયમો કડક થતાં હોલમાર્ક સર્ટિ વિનાના બારડોલીના 40 % જ્વેલર્સો દોડતાં થયા

બારડોલી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રાહકોને શુદ્ધ સોનું મળે તે માટે દાગીના પર હોલમાર્ક ફરજિયાત
  • ઓગસ્ટના અંત સુધી હોલમાર્કના નિયમો ભંગ બદલ કોઇ પેનલ્ટી ન વસૂલવાની ધરપત મળતાં થોડી રાહત

ગ્રાહકોને શુદ્ધતાની ખાતરી વાળા સોનાના દાગીના મળે તે માટે ગત 16 જુનથી હોલમાર્કિંગનો કાયદો ફરજિયાત કરાયો છે. બીજી તરફ બારડોલી નગરમાં 90 જેટલી જ્વેલર્સની દુકાનો આવેલી છે. હજુ 40 ટકા ઘરેણાના વેપારી પાસે હોલમાર્કનું સર્ટિફિકેટ જ ન હોવાને કારણે મુશ્કેલીમાં મુકાયા છે. અને સર્ટિફિકેટ મેળવવાની કવાયત હાથ ધરી છે. જોકે, સરકાર દ્વારા ઓગસ્ટ મહિનાના અંત સુધી હોલમાર્કના નિયમોના ભંગ બદલ કોઇ પેનલ્ટી ન વસૂલવાની ધરપત આપતા હોલમાર્ક સર્ટિ વિનાના વેપારીઓને થોડી રાહત મળી છે. જ્યારે નગરના 60 ટકા જ્વેલર્સોએ હોલમાર્કનું પ્રમાણપત્ર મેળવી લીધુ છે.

લાંબા સમયની મુદત પછી શુદ્ધતાની ખાતરી વાળો કાયદો અમલી બનતા હવે ગ્રાહકોને હોલમાર્કના માર્કો મારેલો સોનું મળશે. સોનાના ઘરેણાં પર કેટલા કેરેટના છે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવશે. જેથી ગ્રાહક સોનું ખરીદતી વખતે છેતરપિંડીનો ભોગ બનતા બચી જશે. હોલમાર્કવાળા સોનાના ઘરેણાના દરેક નંગ પર કિંમત સાથે 35 રૂપિયા અને 18 ટકા જીએસટીની સાથે હોલ માર્કના અંદાજિત 50 રૂપિયા વધારાના આપવા પડશે. જોકે, જીએસટી સિવાયનો ખર્ચ મોટા ભાગના જવેલર્સ ઘરેણાની મજૂરીમાં જ સમાવેશ કરી લેતા હોય છે.

જ્વેલર્સ 14, 18 અને 22 કેરેટના જ સોનાના ઘરેણાં વેચી શકશે
હોલમાર્કના નવા નિયમ અનુસાર તમામ જ્વેલર્સોએ ભારત સરકાર પાસે ઘરેણાના પ્રમાણ લઈ હોલમાર્ક લગાવે. ત્યારબાદ જ ઘરેણાં વેચી શકશે. જેથી જ્વેલર્સ માત્ર 14, 18, અને 22 કેરેટના સોનાના ઘરેણાનું વેચાણ કરી શકશે.

કયા કેરેટ પર કયો નંબર લખેલો હશે ?

  • 24 કેરેટના ઘરેણાં પર 999 નંબર
  • 22 કેરેટના ઘરેણાં પર 916 નંબર
  • 18 કેરેટના ઘરેણાં પર 750 નંબર
  • 14 કેરેટના ઘરેણાં પર 585 નંબર

દાગીના પર આ 5 ચિન્હ જરૂરી
સરકારી ગાઈડલાઈન મુજબ 5 ચિન્હ દાગીના પર હોવા જોઇએ. જેમાં દાગીનામાં BIS માર્ક, 916, લેબ સિક્કો, પેઢીનો સિક્કો તેમજ 22 કેરેટનો સિક્કો હોવો જોઈએ. દાગીનામાં આ સિક્કા હોય તો જ 22 કેરેટ કન્ફમ ગણાય.

સર્ટિ માટે દોડધામ શરૂ
જવેલર્સોએ કોવિડને લઇ છૂટછાટ માટે રજુઆત કરી હતી. જેના આધારે હોલમાર્ક અંગે ઓગષ્ટના અંત સુધી સરકારે છૂટ આપી છે. જેને લઇ બારડોલીના 40 ટકા હોલમાર્કના સર્ટી વગરના વેપારીઓને થોડો પણ સમય મળતા તેઓ હોલમાર્કનું પ્રમાણપત્ર મેળવવા દોડતા થયા છે. જોકે, હોલમાર્કના નિયમોમાં ભલે થોડા સમય પુરતી છુટ મળી છે. પરંતુ ગ્રાહકોને હવે શુદ્ધ સોનુ ખરીદી માટેનો આગ્રહ રહેશે.

ઘરે રાખેલા સોના પર હોલમાર્કના નિયમની કોઈ અસર નહીં થાય
હોલમાર્કવાળા દાગીનાનો કાયદો અમલી બન્યો છે. ત્યારે લોકોએ ઘરમાં જૂના સોનાના દાગીનામાં કોઈ ફરક પડશે નહીં. જુના સોનાના દાગીના જ્વેર્સને ત્યાં વેચી શકશે પરંતુ જ્વેલર્સ સોનાના દાગીના હોલ માર્ક વગરના વેચી શકશે નહીં.

કાયદો ભંગ થશે તો 1 વર્ષની જેલ
વેપારીની રજૂઆત બાદ હાલ હોલમાર્કના નિયમોમાં 1 સ્પટેમ્બર સુધીની રાહત અપાઇ છે. પરંતુ ત્યાર બાદ હોલમાર્કના નવા નિયમ મુજબ હોલમાર્ક વગરના ઘરેણાં વેચતા કોઈ જ્વેલર્સ પકડાશે, તો 1 લાખ સુધીનો દંડ અથવા 1 વર્ષની જેલની સજા થઈ શકે તેમજ જો કોઈ જ્વેલર્સ હોલમાર્કિંગના નિયમોમાં ગ્રાહક સાથે છેતરપિંડી કરે તો BSIના નિયમ મુજબ તેણે ગ્રાહકને વાસ્તવિક દરના તફાવતની બમણી રકમ ચૂકવવી પડશે.

જ્વેલર્સોએ કાયદાને આવકાર્યો
જ્વેલર્સોએ હોલમાર્કના કાયદાને આવકાર્યો છે. આ કાયદા થકી ગ્રાહકોને શુદ્ધ સોનાના દાગીના મળશે. -પ્રદીપભાઈ લુંભાણી, પ્રમુખ, બારડોલી જ્વેલર્સ એસોસિયેશન