પરિવારને બંધક બનાવી લૂંટ્યો:3 બુકાનીધારીઓ દાગીના અને રોકડ લઈ ફરાર; પોલીસે ટિમો બનાવી 2 લૂંટારુઓને ઝડપી મુદ્દામાલ રિકવર કર્યો

બારડોલી16 દિવસ પહેલા

સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઉશ્કેર ગામે રાત્રીના 3 વાગ્યે બુકાનીધારીઓએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. પરિવારને બંધક બનાવી 1થી વધુ કિલો સોનાની અને 1.80 લાખ રોકડની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. જિલ્લામાં થયેલી લૂંટની ચકચારી ઘટનાને પગલે માંડવી પોલીસ અને સુરત જિલ્લા એલ.સી.બીની અલગ અલગ ટિમો કામે લાગી હતી. માત્ર 5 કલાકમાં પોલીસે 2 લૂંટારુઓને ઝડપી પાડ્યા છે.

માંડવી તાલુકાના ઉશ્કેર ગામે ચકચારી લૂંટની ઘટના બની હતી. રાત્રીના 3 વાગ્યાના સુમારે ઉશ્કેર ગામે રહેતા સુનિલ શર્મા તેઓના ઘરમાં મીઠી નીંદર લઈ રહ્યાં હતા. તે દરમિયાન તેઓના ઘરમાં 3 જેટલા બુકાનીધારીઓ પ્રવેશ્યા હતા. પરિવારને બંધક બનાવી ઘરમાં લૂંટ કરી હતી. ઘરમાંથી 1 કિલોથી વધુના સોનાના દાગીના અને 1.80 લાખ રોકડની લૂંટ કરી ત્રણે લૂંટારુઓ ફરાર થઇ ગયા હતા.

ઘટનાની જાણ સુનિલ શર્મા દ્વારા માંડવી પોલીસને કરવામાં આવતા પોલીસ દોડતી થઈ હતી. સ્થાનિક પીઆઈ હેમંત પટેલની ટીમ સહિત એલ.સી.બીનાં પી.આઈ બી.જી.ઇસરાનીની 4 જેટલી ટિમો તાત્કાલિક લૂંટારુઓને પકડવા માટે કામે લાગી હતી. આસપાસના તમામ વિસ્તારો કોર્ડન કરી 5 કલાકના સર્ચ ઓપરેશન બાદ 2 લૂંટારુઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. લૂંટારુઓ પાસેથી લૂંટના તમામ દાગીનાઓ રિકવર કરવામાં આવ્યા છે. સુરત જિલ્લા પોલીસ અધિક્ષક સ્થળ પર પહોંચ્યા હતા. વધુ કાર્યવાહી માંડવી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...