બારડોલીમાં ચીલઝડપમાં ઘટસ્ફોટ:20 લાખ રૂપિયા આપના ઉમેદવારના નીકળ્યા; ગૃહ રાજ્યમંત્રીએ પૂછ્યું- શું ગુજરાતમાં અશાંતિ ફેલાવવા રૂપિયા મોકલ્યા હતા?

બારડોલી2 મહિનો પહેલા

બારડોલીના પોલીસ મથકના દરવાજા પાસે પાર્ક કરેલી કારમાંથી રૂપિયા 20 લાખ ભરેલી બેગની ચિલઝડપ થવા પામી હતી. જેમાં એક જાગૃત યુવાને પૈસા ભરેલી બેગ બચાવી બારડોલી પોલીસ મથકે સોંપી હતી. આ સમગ્ર મામલે પડદો પાડવા આપનાં આગેવાનોએ ગડમથલ શરૂ કરી હતી . જો કે બારડોલી તેમજ સુરત જિલ્લા એલ.સી.બી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતાં 20 લાખ રૂપિયા આમ આદમી પાર્ટીના બારડોલી વિધાનસભાના ઉમેદવાર રાજેન્દ્ર સોલંકીના હોવાનું સામે આવ્યું હતું. જેથી બારડોલી પોલીસે રાજેન્દ્ર સોલંકીની ફરિયાદ લઈ તપાસ શરૂ કરી આઈ.ટી વિભાગને પણ જાણ કરી હતી. ત્યારે આ સમગ્ર મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાજેન્દ્ર સોલંકીનું નામ લીધા વિના પ્રહારો કર્યા હતા. જેમાં તેમણે "આ રૂપિયા ક્યાંથી આવ્યા અને કેમ આવ્યા? ટેક્સ ભરતા નથી અને રૂપિયા દિલ્હીથી કેમ આવ્યા? શું ગુજરાતમાં અશાંતિ ફેલાવા માટે રૂપિયા મોકલ્યા હતા?" જેવા સવાલો કર્યા હતા.

પૈસા આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજેન્દ્ર સોલંકીના હોવાનું બહાર આવ્યું
પૈસા આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજેન્દ્ર સોલંકીના હોવાનું બહાર આવ્યું

ચોર ઈસમો ગભરાઈને બેગ ફેંકીને ફરાર થઈ ગયા હતા
બારડોલીના અતિચકચારી ચિલઝડપના કિસ્સામાં નવો વળાંક આવ્યો છે. ગઈકાલે બુધવારે સાંજે સાડા પાંચ વાગ્યાના સુમારે પોલીસ મથક સામે પાર્ક કરેલી એક ઇકો સ્પોર્ટ કારના કાચ તોડી બાઈક સવાર બે ઈસમો બેગ લઈ ફરાર થઈ ગયા હતા. તે સમયે બારડોલીના એક યુવાને ચિલઝડપ કરનાર બંને ઇસમોનો પીછો કર્યો હતો. પીછો કરનાર યુવાન આદિલ મેમણે ચોર ચોરની બુમો મારતા ચિલઝડપ કરનાર ચોરટાઓ ગભરાઈને આર.ટી.ઓ નજીક બેગ ફેંકી ફરાર થઈ ગયા હતા. આદિલ મેમણે બેગ ઉઠાવી પોલીસ મથકમાં જમા કરાવી હતી. જો કે ગતરોજ મોડી રાત સુધી આમ આદમી પાર્ટીના આગેવાનોના આટા ફેરા બારડોલી પોલીસ મથકે જોવા મળ્યા હતા.

ચોર ઈસમો કારના કાચ તોડી 20 લાખ ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા હતા
ચોર ઈસમો કારના કાચ તોડી 20 લાખ ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા હતા

પોલીસે આઈટી વિભાગને જાણ કરી
બાદમાં આજે બારડોલી વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજેન્દ્ર સોલંકીએ ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો અને આઈ.ટી વિભાગને જાણ કરી હતી. તપાસ દરમિયાન 20 લાખ રૂપિયા આંગડીયા પેઢીમાંથી આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. બારડોલી પોલીસ તેમજ સુરત જિલ્લા એલ.સી.બી પોલીસે આંગડીયા પેઢી ચલાવનારા વ્યક્તિને બોલાવી પૂછતાં તેણે રૂ. 41 લાખનો વ્યવહાર થયો હોવાનું જણાવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

ઈસમોનો પીછો કરી બેગ બચાવનાર યુવક આદીલ મેમણ
ઈસમોનો પીછો કરી બેગ બચાવનાર યુવક આદીલ મેમણ

પૈસા કડોદરા ખાતે થયેલા કાર્યક્રમ માટે આવ્યા હતા : પ્રવીણ રાઠોડ
બારડોલી પોલીસ મથક નજીકથી કારમાંથી ચિલઝડપ થયેલા રૂ. 20 લાખ મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશમંત્રી પ્રવીણ રાઠોડને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે આ પૈસા કોઈ રાજેન્દ્ર સોલંકીના નથી. પરંતુ કડોદરા ખાતે થયેલી અરવિંદ કેજરીવાલની સભામાં ખાવાના, પાણીના, બસના તેમજ મંડપના પૈસા છે.

હર્ષ સંઘવીએ સમગ્ર મામલે આકરા પ્રહારો કર્યા
હર્ષ સંઘવીએ સમગ્ર મામલે આકરા પ્રહારો કર્યા

ટેક્સ ભરતા નથી અને રૂપિયા દિલ્હીથી કેમ આવ્યા? - હર્ષ સંઘવી
આ સમગ્ર ઘટના અંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નામ લીધા વગર આમ આદમી પાર્ટીને ભીંસમાં લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે રોકડા ક્યાંથી આવ્યા એ સવાલ મને નહી એમને પૂછો. આ રૂપિયા ક્યાંથી આવ્યા અને કેમ આવ્યા, ટેક્સ ભરતા નથી અને રૂપિયા દિલ્હીથી કેમ આવ્યા? એમ કહી તેમણે રાજેન્દ્ર સોલંકીને આડેહાથ લીધા હતા. તેમણે કહ્યું હતું કે ટેક્સ ભરતા નથી અને રોકડા લાવ્યા, શું ગુજરાતમાં અશાંતિ ફેલાવા માટે રૂપિયા મોકલ્યા હતા? આ સાથે જ તેમણે આપનું નામ લીધા વગર કેજરીવાલની સામે સવાલો કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...