બારડોલી નગરના મુખ્ય માર્ગ પર આવેલ શ્રી સરદાર પટેલ કોં-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી તેમજ સુવિધા કોં-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીને તસ્કરોએ નિશાન બનાવી તાળા તોડ્યા હતાં, અને તિજોરી ખેંચી ચોરી જવાનો નિષ્ફળ પ્રયાસ કરાયો હતો. જોકે, સરદાર ક્રેડિટ સોસાયટી મંડળીની તિજોરી તસ્કરો બહાર સુધી લઈ આવ્યા હતા, પરંતુ બાજુમાં જ અશુભ પ્રસંગ હોવાથી લોકોની અવર જવર હોવાથી તસ્કરોને નિષ્ફળતા મળી હતી. જોકે સમગ્ર ઘટનામાં 2 તસ્કરો સી.સી.ટી.વી કેમેરામાં કેદ થયાં છે. પોલીસનાં રાત્રી પેટ્રોલિંગ સામે પણ અનેક સવાલો ઊભા થયા છે.
ઘટના અંગે મળતી વિગતો મુજબ બારડોલીમાં સમયાંતરે ઘરફોડચોરી, વાહન ચોરી, લૂટ ઘરફોડ, ચેન સ્નેચિંગ તેમજ મોબાઈલ સ્નેચિંગ જેવી ઘટના બનતી આવી છે. તસ્કરોને જાણે મોકળું મેદાન મળ્યું હોઇ તેમ. જલારામ મંદીર નજીક આવેલ શ્રી સરદાર પટેલ કોં-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીમાં મધ્ય રાત્રીએ 2 જેટલા તસ્કરો ત્રાટકતા હતાં, તસ્કરોએ મુખ્ય શટરનું તાળું તોડી ઓફિસમાં પ્રવેશી તમામ ખાનાઓ ખોલી સામાન વેરવિખેર કરી નાખ્યો હતો, બાદ સ્ટ્રોગરૂમના દરવાજાનો નકૂચો તોડી સ્ટ્રોગ રૂમમાં મુકેલ તિજોરી ચોરી જવાનો પ્રયાસ કર્યો હતો, તિજોરી સ્ટ્રોગ રૂમથી બહાર સુધી લાવી લઇ જવાનો પ્રયાસ કર્યો હતો.
જોકે બાજુમાં એક અશુભ પ્રસંગ હોવાથી લોકોની અવર જવરના કારણે તસ્કરો તિજોરી લઇ જવા પામ્યા ન હતાં. જ્યારે અન્ય ઘટનામાં મુખ્ય માર્ગ પર નારાયણ ચેમ્બર્સમાં આવેલ સુવિધા કોં-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીનાં પણ તાળા તોડી ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
તસ્કરો બારીની ગ્રીલ તોડી ઓફિસમાં પ્રવેશ્યા હતાં , અને સામાન વેરવિખેર કર્યો હતો ત્યાંથી પણ કોઈ રોકડ હાથ નહીં લાગતા આખર તસ્કરોએ ખાલી હાથે પરત ફર્યા હતા. નગરના મુખ્ય માર્ગ પર આવેલ બે કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી મંડળીઓને જો તસ્કરો નિશાન બનાવી તાળા તોડી ચોરીનો પ્રયાસ કરતા હોય, તો બારડોલી પોલીસના રાત્રિ પેટ્રોલીંગ સામે અનેક સવાલો ઉઠ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.