બાળકોના ચહેરા પર સ્મિત પથરાયું:બારડોલી ખાતે કૌશલ ક્લાસીસના 150 વિદ્યાર્થીઓએ પોતાના ખર્ચ પર કાપ મૂકી પ્રાથમિક શાળાના બાળકોને કિટનું વિતરણ કર્યુ

બારડોલીએક મહિનો પહેલા

બારડોલી ખાતે સેવા ગ્રામ ચેરીટેબલ ટ્રસ્ટ અને કૌશલ ક્લાસીસ દ્વારા એક સેવાકીય પ્રવૃતિનું આયોજન કરાયું હતું. ક્લાસીસના 150થી વધુ બાળકો દ્વારા પોતાના દિવાળીના ખર્ચા ઉપર કાપ મૂકીને પ્રાથમિક શાળાના બાળકો માટે વસ્ત્રો તેમજ પગરખાની વ્યવસ્થા કરાઈ હતી અને બારડોલીના વિદ્યાર્થીઓને દિવાળી નિમિતે જરૂરી કિટોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓને દિવાળી નિમિતે જરૂરી કિટોનું વિતરણ
દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે બજારમાં ખરીદીનો માહોલ જામતો હોય છે. તો બીજી તરફ લોકોમાં પણ એક અલગ ઉત્સાહ જોવા મળતો હોય છે. સુરત જિલ્લાના બારડોલી પંથકના બાળકોએ આ દિવાળીના તહેવારની અનોખી રીતે ઉજવવાનું નક્કી કર્યું હતું. આ વખતે સેવાગ્રામ ચેરીટેબલ ટ્રસ્ટ અને કૌશલ ક્લાસીસ દ્વારા બારડોલીની સ્ટેશન રોડ, ગોટાસા તેમજ બમરોલી ગામે આવેલી પ્રાથમિક શાળાઓમાં એક જાગૃતિ સભર કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

350થી વધુ વિદ્યાર્થીઓને જરૂરી કીટનું વિતરણ કરાયું
કોચિંગ ક્લાસના 150 જેટલા બાળકોએ ચાલુ વર્ષમાં દિવાળી માટે પોતે કરેલ ખરીદીમાંથી થોડો કાપ મૂક્યો હતો અને ઓછી ખરીદી કરીને થોડા કપડાઓ બાળકોએ ભેગા કર્યા હતા. ઉપરાંત પોતે દિવાળીની ખરીદીમાંથી બચાવેલા પૈસામાંથી જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળામાં જરૂરી કપડાં તેમજ બુટ અને ચંપલનું નાના નાના ભૂલકાઓને વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થા સાથે જોડાયેલા હોદ્દેદારો તેમજ વિદ્યાર્થીઓએ જાતે ઉપસ્થિત રહીને 350થી વધુ વિદ્યાર્થીઓને જરૂરી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. એક કીટ લગભગ 750 રૂપિયાની તૈયાર થઈ હતી. જે તમામ કિટો બાળકોને દિવાળી સમયે વિતરણ કરવામાં આવતા તેઓના મોઢા પર પણ સ્મિત જોવા મળ્યું હતું. આમ કોચિંગ કલાસના વિદ્યાર્થીઓ તેમજ સંચાલકોએ અનોખી રીતે દિવાળી પર્વની ઉજવણી કરીને સમાજને પણ એક અનોખો સંદેશ પાઠવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...