છેતરપિંડી:બારડોલીમાં ત્રણ માસમાં રૂપિયા ડબલ કરવાની લાલચ આપી12.46 લાખની ઠગાઇ

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બારડોલીના 2 યુવકો સાથે R. E. GOLD કંપનીના નામે છેતરપિંડી

બારડોલી નગરમાં સાત માસ પહેલા R. E. Gold નામની વેબસાઈટ પર નામ રજિસ્ટ્રેશન કરાવીને રૂપિયા રોકાણ કરવાની સ્કીમ આપી 6 ઈસમોએ એકબીજાની મદદગારીમાં નગરના બે યુવકોને રૂપિયા વધારે મળવાની લાલચ આપી હતી. ત્યારબાદ વિશ્વાસમાં લઈ કુલ 12.46 લાખનું રોકાણ કરાવ્યું હતું. 90થી 120 દિવસમાં વધુ રૂપિયા મળવા જણાવ્યું હતું. પરંતુ સમય અવધિ પુરી થવા છતાં કોઈ રૂપિયા નહિ આપી, ભરેલી મુદ્દલ રકમ પણ નહીં આપી બે યુવકો સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરતા ગુનો નોંધાયો છે.

બારડોલીની વૃંદાવન સોસાયટીમાં રહેતા પરેશભાઇ મગનલાલ ચૌહાણ સાતેક મહીના પહેલા વર્ષ-2021માં જુલાઇ મહીનામાં મિત્ર કિશોરભાઇ સોની (રહે બારડોલી) જણાવેલ કે, બારડોલી ખાતે જલ્પાબેન અને વિપુલભાઇએ શિવશક્તિ નામે R.E. GOLD નામક કંપનીની ફ્રેન્ચાસી લીધેલ છે અને બારડોલીના ઘણા લોકો તેમાં રોકાણ કરે છે અને પોતે પણ રોકાણ કરેલ છે.

શાસ્ત્રીરોડ પર આવેલ માર્વેલ શોપર્સ એપાર્ટમેન્ટના પહેલા માળે બ્રાન્ચ ઓફિસ છે. જેથી મિત્ર સાથે ઓફિસે ગયા હતા ત્યા જલ્પાબેન તથા વિપુલભાઈ શાહ હાજર હતા. તેઓએ અમોને R.E.GOLD ના પ્લાન વિશે વિગતવાર સમજણ આપી હતી. આ સ્કિમમા એક આઈ.ડી.ખોલવાના 2400 રૂપિયા છે.

એક સાથે અગિયાર આઈ.ડી.ના 26,400 રૂપિયા ભરો તો , 90થી 120 દિવસમાં 80,000 રૂપિયા મળશે. જેથી તા.24/07/2021 ના રોજ મોબાઈલમાં R.E.GOLDની વેબસાઈટનું રજીસ્ટ્રેશન કરાવેલ અને અગિયાર આઈ.ડી.ના 26,400 રૂપિયા રોકડા આપ્યાં હતા. ત્યારબાદ બીજી 6 આઈ.ડી.જનરેટ કરી 1,30,500 રૂપિયા ગુગલ પે તથા રોકડેથી ઓફિસે ચુકવ્યા હતા. ત્યારબાદ સુરત ખાતે ઓફિસ ગયા હતા.

કંપનીના એમ.ડી. આકાશ અજયભાઇ કટેરીયા તથા સી.એમ.ડી.અજયભાઈ ચીરજીલાલ તેમજ સી.એમ.ડી, સર્વેશબેન અજયભાઈ કઠેરીયાએ રોકાણનો પ્લાન સમજાવ્યો હતો. જેમાં 26,400 રૂપિયા અને 38,500ની સ્કીમ સમજાવી હતી અને એક સાથે 61 આઇ. ડી.ખોલાવશો તો તમને ડાયમંડ રોયલ્ટી પેકજ વાળી સ્કિમ મળશે. તેના માટે તમારે એક સાથે 1,55,000 રૂપીયા ભરવા ૫ડશે અને ત્રણ મહિના બાદ 4,80,000 મળશે.

આ સ્કિમમાં આઈ.ડી.ખોલાવવા વાળા બીજા ગ્રાહકો લાવશો અને એક સાથે અગિયાર નવી આઇ.ડી.ખોલાવતા 5,700 રૂપિયા કમિશન મળશે. જેટલી વધારે આઈ.ડી.ખોલાવશો, તો, 5 લાખ સુધીની બીજી રકમ મળવાની લલચામણી અને લોભામણી સ્કિમ સમજાવી રૂપીયાનુ રોકાણ કરવાની લાલચ આપી વિશ્વાસ અને ભરોસો આપ્યો હતો. જેથી બારડોલીમાં R. E. GOLD કંપનીની ઓફિસે જઈ અન્ય મિત્રોની 13 જેટલી આઇ.ડી. 3,43,200 રૂપિયાનુ રોકાણ રોકડેથી જમા કરાવ્યા હતા. કુલ-20 આઇ.ડી.ના રૂપીયા 5,40,100 રૂપિયાનુ રોકાણ કર્યું હતું.

જ્યારે મિત્ર કિશોરભાઈ ઈન્દ્રવદન સોનીએ પણ 26,400 તથા 38,500 ની કુલ-24 આઈ.ડી.માં 7,06,200 રૂપિયાનું રોકાણ કર્યું હતું. પરેશ ચૌહાણ અને મિત્ર કિશોર સોનીના કુલ 44 આઈ.ડી.ના 12,46,300 રૂપિયાનું રોકાણ કરાવ્યા બાદ સ્કીમ મુજબ 3 મહિનામાં રૂપીયા પરત નહી આપી, મુદલ કે તેનું વળતર પણ નહી ચુકવી 6 ઈસમોએ એકબીજાની મદદગારીમાં બન્ને યુવકો સાથે વિશ્વાસઘાત છેતપિંડી કરેલ હોય, બારડોલી ટાઉન પોલીસમાં પરેશભાઈ ચૌહાણે ફરિયાદ આપતા 6 સામે પોલીસે ગુનો નોંધાયો છે.

બારડોલી નગરમાં લોભામણી સ્કીમ આપી લોકોના લાખો રૂપિયા ઉસેટી જનાર આર ઈ ગોલ્ડના સંચાલકોનો અવનવી સ્કીમો આપી ગ્રાહકોને લલચાવતાં હતાં. શરૂઆતમાં અઠવાડિયામાં રૂપિયા ડબલની સ્કીમ હતી. ત્યારબાદ ગ્રાહક વધતાં જતે તે સ્કીમ 10 દિવસની થઈ, પછી મહિનો અને પછી ત્રણ મહિને ડબલની સ્કીમ આપતા થયા હોવાનું જાણવા મળેલ છે.

બારડોલી શાકભાજી માર્કેટમાં શાકભાજીના વેપારીઓ અને હોલસેલ ડિલરોએ પણ રોકાણ કર્યું હોવાનું જાણવા મળેલ છે. કેટલાક વેપારીઓના રૂપિયા ડબલ થઈને આવ્યા, પરંતુ તેના કરતાં ઘણા વેપારીઓના રૂપિયા ડૂબી ગયા છે. હાલના સંજોગમાં કોઈ જાહેરમાં આવવા તૈયાર ન હોવાનું પણ જાણવા મળેલ છે.

આરઈ ગોલ્ડમાં ચેઈન સિસ્ટમ ચાલતી હતી. આ ફ્રોડ કંપનીના સંચાલકો લોભાણમી સ્કીમો આપતા હતાં. કોઈ ગ્રાહક અન્ય ગ્રાહક લઈને જાય તો તેને પહેલા જ કમિશન આપી દેતા હતાં. ગ્રાહક 36,400 રૂપિયા ડબલ કરવા માટે ડિપોઝિટ કરાવે તો જે તેને લઈને ગયો હોય, તેને કંપની પહેલા જ 5000કમિશન આપતાં હતાં. જેથી લાલચમાં આવી જતા હોવાનું સુત્રોનું જણાવે છે.

આ 6 વિરૂદ્ધ ગુનો

  • (1) વિપુલભાઈ શાહ સન્નારીવાલા (રહે.તેન)
  • (2) આકાશ અજયભાઈ કઠેરીયા (રહે.ડીંડોલી સુરત, મુળ યુપી)
  • (3) અજયભાઈ ચીજીલાલ કઠેરીયા (રહે.ડીંડોલી સુરત, મુળ યુપી)
  • (4) સર્વેશબેન અજયભાઈ કઢેરીયા (રહે.ડીંડોલી સુરત, મુળ યુપી)
  • (5) જલ્પાબેન પટેલ (રહે, અસ્તાન
  • (6) શૈલેષભાઈ પરમાર (રહે, શીતલનગર સોસાયટી તાલુકા પંચાયતની પાછળ, બારડોલી)
અન્ય સમાચારો પણ છે...