વિવાદ:શિક્ષકોના બદલી કેમ્પમાં સેટિંગ થયાની વધુ 1 બૂમ

બારડોલી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષકોની વધઘટ સરભર કરવાના નામે અંગત સ્વાર્થ સિદ્ધી ?
  • 1 શાળામાં 3 વર્ષ ફરજ બજાવ્યા બાદ જ બદલીનો નિયમ નેવે મૂકી બારડોલીમાં શિક્ષકની બદલી કરાઇ

સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે શિક્ષકોની વધ ઘટ સરભર કરવા બદલી કેમ્પ યોજ્યો હતો, જેમાં જિલ્લાના પલસાણા તાલુકામાં જે શિક્ષકોની વધ જાહેર કરી હતી. તે સિવાયના અન્ય શિક્ષકોની બદલી કરવામાં આવી છે, જ્યારે બારડોલીના કિસ્સામાં નિયમ વિરુધ્ધ બદલી કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. પ્રાથમિક શિક્ષણ વિભાગના બદલીના નિયમ મુજબ એક શાળામાં ફરજિયાત 3 વર્ષ ફરજ બજાવ્યા બાદ જ બદલી થઈ શકે, પરંતુ નિયમોને નેવે મૂકી 1 વર્ષના સમયમાં જ શિક્ષિકાની બદલી કરાતા વિવાદ થયો છે.

મહુવામાં થયેલા સેટિંગ બાદ હવે બારડોલી અને પલસાણા તાલુકાનાં બનાવો સામે આવતા આ બદલી કેમ્પ બાબતે તટસ્થ તપાસ કરવામાં આવે તો મોટા ગોટાળા સામે આવી શકે એવી ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે હાલમાં ચાલી રહેલા શિક્ષકોના બંદલી કેમ્પના નામે કેટલાક શિક્ષકોના અંગત સ્વાર્થ સિદ્ધ કરવાનો ખેલ ચાલી રહ્યો હોવાનો ગટગણાટ શિક્ષણ વિભાગમાં ઉઠવા પામ્યો છે.

ઘટના અંગે મળતી વિગતો મુજબ મહુવાની શાળાઓમાં ખોટી વધ બતાવી કરવામાં આવેલી શિક્ષકોની બદલી બાદ બારડોલી તેમજ પલસાણા તાલુકામાં પણ બદલીમાં કોઈકના દબાણવશ થઈ ને કે પોતાના માનીતા શિક્ષકોને મનગમતી જગ્યાએ સેટ કરવા માટે શિક્ષણ વિભાગના અધિકારીઓએ નિયમો નેવે મૂકી શિક્ષકોને બદલી કરી દેવાના કિસ્સા સામે આવ્યા છે. ત્યારે જિલ્લા શિક્ષણ વિભાગે તા. 24 મેના રોજ કામરેજ તાલુકાનાં લસકાણા પ્રાથમિક શાળામાં યોજેલા બદલી કેમ્પ અંગે યોગ્ય તપાસ સમિતિ રચવામાં આવે તો ચોકાવનારા ખુલાસા સામે આવી શકે એમ છે.

છેલ્લા એક સપ્તાહથી વિવાદમાં રહેલા જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગના નવા નવા છબરડા સામે આવી રહ્યા છે. ચોંકાવનારી વાત તો એ છે કે બારડોલી તાલુકાનાં ખરવાસા ગામે શિક્ષકોની વધ જ ન હોવા છતાં બદલી કેમ્પ બાદ પાછલા બારણેથી એક શિક્ષિકાની બદલી કરાઇ હોવાનું પણ શિક્ષકો પાસે જાણવા મળે છે ત્યારે બદલીના સાચા હકદાર શિક્ષકો સાથે અન્યાય થઈ રહ્યો હોવાની પણ શિક્ષણ વિભાગમાં ચર્ચા ચાલી રહી છે.

શિક્ષણ અધિકારીએ ફોન રિસીવ ન કર્યો, મેસેજનો જવાબ પણ આપવાનું ટાળ્યું
બારડોલીમાં શિક્ષણ બદલીમાં થયેલા છબરડા તેમજ વધ ન હોય એવી શાળામાંથી પણ શિક્ષકોની બદલી કયા કારણોસર કરવામાં આવી એ બાબતે દિવ્ય ભાસ્કરના પ્રતિનિધિએ બારડોલી તાલુકા શિક્ષણ અધિકારી એસ. એસ. દેસાઈને તેમના મોબાઈલ નંબર 9925171204 પર 4 વાગ્યેને 12 મિનિટે ફોન કરવા છતાં ફોન ઉપાડવાનું ટાળ્યું હતું તેમજ સોશિયલ મીડિયા પર મેસેજથી જાણવાનો પ્રયાસ કરવા છતાં ઓનલાઇન હોવા છતાં જવાબ આપવાનું ટાળ્યું હતું.

શિક્ષકોની મંજૂરીથી જ ઓર્ડર કરાયા છે
પલસાણા તાલુકામાં જે શિક્ષકોની વધ હતી તે શિક્ષકો સિવાય અન્ય શિક્ષકોની જે બદલી ઓર્ડર કરાયા છે તેમાં વધ હતી તેવા શિક્ષકોની મંજૂરીથી જ જિલ્લા શિક્ષણ અધિકારી સાથે પરામસ કરી ઓર્ડર કરવામાં આવ્યા છે. > કેતનભાઈ ચૌધરી, પલસાણા તાલુકા શિક્ષણ અધિકારી

અન્ય સમાચારો પણ છે...