ભાજપ શાસિત વડાલી પાલિકામાં શનિવારે મળેલ જનરલ બેઠકમાં 16 વિવિધ પ્રકારના વિકાસના કામો એજન્ડામાં લેવાના હતા. પરંતુ ભાજપના 13 કાઉન્સિલર અને વિરોધ પક્ષ કોંગ્રેસના 4 કાઉન્સિલર ગેરહાજર રહેતા જનરલ બેઠક રદ થતાં મામલો ગરમાયો હતો. પાલિકામાં ભાજપના કુલ 20 અને કોંગ્રેસના 4 સભ્યો ચૂંટાયા છે.
ભાજપ શાસિત વડાલી પાલિકામાં છેલ્લા કેટલાય સમયથી રાજકીય વિવાદો ઉભા થયા છે. ત્યારે વડાલી પાલિકાના સભાખંડમાં પાલિકા પ્રમુખ હંસાબેન સગર, ઉપપ્રમુખ જીતુભાઈ પટેલ, કે.ડી. પરમાર, નારણભાઈ સગર, વિક્રમભાઈ સગર, યશરાજ ભાટી હાજર રહ્યા હતા પરંતુ જનરલ બેઠકનો એજન્ડા નીકળ્યા બાદ બેઠકમાં અગમ્ય કારણોસર 17 કાઉન્સિલરો ગેરહાજર રહેતા જનરલ બેઠક રદ કરાઇ હતી.
પાલિકા પ્રમુખ તરીકે અધ્યક્ષ હંસાબેન સગરને જવાબદારી સોંપાઇ છે. પરંતુ તેમના પતિ રમેશભાઈ સગર પાલિકાના વહીવટમાં દરમિયાનગીરી કરતા હોવાના આક્ષેપો થવા લાગ્યા છે. ત્યારે આગામી નવા પ્રમુખ તરીકે પોતાના માનીતા સદસ્યને બેસાડવા માટે અત્યારથી જ લોબીંગ શરૂ કરી દેવાયાની ચર્ચાઓ વચ્ચે જનરલ બેઠકમાં 17 કોર્પોરેટરોએ ગેરહાજર રહી આરપારની લડાઈ શરૂ કરી દીધાનું મનાઈ રહ્યું છે. આ અંગેનો સંપૂર્ણ અહેવાલ જિલ્લા ભાજપ પ્રમુખ જે.ડી. પટેલને મોકલી આપી ગેરહાજર રહેલા કાઉન્સિલરો પાસે ખુલાસો માગવા તજવીજ હાથ ધરાતાં રાજકીય ગરમાવો આવી ગયો છે.
ગેરહાજર રહેવાનું કારણ મને ખબર નથી.......
પાલિકા ઉપપ્રમુખ જીતુભાઈ પટેલે જણાવ્યું કે મિટિંગમાં વિરોધ પક્ષના 4 અને ભાજપના 13 મળીને કુલ 17 કાઉન્સિલર હાજર ન રહેતા બેઠક રદ કરાઈ છે કયા કારણોસર કાઉન્સિલર હાજર નથી રહ્યા એ હજી જાણવા મળ્યું નથી. પરંતુ શહેર સંગઠન ના પ્રમુખ મહામંત્રીને જણાવવામાં આવ્યું છે ઉપલા લેવલથી જે નિર્ણય લેવાશે તે દરેક સભ્યને માન્ય રાખવું પડશે.
કોંગ્રેસના પ્રશ્નોને ભાજપ સાંભળતું નથી, એટલે કોંગ્રેસના 4 સભ્યો ગેરહાજર રહ્યા
વિરોધ પક્ષના નેતા ઇમરાન દાણીએ દ્વારા જણાવ્યું કે વિરોધ પક્ષના અમે 4 સભ્યો છીએ માટે ભાજપ સત્તા પક્ષમાં હોવા કારણે અમારા પ્રશ્નો પર ધ્યાન ન આપતું હોઈ અમે જનરલ સભાનો બહિષ્કાર કરીએ સ્વાભાવિક છે પરંતુ ભાજપના 13 સભ્યો કેમ ગેરહાજર રહ્યા તે મોટો પ્રશ્ન છે.
મારે કોઇ લેવા દેવા નથી : સીઓ
સામાન્ય બેઠકમાં પાલિકાના કાઉન્સિલરો ગેરહાજર રહેવા અંગે વડાલી નગરપાલિકાના ચીફ ઓફિસર જૈમીન પટેલે જણાવ્યું કે મારે કોઈ લેવા દેવા ન હોઇ જે પગલાં ભરવા હોય એ પ્રમુખ ભરે.
ભાજપના ગેરહાજર સભ્યો
જયદીપસિંહ હડીયોલ, જીતુભાઈ મકવાણા, અશોકભાઈ ખાંડ, પ્રભુદાસભાઈ સગર, કૈલાશબેન નાઈ, ગીતાબેન ઠાકોર, રમીલાબેન સગર, રમીલાબેન સગર, રસીલાબેન પટેલ, નીરૂબેન પરમાર, લીલાબેન પરમાર, નેહા જૈન
કોંગ્રેસના ગેરહાજર સભ્યો
મેમણ ઇમરાન, સુથાર ભાવનાબેન, ઠાકોર અંજુબેન, ઘાંચી રાજુભાઈ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.