પ્રાંતિજમાં નેશનલ હાઇવેને અડીને આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ આવેલ છે. જ્યાં એસ.ટી.ની તમામ બસોનું કાયમી સ્ટોપેજ આપવા વિદ્યાર્થીઓ સહિત સ્થાનિકોએ લોકમાંગ ઉઠી છે. હાલ સ્ટોપેજ હોવા છતાં ઘણી બસો ઉભી રહેતી નથી. ગામના પશ્ચિમ ભાગમાં વસવાટ કરતા લોકોને ત્રણ રસ્તા સુધી 3 કિમીનો ધક્કો ખાવો પડે છે.
પ્રાંતિજ નગરના પૂર્વ છેડે ત્રણ રસ્તે તમામ એસ.ટી.બસોનુ કાયમી સ્ટોપેજ છે. અગાઉ સિવિલમાં પણ કાયમી સ્ટોપેજ હતું. જ્યાં હાલ લાંબા રૂટની તથા એક્સપ્રેસ બસો ઉભી રહેતી નથી. ત્યારે ગામની આથમણી દિશામાં હાલના બસસ્ટેન્ડથી ત્રણ કિ.મી. દૂર પ્રાંતિજ કોલેજ (લાધિયાના વડ)એ કાયમી બસસ્ટોપ આપવામાં આવે તો વિદ્યાર્થીઓ તથા ગલેચી ભાગોળ આજુબાજુ રહેતા લોકો માટે રાહતરૂપ નિવડે તેમ છે. પ્રાંતિજની એકમાત્ર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં 1200 જેટલા વિદ્યાર્થીઓ ભણે છે.
તેમાં ભણતાં છોકરા-છોકરીઓ તાજપુર, મજરા, ચંદ્રાલા,સલાલ, પોગલુ સહિત આજુબાજુના ગામોમાંથી નિયમિત અપડાઉન કરે છે.તેઓને લોકલ બસ ના મળે તો ત્રણ રસ્તે ઉતરી રિક્ષા ભાડા ખર્ચીને કે 3 કિમી ચાલીને કોલેજ પહોંચવું પડે છે. જેના પગલે નાણાં અને સમયનો વ્યય થાય છે. ગામની આથમણી દિશાએ કોલેજમાં લોકલ, લાંબા રૂટની એક્સપ્રેસ તથા ગુર્જરનગરી બસોનું પણ કાયમી સ્ટોપેજ આપવામાં આવે તો કોલેજ સ્ટાફ તથા વિધાર્થીઓનો વેડફાતો સમય તથા નાણાં બચે એમ છે.
ઉપરાંત પ્રાંતિજ નગરના ગલેચીભાગોળ, હરિજનવાસ, વ્હોરવાડ, તુરીવાસ,સુમરાવાસ તથા તે બાજુની સોસાયટીઓમાં રહેતા લોકોને પણ આ બસસ્ટોપ ઉપયોગી બને એમ છે.તો જૈનોના ધાર્મિકસ્થળ મહુડી જવાનો ફાંટો પણ નજીકમાં છે. ત્યારે નવનિર્વાચિત ધારાસભ્ય તથા રાજકીય આગેવાનો આ પ્રશ્ને રસ દાખવે તેવી લોકલાગણી છે. એસટી નિગમના હિંમતનગરના ડિવિઝન કન્ટ્રોલર તથા પ્રાંતિજ ડેપો મેનેજર પ્રજાની લાગણી અને માંગણીને ધ્યાને લઈ સત્વરે કોલેજ પાસે કાયમી બસસ્ટોપ આપે તે જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.