પ્રાંતિજમાં યોજાયેલ આઇસીડીએસના કાર્યક્રમમાં આયોજકોની સંપૂર્ણ બેદરકારીને કારણે સામાન્યથી થોડો વધુ પવન ફૂંકતાની સાથે મંડપ ભોંય ભેગો થતાં સોનાસણ અભ્યાસ કરતી અને રણછોડપુરા(ઝીંઝવા) ગામની નિર્દોષ કિશોરી ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને કિશોરીને માથાના ભાગે ઈજા થતાં પાંચ ટાંકા લેવા પડ્યા હતા. આયોજકોએ ઘાયલ કિશોરીની ખબર પૂછવાને બદલે હોટલના જમવાને પ્રાધાન્ય આપ્યું હતું.
શુક્રવારે પ્રાંતિજની શેઠ પી એન્ડ આર હાઇસ્કૂલમાં યોજાયેલ કાર્યક્રમમાં પ્રાંતિજના ગામડાઓમાંથી શાળાની બાળાઓને બોલાવાઇ હતી. પ્રોગ્રામની અંદર જુદા જુદા સ્ટોલ મૂકાયા હતા. બાળાઓ અને આઇસીડીએસ વિભાગના કાર્યકરો તથા તેડાગરો સ્ટોલ નિહાળી રહ્યા હતા તે દરમિયાન આરોગ્ય વિભાગના સ્ટોલ આગળ સોનાસણ હાઈસ્કૂલમાં ધો. 10 માં અભ્યાસ કરતી અન્નપૂર્ણા નેનસિંહ ચૌહાણ નામની કિશોરીને કાર્યક્રમ ચાલુ થાય તે પહેલા મંડપ ડેકોરેશન વાળાની ઘોર બેદરકારીને કારણે મંડપ ઉડી જતાં લોખંડની પાઇપ કિશોરીના માથાના ભાગે પટકાતાં ગંભીર રીતે ઘાયલ થઈ હતી. કિશોરીને માથાના ભાગે પાંચ ટાકા આવ્યા હતા.
શરમ જનક સ્થિતિ ત્યારે સર્જાઈ જ્યારે કિશોરી ઘાયલ થઈ ત્યારે ઘટના સ્થળે એમ્બ્યુલન્સ પણ જોવા મળી ન હતી. ઉપરાંત ઘાયલ કિશોરીની કોઈ અધિકારી કે નેતા ખબર અંતર પૂછવા નો સમય ન મળ્યો પરંતુ કાટવાડની કાઠીયાવાડી હોટલમાં જમવાને પ્રાધાન્ય આપ્યું હતું મંડપવાળાએ આખા જિલ્લાના કાર્યક્રમોનું ટેન્ડરિંગ મેળવ્યું છે.
ત્યારે ગંભીર બાબતે બેદરકારી દાખવનાર આ મંડપ ઓર્ગેનાઇઝરનું ટેન્ડર રદ કરવામાં આવે તેવી માંગ ઉદ્દભવી છે. આઈસીડીએસ વિભાગના સ્થાનિક કર્મચારી મેહુલભાઈ લેઉઆએ આ બધું જિલ્લા કક્ષાએથી થતું હોવાનું કહી બાળકીને માથામાં ગંભીર ઇજા થવાની ઘટના બનવા છતાં હાથ ખંખેરી લીધા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.