પ્રાંતિજમાં ચોરોએ એક જ રાત્રિમાં 3 મકાનોને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના રાણીછાપના સિક્કાઓ રોકડ સહિત કુલ-1,15,000 ની મત્તાની ચોરી કરી પલાયન થઇ જતાં મકાન માલિકો દ્વારા પ્રાંતિજ પોલીસને જાણ કરાઇ હતી. પ્રાંતિજ નેશનલ હાઇવે 8 -પર આવેલ ગ્રીન પાર્ક-1 માં 2 મકાનો અને ગ્રીન પાર્ક-2 માં 1 મકાનમાં એકજ રાત્રિમાં ચોરોએ મકાનોને નિશાન બનાવ્યા હતા.
જેમાં ગ્રીન પાર્ક-1 માં રહેતા પંચાલ અશોકભાઇ અંબાલાલના ઘરના રસોડાના પાછળનો દરવાજો તોડી અંદર ઘૂસી તિજોરીના તાળાં તોડી તિજોરીમાંથી સોનાની વીંટી,ચાંદીની શેરો, ચુની નંગ-6, રાણીછાપના 150 વર્ષ જૂના 1964ના સિક્કાઓ નંગ-15, મંદિરમાં મૂકેલ ચાંદીના સિક્કાઓ નંગ-5 રોકડ 10 હજાર, પરચુરણ સહિત કુલ-90હજારની ચોરી કરી તસ્કરો પલાયન થઇ ગયા હતા. ગ્રીનપાર્ક-1 માં આગળના ભાગમાં આવેલ પટેલ મુકેશભાઈ પુરુષોત્તમભાઇનો પરિવાર બહાર ઓસરીમા સૂતો હતો.
ત્યારે તેમના પત્નીના ઓશીંકા નીચે રહેલ ચાવી લઇ મકાનનો દરવાજો ખોલી અંદર ઘૂસી સરસામાન વેરવિખેર કરી ઘરમાંથી રોકડ રકમ અંદાજે 15 હજાર તથા ઘરમાં રહેલ કપડાંની ચોરી કરી હતી. ગ્રીન પાર્ક-2 માં રહેતા જનકભાઇ છગનભાઇ સોલંકીના પાછળના દરવાજાથી ઘરમાં ઘૂસી તિજોરીનાં તાળા તોડી સરસામાન વેરવિખેર કરી ઘરમા ટેબલ ઉપર પડેલ મોબાઇલ કિં.18000 તથા નાના બાળકના ચાંદીના છડા એક્ટીવાની ચાવી તથા તિજોરીની ચાવી રોકડ અંદાજે 10હજાર લઇ ગયા હતા. મકાનમાલિકો દ્વારા પ્રાંતિજ પોલીસને જાણ કરતાં પ્રાંતિજ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.