આત્મહત્યા:હિંમતનગરમાં વ્યાજખોરોના ત્રાસે યુવકનો આપઘાત, બે - ત્રણ લાખની રકમમાં યુવકને એટલી હદે ટોર્ચર કરાયો કે યુવક જીવન ટૂંકાવવા મજબૂર બન્યો

હિંમતનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૃતક ભાર્ગવ ગોહીલ - Divya Bhaskar
મૃતક ભાર્ગવ ગોહીલ
  • બુધવારે રાત્રે 10 વાગ્યે ઘેર આવી વ્યાજખોરોએ ખરાબ વર્તન કરતાં યુવક પંખે લટકી ગયો

હિંમતનગર શહેરમાં વ્યાજખોરોના ત્રાસથી બગીચા વિસ્તારમાં ઘર સુધી પહોંચેલા વ્યાજખોરોએ મોડી રાત્રે પરિવારની હાજરીમાં ખરાબ વર્તન કરી અપમાનિત અવસ્થામાં પહોંચાડતા લાગી આવવાને કારણે યુવકે રાત્રિ દરમિયાન પંખા સાથે લટકી જઇ ફાંસો લગાવી જીવન ટૂંકાવી લેતાં ચકચાર મચી છે. મૃતકની પત્નીએ સાત જેટલા વ્યાજખોરો વિરુદ્વ કાર્યવાહી હાથ ધરવા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી જેને પગલે પોલીસે પણ કાર્યવાહીની હૈયાધારણ આપી હતી.

ગુરૂવારે સવારે બગીચા વિસ્તારમાં પદમાવતી ફ્લેટ નંબર 201 માં રહેતા ભાર્ગવભાઇ બાબુભાઇ ગોહીલના ઘર આગળ એમ્બ્યુલન્સ આવીને ઉભી રહ્યા બાદ ભાર્ગવભાઇનુ અકાળે મોત થવાની જાણ થતાં પોલીસને જાણ કરાઇ હતી. ભાર્ગવભાઇ એ વ્યાજખોરોનો ત્રાસ સહન ન થતા પંખે લટકી જઇ ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યાની વાત વહેતી થઇ હતી. વ્યાજખોરોની પૈસાની લ્હાયમાં પત્નીએ પતિ, દીકરાએ પિતા અને ભાઇઓએ ભાઇ ગુમાવ્યો છે. પોલીસે લાશને પીએમ માટે લઇ ગઇ હતી.

વ્યાજખોરોના ત્રાસે ફાંસો ખાધો , વકીલ સહિત 7 સામે કાર્યવાહી કરો: મૃતકની પત્ની
મૃતક ભાર્ગવભાઇની પત્ની મિતાબેને બી ડિવિઝન પીએસઆઇને લેખિતમાં આપેલ ફરિયાદમાં કમકમાટી ઉપજાવે તેવી હકીકત છે. માત્ર બે - ત્રણ લાખનો મામલો છતા યુવકને એટલી હદે ટોર્ચર કરી આર્થિક, શારીરીક નુકસાન કરી જીવન ટુંકાવવા મજબૂર કરી દેવાયો. મીતાબેન ભાર્ગવભાઇ ગોહીલે દર્દનાક રજૂઆત કરી છે કે ત્રણેક માસ અગાઉ ભાર્ગવભાઇ દુકાન બંધ કરી દરજી કામનું મશીન લઇ ઘેર આવી જવા મામલે જણાવ્યું કે ભરતભાઇ ભાટ પાસેથી રૂ.1 લાખ લીધા હતા અને મેં વ્યાજ સાથે પાછા આપી દીધા હોવા છતાં હેરાન કરી વધુ રૂપિયા માગે છે અને માર મારવા તથા મારી નાખવાની ધમકી આપતા હોવાથી બીક લાગતી હોઇ દુકાન બંધ કરી ઘેર આવી ગયા છે. ભાર્ગવભાઇ એ ઘેર જ દરજી કામ ચાલુ કરતા મહેતા યોગેશભાઇ, બારોટ ભરતભાઇ (વકીલ), ભાટ ભરતભાઇ (ભાટ વાસ), ટલ્લીબાપુ (સહકારીજીન), વીકે મકવાણા, વાહીદ (છાપરીયા) અને આઝાદ ભાટ અવાર નવાર ઘેર આવી ઉઘરાણી કરતા ભાર્ગવભાઇ થોડા થોડા પૈસા ચૂકવતા હતા અને ત્રણેક માસથી ભયંકર ટેન્શનમાં હતા. તા.04-05-22 નારોજ રાત્રે દસેક વાગ્યાની આસપાસ આવેલા અને પૈસાની ઉઘરાણી કરી ખરાબ વર્તન કર્યું હતુ અને રાત્રે સાડા અગિયારેક વાગ્યે બધા સૂઇ ગયા બાદ સવારે રૂમનો દરવાજો બંધ કરી પંખા સાથે ગળા ફાંસો લગાવી મૃત હાલતમાં મળ્યા હતા.

કાયદેસર કાર્યવાહી હાથ ધરાશે : પીએસઆઇ , બી ડિવિઝન પોલીસ
આ અંગે હિંમતનગર બી ડિવિઝન પીએસઆઇ અર્જુન જોષીએ જણાવ્યું કે પી.એમ. વગેરેની કાર્યવાહી હાથ ધરાઇ છે. મૃતકની પત્નીની રજૂઆત અનુસંધાને તપાસ હાથ ધરી કાયદેસર કાર્યવાહી હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...