હિંમતનગર શહેરના દુર્ગાફાટક ઉપર ઓવરબ્રિજ મંજૂર કરાયું હતું. બાદમાં આઠેક માસ અગાઉ વર્ક ઓર્ડર આપી દેવાયા બાદ રોમટિરિયલના ભાવમાં 30 ટકાથી વધુનો વધારો થતા સોઇલ ટેસ્ટ થઇ જવા છતાં ઓવર બ્રિજનુ કામ શરૂ થઇ શક્યું નથી. જેને કારણે સમસ્યા જસની તસ બની રહી છે. જોકે, સરકાર દ્વારા જીએસટીની જવાબદારી લેવાથી માંડી ટેન્ડરના ભાવફેર કરી આપવા બોર્ગેનિંગ ચાલી રહ્યું હોવાનુ અને ટૂંક સમયમાં નિવેડો આવી જનાર હોવાનુ જાણવા મળી રહ્યું છે.
હિંમતનગર શહેરમાં હાલમાં બે ઓવર બ્રિજની સુવિધા છે. અગામી વર્ષે બ્રોડગેજ ઇલેક્ટ્રિક ટ્રેન શરૂ થવાની સંભાવના છે. શહેરની વચ્ચેથી રેલ્વે ટ્રેક પસાર થઇ રહ્યો હોવાથી અને 500 મીટરના અંતરમાં બબ્બે ફાટક હોવાથી રેલ્વે સ્ટ્રેશન રોડ પર પાંચબત્તી સર્કલ નજીક આવેલ દુર્ગા ફાટક ઉપર ઓવર બ્રિજ બનાવવા પાલિકા દ્વારા તજવીજ હાથ ધરાઇ હતી. પરંતુ પાલિકાનું ભારણ ન વધે તે હેતુસર જે તે સમયે રાજ્ય સરકારે જીયુડીસીના માધ્યમથી ઓવર બ્રિજ બનાવવાની હૈયાધારણ આપી સ્ટેટ આર એન્ડબીને જવાબદારી સોંપી હતી.
આરએન્ડબી દ્વારા જગ્યાનો સર્વે પ્લાન બનાવી કન્સલ્ટન્ટના માધ્યમથી રજૂ કરાયેલ દરખાસ્તને સરકારે મંજૂર કરી રૂ.17.24 કરોડના એસ્ટીમેન્ટ સાથે ટેન્ડરીંગ કર્યું હતું અને તા.13/10/21 ના રોજ જી.પી.સી ઇન્ફ્રાસ્ટક્ચર લિમિટેડ નામની એજન્સીને રૂ.18.19 કરોડનુ ખર્ચ મંજૂર કરી વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. નોંધનિય છે કે આરએન્ડબી દ્વારા સોઇલ ટેસ્ટિંગની પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવાઇ હતી. પરંતુ આઠ મહિના જેટલો સમય વીતી જવા છતાં એજન્સી દ્વારા કામ શરૂ કરાયું નથી અને ટ્રાફિકની સમસ્યા યથાવત રહેવા પામી છે.
ટેન્ડરિંગ થયા બાદ વર્ક ઓર્ડર આપવા સમયે જે ભાવ નક્કી થયા હતા તે ભાવ રોમટિરીયલમાં આવેલ 25 થી 30 ટકાના ભાવ વધારાને પગલે પોસાય તેમ ન હોવાથી એજન્સીએ કામ શરૂ કર્યું નથી જોકે, રાજ્ય સરકાર દ્વારા જીએસટી મજરે આપવા સહિત વર્ક ઓર્ડરની રકમમાં વધારો કરી આપવા વાટાઘાટો ચાલી રહી હોવાનુ જાણવા મળી રહ્યુ છે.
મંજૂર રકમનુ પુન: મુલ્યાંકન કરવા રજૂઆત કરાઇ હતી
18 કરોડના ખર્ચે બનનાર ઓવર બ્રિજનું કામ રોમટિરિયલમાં ભાવ વધારાને કારણે આઠ મહિનાથી ખોરંભે પડ્યું છે. આ ફાટક રેલવે સ્ટેશનથી 300 મીટરના અંતરે છે. દૈનિક એક હજારથી વધુ વાહનોની અવર જવર વાળા ફાટક ઉપર ઓવરબ્રિજનુ કામ સત્વરે શરૂ થાય તેવી લાગણી પ્રવર્તી રહી છે.
જીયુડીસીના ડાયરેક્ટર જે.ડી. પટેલે જણાવ્યું કે ટેન્ડરિંગ થયા બાદ ભાવમાં વધારો થતા એજન્સી દ્વારા મંજૂર રકમનુ પુન: મુલ્યાંકન કરવા રજૂઆત કરાઇ હતી. મોટા ભાગના બધા કામમાં આ સમસ્યા આવી છે. સરકાર દ્વારા વાટાઘાટો ચાલી રહી છે. અને ટૂંક સમયમાં નવા ભાવ અંગે નિર્ણય લેવાઇ જતા ઓવરબ્રિજનું કામ શરૂ થઇ જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.