હિંમતનગરના સાયબાપુરમાં પરણાવેલ યુવતીએ સાસરિયાંઓ દ્વારા ખોટો વહેમ રાખી મારઝૂડ અને સતત ત્રાસ સહન ન થતાં આખરે કંટાળીને દવા પી જઈ જીવન ટૂંકાવી લેતાં યુવતીના કાકાએ મૃતકના પતિ અને સસરા વિરુદ્ધ મરવા સુધીનું દુષ્પ્રેરણ કરવા અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મહેસાણા જિલ્લાના વડનગરમાં રહેતા દશરથભાઈ રામાભાઇ રાવળની દીકરી આરતીબેન ના 4 વર્ષ અગાઉ સાયબાપુરમાં રહેતા ગોવિંદકુમાર કાળુભાઈ રાવળ સાથે લગ્ન થયા હતા અને લગ્નજીવન દરમિયાન તેમના પતિ ખરાબ ભાષામાં અપશબ્દો બોલી ચરિત્ર હનન કરવા સહિત અવારનવાર મારઝૂડ કરતા હતા અને ફરિયાદમાં જણાવ્યા અનુસાર આરતીબેનના સસરા પણ મારઝૂડ કરતા હતા જેથી આરતીબેન બે-ત્રણ વખત રિસાઈને પિયરમાં જતા રહ્યા હતા.
પરંતુ સાસરીવાળા ગમે તેમ કરીને સમાધાન કરી લઈ જતા હતા અને ત્રાસ ગુજારતા હતા. તા. 14-03-23 ના રોજ સાંજે ચારેક વાગ્યાના સુમારે આરતીબેનના કાકા રમેશભાઈ રામાભાઇ રાવળને જાણ થઈ હતી કે આરતીબેન તેમની સાસરીમાં દવા પી જતાં સારવાર માટે હિંમતનગર હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જેથી રમેશભાઈ હિંમતનગર દોડી આવ્યા હતા આરતીબેનનું સાંજે છ એક વાગ્યાના સુમારે સારવાર દરમિયાન મોત નીપજયા બાદ રમેશભાઈએ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગોવિંદભાઈ કાળુભાઈ રાવળ અને તેના પિતા કાળુભાઇ રામાભાઇ રાવળ વિરુદ્ધ ખોટો વહેમ રાખી મારઝૂડ કરી ત્રાસ ગુજારી મરવા સુધીનું દુષ્પ્રેરણ કરવા અંતર્ગત ફરિયાદ નોંધાવતા પોલીસે બંને વિરુદ્ધ આઈપીસી 306 અંતર્ગત ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.