હિંમતનગરના શેરડીટીંબામાં ગુરુવારે 34 વર્ષીય પરિણીતાએ 17 વર્ષના લગ્ન જીવન દરમ્યાન સહન કરેલ ત્રાસની સહનશીલતાનો અંત આવતાં ગળા ફાંસો લગાવીને જીવન ટૂંકાવી લેતાં 8 વર્ષની બાળકી સહિત ત્રણ બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે. પોલીસે મૃતકની માતાની ફરિયાદને આધારે મૃતકના પતિ વિરુદ્ધ પ્રેરણ અંતર્ગત ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદના જૂના માધુપુરા વિસ્તારમાં રહેતા પાર્વતીબેન અરવિંદભાઈ પ્રજાપતિની દીકરી વર્ષાબેનના 17 વર્ષ અગાઉ શેરડી ટીંબા ગામના ગોવિંદજી જૈરૂપજી પ્રજાપતિ સાથે લગ્ન થયા હતા જેમને લગ્નજીવન દરમ્યાન સંતાનમાં બે દીકરીઓ અને એક દીકરો થયો હતો પાર્વતીબેને નોંધાવેલ ફરિયાદ અનુસાર લગ્ન જીવનના પાંચેક વર્ષ બાદ ગોવિંદજી ખોટો વહેમ રાખી હેરાન કરી અવારનવાર ઝઘડો કરી મારઝૂડ કરવાનું શરૂ કર્યું હતું
અને છેલ્લા બે એક વર્ષથી ગોવિંદજી સાંજે ખાવાના સમયે વ્યસન કરી ઘરમાં આવી ખાવાનું ફેંકી દેતા હોવાનું વર્ષાબેન અવારનવાર તેમની માતાને જણાવતા હતા. તા.1-3-23 ના રોજ રાત્રે દસેક વાગ્યાના સુમારે વર્ષાબેનના મોબાઈલ પરથી ગોવિંદજીએ ફોન કરીને પાર્વતીબેનને કહ્યું હતું કે તમારી દીકરી મારે જોઈતી નથી તમે હાલ આવીને લઈ જાવ જેથી પાર્વતીબેને તમે મારી દીકરીને સવારે મારા ઘેર મૂકી જજો તેવી વાત કરી હતી બીજા દિવસે તા. 2-3-23 ના રોજ શેરડી ટીંબા ગામના સરપંચ મુકેશભાઈ પ્રજાપતિએ ફોન કરીને વર્ષાબેનનું ઘરમા ગળે ફાંસો લગાવી મોત નિપજયું હોવાની જાણ કરી હતી પાર્વતીબેનની ફરિયાદને આધારે એ ડિવિઝન પોલીસે ગોવિંદભાઈ જૈરૂપજી પ્રજાપતિ વિરુદ્ધ આઈપીસી 306 સહિતની કલમો અંતર્ગત ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.