પ્રવચન:અનંતની યાત્રા માટે આપણે કોઇ તૈયારી કરતા નથી

હિંમતનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુનિ શ્રી જ્ઞાનોદય વિજયજી-મુનિશ્રી પંચામૃત વિજયજીનું વ્યાખ્યાન

એક રાજાએ પોતાના દરબારમાં રાજ્યના તમામ વર્ગને પ્રતિનિધિત્વ આપવા માટે તમામ વર્ગમાંથી એક એક પ્રતિનિધિની નિમણૂંક કરી હતી. કોઈ ચતુર આદમીએ રાજાને કહ્યું કે આપે તમામ વર્ગના પ્રતિનિધિને નિમ્યા છે પણ મૂર્ખાઓનો પ્રતિનિધિ નથી નિમ્યો. રાજાએ પોતાના ખાસ માણસોને રાજ્યમાંથી મોટો મૂરખ શોધી લાવવા માટે હુકમ કર્યો. તેવો એક મૂરખને શોધી લાવ્યા, રાજાએ તેને કહ્યું તમે મૂરખનો પ્રતિનિધિ બનાવવાનો છે.

તારી રહેવાની જમવાની વ્યવસ્થા અમે કરીશું મૂરખના પ્રતિનિધિના નામનું એક જ ઓળખપત્ર તારે ગળામાં પહેરી રાખવાનું. રાજદરબારમાં જ્યારે તને બોલાવવામાં આવે ત્યારે આવી જવાનું રહેશે. તારા કરતાં મોટો મૂરખ મળશે ત્યારે તને મૂરખ પદમાંથી છૂટો કરવામાં આવશે. મૂરખાએ નોકરી સ્વીકારી લીધી એકવાર રાજા ખૂબ બીમાર પડ્યો. તેનું આયુષ્ય પૂરૂ થવાની તૈયારી હતી તમામ નગરજનો રાજાની ખબર પૂછવા આવતા હતાં તે મૂરખ પણ આવ્યો તેણે રાજાને પૂછ્યું.

તમને શું થયું છે? કેમ ઘણા લોકો તમને મળવા આવી રહ્યા છે? રાજાએ કહ્યું હું બહુ લાંબી યાત્રાએ જવાનો છું માટે બધા મને મળવા આવે છે. મૂરખે પૂછ્યું કેટલા દિવસની યાત્રા છે? રાજાએ વળતો જવાબ આપ્યો "યાત્રા તો એટલી લાંબી છે કે ફરીથી આ રાજ્યમાં પાછો આવવાનો જ નથી" મૂરખ કહે છે તમારી યાત્રાતો ઘણી લાંબી છે તો પછી રાણીબા, કુવર સાહેબ, આ સંપત્તિ, રાજમહેલ જીહજુરીયાઓ આ બધા ને પણ સાથે લઈ જશો ને? રાજાએ કહ્યું 'ના ભાઈ ના' કોઈને સાથે લઈ જવાનો નથી.

સાવ એકલા જ જવાનું છે. મૂર્ખાએ રાજા ને પૂછ્યું " આવડી મોટી યાત્રાએ જવાનું છે તો તમે આ યાત્રા માટે પૂરેપૂરી તૈયારી કરી છે! રાજાએ નિરાશ થઈને જવાબ આપ્યો "અરે! આ યાત્રાની સારી તૈયારી નથી કરી શક્યો" મૂરખાએ પોતાના ગળામાં રહેલું મૂરખા પ્રતિનિધિનું ઓળખ પત્ર કાઢીને તુરંત રાજાના ગળામાં પહેરાવી દીધું અને કહ્યું હતું. કે તારા કરતાં મોટો મૂરખ મળે એ દિવસે તું નોકરીમાંથી છૂટો. આપ મારા કરતાં પણ મોટા મૂરખ છો.

આટલી લાંબી યાત્રાએ સાવ એકલા જવાના છો અને યાત્રાની કોઈ જ તૈયારી કરી નથી. આપણે પણ આ રાજા જેવા મૂરખ નથી ને! 10 કે 20 દિવસ માટે ફરવા જવાનું હોય તો પણ ઘણા દિવસો સુધી તેની તૈયારી તમે કરતા હો છો. અનંતની યાત્રાએ કાયમ માટે જવાનું છે. ગયા પછી ક્યારેય પાછા આવવાનું નથી. અનંત યાત્રાની તૈયારી હમણાં જ હર્ષભેર કરીશું તો અંત સમયે પણ દુનિયા છોડવાનો આનંદ હેશે.

અન્ય સમાચારો પણ છે...