દોડધામ:વડાલી આર્ટસ કોલેજમાં સેમ-3ની પરીક્ષાની અચાનક જાણ થતાં વિદ્યાર્થીઓમાં દોડધામ

હિંમતનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
જાણ થતાં વિદ્યાર્થીઓ ઇડર પરીક્ષા કેન્દ્ર પર પહોંચવા દોડતા થયા હતા. - Divya Bhaskar
જાણ થતાં વિદ્યાર્થીઓ ઇડર પરીક્ષા કેન્દ્ર પર પહોંચવા દોડતા થયા હતા.
  • પરીક્ષાની નોટિસ બોર્ડ પર જાણ કરાઈ હતી
  • પ્રિન્સિપાલ, આજે જ પરીક્ષાની ખબર પડી; છાત્રો

વડાલી આર્ટસ કોલેજમાં સેમ- 3 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સોમવારે પરીક્ષા હોવાની જાણ થતાં ઈડરના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા દોડધામ મચી હતી. વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે કોલેજ સંચાલકોએ પરીક્ષાની અગાઉથી જાણ કરી ન હતી. જ્યારે પ્રિન્સિપાલ દ્વારા કોલેજના નોટિસ બોર્ડ પર પરીક્ષા અંગે જાણ કરાઈ હોવાનું જણાવાયું હતું કોલેજના વિદ્યાર્થીઓ નકુલસિંહ હડિયોલ, અનિકેત પટેલ, યુવરાજસિંહ રાઠોડ વગેરેએ જણાવ્યું કે અમને અન્ય લોકો પાસેથી આજે સોમવારે પરીક્ષા હોવાની માહિતી મળી હતી જેથી પરીક્ષા નિમાયક સાથે વાત કરતાં જણાવેલ કે અઠવાડિયા અગાઉ પરીક્ષા કાર્યક્રમ મુકાયો છે.

તેમણે આક્રોશ ઠાલવ્યો હતો કે ગત 1 ઓગસ્ટના રોજ અગાઉ પણ આ જ રીતે કરેલ કે પરીક્ષા લેવાશે અને ઇડર કેન્દ્ર પર પહોંચ્યા તો પરીક્ષા મોકૂફ રખાઈ છે એવુ જણાવેલ જેની રજૂઆત પ્રિન્સિપાલને પણ કરી હતી. પરીક્ષાની સવારે જ ખબર પડતાં દોડધામ મચી હતી ઓચિંતા સમાચાર મળતા ઘણા ખરા વિદ્યાર્થીઓ હાજર રહી શક્યા ન હતા અંતિમ સમયે જાણ થતા દોડધામ થઈ ગઈ હતી અને તૈયારી માટે યોગ્ય સમય પણ મળ્યો ન હતો.

અનિયમિત છાત્રોને આજે ખબર પડી હોઇ શકે છે
આ અંગે વડાલી કોલેજના પ્રિન્સિપાલ ડૉ. નરેશભાઈ આર. પટેલે જણાવ્યું કે પરીક્ષાની નોટિસ બોર્ડ પર અગાઉથી જ જાણ કરાઇ હતી જે વિદ્યાર્થીઓ નિયમિત કોલેજમાં આવતા નથી અને નિયમિત કોલેજમાં આવનારા વિદ્યાર્થીઓના સંપર્કમાં રહેતા નથી તેમને આજે ખબર પડી હોય તેવું બની શકે છે પરંતુ કોલેજ દ્વારા નોટિસ બોર્ડ પર પરીક્ષાની જાહેરાત કરવામાં આવી હતી તે બાબત પણ એટલી જ સત્ય છે.

અન્ય સમાચારો પણ છે...