યોગેશ બ્રહ્મભટ્ટ : સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભા બેઠકની છેલ્લી ત્રણ ચૂંટણીના પરિણામનું વિશ્લેષણ કરતાં રસપ્રદ માહિતી મળી રહી છે. હિંમતનગર અને પ્રાંતિજ બેઠક પર ભાજપ કોંગ્રેસના વોટ શેરની સરસાઈ બહુ પાતળી રહી છે. જ્યારે ઇડર મત વિસ્તારમાં ભાજપનો અને ખેડબ્રહ્મા મતવિસ્તારમાં કોંગ્રેસનો વોટશેર સતત ઘટી રહ્યો છે. ચારેય બેઠક પર અપક્ષ અને અન્ય રાજકીય પક્ષના ઉમેદવારોએ મેળવેલ મત નિર્ણાયક પુરવાર થયા છે.
ચૂંટણી પરિણામો પર જાતિ સમીકરણ હાવી
સાબરકાંઠા જિલ્લાની ચાર બેઠકો પૈકી ઈડર અને ખેડબ્રહ્મા બે બેઠકો અનામત બેઠક છે બાકીની બે હિંમતનગર પ્રાંતિજ બેઠકના ચૂંટણી પરિણામો પર જાતિ સમીકરણ હાવી રહ્યું છે વર્ષ 2007 થી યોજાયેલ ત્રણ ચૂંટણીના પરિણામ જોતાં ભાજપની હિંમતનગર અને પ્રાંતિજ બેઠક પર જે ચૂંટણીમાં હાર થઈ છે ત્યારે કોંગ્રેસના વોટ શેરમાં 4.41 ટકાથી 7 ટકા સુધીનો ઉછાળો આવ્યો છે. જ્યારે ભાજપના ઉમેદવારની જીત થઈ છે. ત્યારે જીતની સરસાઇ અને વોટ શેરની સરસાઇ માત્ર 0.88 ટકા થી 11 ટકા જેટલી રહી છે.
વોટ શેરમાં સતત ઘટાડો થઈ રહ્યો
ઇડર બેઠક પર ભાજપ 1995 થી સતત જીતતુ આવ્યું છે. પરંતુ વોટ શેરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે વર્ષ 2007માં ભાજપનો વોટશેર 54.54 ટકા હતો તે ઘટીને 2017માં 50.19 ટકા થઈ ગયો હતો તેવી જ રીતે ખેડબ્રહ્મા બેઠક કોંગ્રેસની પરંપરાગત બેઠક છે પરંતુ 2012માં 59.35 ટકા સુધી પહોંચેલ વોટશેર 2017 માં 11.46 ટકા ઘટીને 47.89 ટકા પર આવી ગયો હતો અને ભાજપ સાથે વોટ શેરનો તફાવત માત્ર 6.2 ટકા રહ્યો હતો જે પ્રથમવાર બન્યું હતું.
વર્ષ 2017 ના વોટ શેરને જાળવી રાખવા એડી ચોટીનું જોર
ઘટી રહેલ વોટ શેરના આંકડા નોટા અન્ય રાજકીય પક્ષોના ઉમેદવારો અને અપક્ષ ઉમેદવારો ભાજપ કોંગ્રેસને અપ્રત્યાશિત પરિણામોનો સામનો કરવા મજબૂર બનાવી રહ્યા છે. આ વખત પણ ઈડર બેઠકને બાદ કરતાં ત્રણેય બેઠક પર ઉમેદવારોની ભરમાર છે ત્યારે કોંગ્રેસને જીત માટે વોટ શેરમાં આઠ ટકાથી વધુ રિવર્સ સ્વીંગની જરૂર છે જ્યારે ભાજપને જીતવા માટે વર્ષ 2017 ના વોટ શેરને જાળવી રાખવા એડી ચોટીનું જોર લગાવવું પડશે.
વર્ષ 2012ની ચૂંટણીમાં ખેડબ્રહ્મા બેઠક પર ઇતિહાસ સર્જાયો હતો કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન કોટવાલની 50137 મતોથી જીત થઇ હતી
વર્ષ 2007ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રમીલાબેન બારાની 25 હજાર ઉપરાંત મતની સરસાઈથી હાર થયા બાદ 2012માં ભાજપે ઉમેદવાર બદલતાં જે તે સમયના કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન કોટવાલની 50137 મતથી જીત થઈ હતી અને જિલ્લામાં કોંગ્રેસે જીતનો ઇતિહાસ સર્જ્યો હતો.જેમાં ભાજપનો વોટ શેર ઘટીને માત્ર 25.72 ટકા થઈ ગયો હતો જ્યારે 15 ટકા મત અન્ય છ ઉમેદવારને મળ્યા હતા. તે પણ એક નોંધપાત્ર બાબત છે વર્ષ 2007માં ભાજપનો વોટશેર 31.76 ટકા હતો જ્યારે બંને મુખ્ય પક્ષોને જાકારો આપનાર મતદારોની સંખ્યા 12.77 ટકા હતી.
આ ચૂંટણીમાં ભાજપના ચાર પૈકી બે ઉમેદવાર કોંગ્રેસના
ભાજપે જિલ્લાની ચાર બેઠકો પર ઉભા કરેલ ઉમેદવારો પૈકી હિંમતનગર અને ખેડબ્રહ્મા બેઠક પર કોંગ્રેસમાંથી આવેલાને ટિકિટ અપાઇ છે. હિંમતનગરમાં આંતરિક રાજકારણ હતું અને ખેડબ્રહ્મામાં બેઠક ભાજપની સતત નિષ્ફળતાની મજબૂરી હતી. ખેડબ્રહ્મા બેઠકના અશ્વિન કોટવાલ હમણાં સુધી કોંગ્રેસમાં હતા. જ્યારે હિંમતનગર બેઠકના ઉમેદવાર વીડી ઝાલા વર્ષ 2007 સુધી કોંગ્રેસની ટિકિટ પર પ્રાંતિજ બેઠક માટે ચૂંટણી લડ્યા હતા જો કે વીડી ઝાલાએ 17 વર્ષ બાદ 2014માં ભાજપમાં ઘર વાપસી કરી હતી
સા.કાં.માં છેલ્લી ત્રણ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના વોટ શેરની સરસાઇની સંપૂર્ણ વિગત | ||||||
વર્ષ | હિંમતનગર | ઇડર | ખેડબ્રહ્મા | પ્રાંતિજ | ||
2017 | ભાજપ 0.88 | ભાજપ 7.52 | કોંગ્રેસ 6.2 | ભાજપ 1.45 | ||
2012 | કોંગ્રેસ 7.08 | ભાજપ 6.23 | કોંગ્રેસ 33.63 | કોંગ્રેસ 4.41 | ||
2007 | ભાજપ 6.59 | ભાજપ13.21 | કોંગ્રેસ 23.71 | ભાજપ 11.25 |
ઇડરમાં ભાજપ 1995 થી જીતતું રહ્યું છે
ઇડર બેઠક પર ભાજપ 1995 થી સતત જીતતુ આવ્યું છે. પરંતુ વોટ શેરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે વર્ષ 2007માં ભાજપનો વોટશેર 54.54 ટકા હતો તે ઘટીને 2017માં 50.19 ટકા થઈ ગયો હતો તેવી જ રીતે ખેડબ્રહ્મા બેઠક કોંગ્રેસની પરંપરાગત બેઠક છે પરંતુ 2012માં 59.35 ટકા સુધી પહોંચેલ વોટશેર 2017 માં 11.46 ટકા ઘટીને 47.89 ટકા પર આવી ગયો હતો અને ભાજપ સાથે વોટ શેર નો તફાવત માત્ર 6.2 ટકા રહ્યો હતો જે પ્રથમવાર બન્યું હતું
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.