સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર તાલુકાના પેઢમાલા ગામમાં ગામથી અડધો કિલોમીટર કાચા માર્ગ પર ગ્રામજનોને ઢીંચણસમા કાદવમાં થઈને પશુ ચરાવવા અને ખેતરે જવા માટે પસાર થવું પડે છે. તેને લઈને કરેલી રજુઆતોનું પરિણામ ન આવતા લોકભાગીદારીથી ગ્રામજનોએ કાદવમાંથી પસાર થવાની મુક્તિ મેળવવા પથ્થરો લાવી મહિલાઓ સહીત ગ્રામજનો શ્રમદાન કરી પથ્થરો પાથરી રસ્તો બનાવવાનું શરુ કર્યું છે. જેનો વીડિઓ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.
ગ્રામવાસીઓએ જાતે જ પાવડો-ત્રિકમ હાથમાં લીધો
પેઢમાલા ગામ આસારામ અને પુત્ર નારાયણ સાઈ આશ્રમને લઈને બહુચર્ચિત રહ્યું છે.ત્યારે મહિલાઓ સહીત ગ્રામજનો શ્રમદાન થકી રોડ બનાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ફરીવાર પેઢમાલા ચર્ચામાં આવ્યું છે. વાત છે પેઢમાલા ગામની કે જ્યાં ગામથી અડધો કિમી ખેતરમાં જવા,પશુ ચરાવવા ગૌચરમાં જવા અને સ્મશાનમાં જવા માટે આ રસ્તે જવું પડે છે અને ચોમાસામાં રસ્તો વરસાદી પાણીને લઈને કાદવથી ખદબદતો હોય છે અને આજ રસ્તા પર ઢીંચણસમા કાદવમાંથી પસાર થવું પડે છે. અને આ અંગે પંચાયતમાં સરપંચને પણ રજુઆતો કરી પણ કોઈ પરિણામ ન આવતા આખરે મહિલાઓ અને ગ્રામજનો હાથમાં પાવડો અને ત્રિકમ લઈને નીકળી પડ્યા. કાદવમાંથી પસાર થવાની મુક્તિ મેળવવા માટે રસ્તો બનાવવા માટે ગામના લોકોની લોક ભાગીદારીથી પૈસા એકઠા કર્યા હતા.
12-12 ટ્રેક્ટર પથ્થર-માટી નાંખી રસ્તો બનાવ્યો
આ અંગે વીડિયો બનાવનાર અને ગામના સ્થાનિક રણજીતસિંહ ઝાલાએ જણાવ્યું હતું. ગામથી એક કિમી રોડ છે જે કાચો છે એ રસ્તા પર થઈને ખેતરમાં,પશુ ચરાવવા,સ્મશાનમાં અને રહેણાંક વિસ્તારમાં જવાય છે પરંતુ ગામથી જતા પહેલા રસ્તા પર ખૂબ જ કાદવ છે. જેમાંથી અમારે પસાર થવું પડે છે તેને લઈને અમે મહિલાઓ સહીત બધાએ લોક ભાગીદારી કરી અને ટ્રેક્ટર ભાડે લાવી તેમાં ડુંગર નજીકથી પથ્થરો એકઠા કરી ટ્રેક્ટરમાં લાવ્યા અને 12 ટ્રેક્ટર પથ્થર, 22 ટ્રેક્ટર માટી લાવ્યા એના વડે અમે રસ્તો બનાવ્યો છે. સવારે 7 વાગે કામે લાગી ગયા હતા અને રાત્રે 8 વાગે શ્રમદાન કરી રસ્તો બનાવ્યો છે.
મહિલાઓએ પણ મહત્વનો સહકાર આપ્યો
મહિલાઓ સહીત ગ્રામજનોએ ત્રિકમ,પાવડા હાથમાં લીધા અને શરુ કર્યું. શ્રમદાન 12 કલાકમાં અમે પથ્થરો નાખી રોડ બનાવ્યો છે. સરપંચને અનેક રજૂઆત કરી હતી પરંતુ કોઈ પરિણામ આવ્યું નથી. તેમણે આ અંગે મૌન જ સેવ્યું છે. આ અંગે સરપંચે ટેલીફોનીક વાતચીતમાં જણાવેલ કે વર્ષોની જરૂરિયાતવાળું ગરનાળું પહેલા બનાવ્યું છે. માંગણીનો રોડ સહીતના બીજા વિકાસ કામો આયોજનમાં લીધા છે. તેનો ઠરાવ પણ કરીને તલાટીને આપ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.