હિંમતનગરના મોતીપુરાથી પસાર થતાં નેશનલ હાઈવેની કામગીરી મંથરગતિએ ચાલી રહી છે અને આ કામગીરીને પગલે અનેક નિર્દોષ વાહનચાલકોએ જીવ ગુમાવ્યા છે. બુધવારે મોતીપુરાથી સાબરડેરી બાજુ જઈ રહેલ એક્ટિવા ચાલક યુવતીઓને ટ્રેલરે અડફેટે લેતાં ફાયનાન્સ કંપનીમાં કામ કરતી યુવતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય યુવતીને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડાઇ હતી. હાજર લોકોની ચર્ચા મુજબ અસમતલ રોડ સરફેસને કારણે એક્ટિવા ટ્રેલરના પાછળના ટાયરની અડફેટે આવી ગયું હતું જેને કારણે અકસ્માત સર્જાયો હતો.
હિંમતનગરમાં ટાવર રોડ પર ફાયનાન્સ કંપનીમાં નોકરી કરતી નિલમબેન દિનેશભાઈ સોલંકી (23) અને સુસ્મિતાબેન વાઘેલા બુધવારના રોજ બપોરે કલેક્શન માટે સાબરડેરી જવા સહકર્મીનું એક્ટિવા નંબર જીજે-09-ડીબી-7272 લઈને નીકળ્યા હતા અને મોતીપુરા થી સાબરડેરી જવા દરમિયાન ટાટાના શોરૂમ નજીક કાળમુખા ટ્રેલરના પાછળના ટાયરની અડફેટમાં આવતાં બંને રોડ પર પટકાઈ હતી.જેમાં નીલમબેન સોલંકીનું માથામાં ગંભીર ઇજાઓ થતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
હાઇવે પર થયેલ અકસ્માત ને પગલે દોડી આવેલ લોકોએ ઇજાગ્રસ્ત સુસ્મિતાબેન વાઘેલાને સારવાર માટે હિંમતનગર સિવિલમાં ખસેડાયા હતા. અકસ્માતને પગલે ટ્રાફિકજામ થઈ ગયો હતો. હાજર લોકોના જણાવ્યા અનુસાર રોડ સરફેસ અસમતલ હોવાને કારણે અકસ્માત સર્જાયો હતો. ઘટનાને પગલે દોડી આવેલ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. ટ્રેલર નંબર આરજે-14-જીપી-6602ના ચાલકે અકસ્માતને પગલે ટ્રેલર ઉભું કરી દીધું હતું. મૃતક નિલમબેન હિંમતનગર નજીક આવેલ વિરપુરમાં રહેતા હતા.ઇજાગ્રસ્ત સુસ્મિતાબેન રણાસણના હોવાનું જાણવા મળી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.