વેક્સિનની અછત:સાબરકાંઠામાં વેક્સિનની અછત, 4.92 લાખ લોકોએ પ્રિકોશન ડોઝ લીધો નથી

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય વિભાગ પાસે કો-વેક્સિનના માત્ર 1150 ડોઝ ઉપલબ્ધ, કોવીશિલ્ડ વેક્સિન નથી
  • ઈડર તાલુકામાં સૌથી વધુ 50.91 ટકા અને હિંમતનગર તાલુકામાં સૌથી ઓછા 32.30 ટકા લોકો લક્ષાંકની સામે પ્રિકોશન ડોઝ લઈ ચૂક્યા છે

તાજેતરના સર્વેક્ષણો મુજબ માર્ચ માસમાં કોરોનાના ચોથા વેવની સંભાવના છે. સાબરકાંઠામાં 8,59,066 લોકોનો પ્રિકોશન ડોઝ ડ્યુ થઈ ગયા બાદ અત્યાર સુધીમાં 3,66,538 નાગરિકોએ પ્રિકોશન ડોઝ લીધો છે. જ્યારે 4,92,528 નાગરિકોને પ્રિકોશન ડોઝ લેવાનો બાકી છે જેમાં મોટાભાગનાને કોવિશિલ્ડ વેક્સિનની જરૂર છે. જેનો સ્ટોક લાંબા સમયથી નીલ બોલે છે. આરોગ્ય વિભાગ પાસે કો વેક્સિનના 1150 ડોઝ ઉપલબ્ધ છે. જેનો કોઈ મતલબ રહ્યો નથી. જિલ્લાના વડા મથક હિંમતનગરમાં લક્ષ્યાંકની સામે માત્ર 32.30 ટકા કામગીરી થઈ છે.

આરોગ્ય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કો-વેક્સિનના 1150 ઉપલબ્ધ છે. કોવીશિલ્ડ વેક્સિનનો સ્ટોક નીલ છે જેનો નવો સ્ટોક આવ્યો નથી જિલ્લામાં અત્યાર સુધીમાં 8,59,066 ના લક્ષ્યાંકની સામે સરેરાશ 42.67 ટકા લોકોને બુસ્ટર ડોઝ આપવામાં આવ્યો છે જ્યારે 4,92,528 નાગરિકોનો જ બાકી છે. ઈડર તાલુકામાં સૌથી વધુ 50.91 ટકા અને હિંમતનગર તાલુકામાં સૌથી ઓછા 32.30 ટકા લોકો લક્ષ્યાંકની સામે પ્રિકોશન ડોઝ લઈ ચૂક્યા છે.

જિલ્લા આરોગ્ય અધિકારી ડો.રાજ સુતરીયાએ જણાવ્યું કે કોવીશિલ્ડ વેકસીન માટે માંગણી કરવામાં આવી છે અને આગામી ટૂંક સમયમાં ફાળવણી કરવામાં આવનાર છે તેમણે ઉમેર્યું કે હાલમાં વેક્સિન લેવા ઘસારો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાની સંભવિત ચોથી લહેરના પડઘમ વાગી રહ્યા છે છેલ્લા એક વર્ષ દરમિયાન કોરોનાના વળતા પાણી થયા બાદ જિલ્લા જનોએ બુસ્ટર ડોઝ લેવામાં બેદરકારી દાખવી છે અને પ્રિકોશન ડોઝ ન લેવાનું મન બનાવી લીધા બાદ વેક્સિનની માંગ પણ લગભગ ઝીરો થઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...