સાબરકાંઠા જિલ્લામાં કરા સાથે ધોધમાર વરસાદ:વિજયનગર, તલોદ, ઇડર સહિતના પંથકમાં કમોસમી વરસાદ; માવઠાના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો

સાબરકાંઠા (હિંમતનગર)6 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાયક્લોનીક સરક્યુલેશનના કારણે ગુજરાતના 26 તાલુકામાં માવઠાની આગાહી કરવામાં આવી હતી. ત્યારે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અને વિજયનગર પંથકમાં ધુળની ડમરીઓ સાથે અચાનક વાવાઝોડા સાથે શુક્રવારે વરસાદ વરસ્યો હતો. ખેડબ્રહ્માના રાધીવાડ અને વિજયનગર અને તાલુકાના પ્રતાપગઢ, કંપા, ઈડરના સુર્યનગર, તલોદના પુસરી સહિતના વિસ્તારોમાં બરફના કરા સાથે ધોધમાર જોવા મળ્યા હતા. અચાનક આવેલા કમોસમી વરસાદથી ઘઉં તથા બટાકા સહિતના પાકને નુકસાન થયું હતું.

આ અંગેની વિગત એવી છે કે, 15મી માર્ચથી 16મી માર્ચ સુધી સાયક્લોનીક સરક્યુલેશનના કારણે હવામાનમાં ફેરફાર આવવાની આગાહી કરવામાં આવી હતી. શુક્રવારે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગર પંથકમાં સાંજના સુમારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ધુળની ડમરીઓ ઉડવા લાગી હતી અને ધોધમાર વરસાદ વરસ્યો હતો. વિજયનગર તાલુકાના પ્રતાપગઢ કંપા સહિત આસપાસના ગામોમાં તો બરફના કરા સાથે વરસાદ વરસતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા હતા. કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક થઇ હતી અને હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો. વિજયનગરમાં અને ઈડરના સુર્યનગર ગામ અને આસપાસ વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.

તલોદના પુસરીમાં 20 મિનીટ બરફના કરા સાથે વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદના કારણે રવિ પાકને નુકસાન થયુ છે. ખેડૂતોના ખેતરમાં ઘઉં વાઢવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે કમોસમી વરસાદના કારણે ઘઉંના પાકને વ્યાપક નુકશાન થયું છે. આ ઉપરાંત બટાકા, જીરૂ, વરીયાળી, રાયડાના પાકને પણ નુકસાન થયુ છે. માર્કેટયાર્ડમાં પલળેલા ઘઉંના ભાવ પણ ઓછા મળતા ખેડૂતોને આર્થિક નુકશાન સહન કરવુ પડ્યું છે

અન્ય સમાચારો પણ છે...