સાબરકાંઠામાં મેઘરાજાએ બહુ રાહ જોવડાવ્યા બાદ શુક્રવાર રાતથી વરસવાનું શરૂ કરતાં 6 તાલુકામાં અડધાથી બે ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે અને જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો છે. જિલ્લાની ઉત્તરે રાજસ્થાનમાં પણ મેઘમહેર થતાં વિજયનગર પોશીના ખેડબ્રહ્મા તાલુકાની નદીઓ નાળા વહેતા થયા હતા. ડિઝાસ્ટર વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર સાંજે 6 કલાક સુધીમાં છેલ્લા 24 કલાક દરમિયાન 6 તાલુકામાં અડધાથી બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ખેડબ્રહ્મા પોશીના અને વિજયનગરમાં બે તથા તલોદમાં દોઢ ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.
અત્યાર સુધીમાં હિંમતનગર અને વડાલીમાં મોસમનો સરેરાશ અઢી ઇંચ ખેડબ્રહ્મા તલોદ અને પોશીના તાલુકામાં મોસમનો સરેરાશ સાડા ત્રણ ઇંચ અને વિજયનગર તાલુકામાં સૌથી વધુ સરેરાશ 7 ઇંચ વરસાદ નોંધાયો છે ઇડર અને પ્રાંતિજ તાલુકો કુલ અડધા ઇંચ વરસાદ સાથે કોરોધાકોર રહ્યા છે. અરવલ્લીમાં 10 દિવસ બાદ મોડાસા અને ધનસુરામાં બે કલાકમાં 1-1 ઇંચ વરસાદ તૂટી પડયો હતો. મોડાસા શહેરના નીચાણવાળા વિસ્તારોના રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા.
સાબરકાંઠામાં 59હજાર હેક્ટરમાં વાવેતર થયું
સાબરકાંઠામાં અત્યારસુધીમાં મગફળીનું 27892, કપાસનું 20913, શાકભાજી 3829, ઘાસચારો 2249, સોયાબીન 1613, મકાઈ 1239, તુવેર 746, અડદ 489 વગેરે મળી કુલ 59041 હેકટરમાં ખરીફ વાવેતર થઈ ચૂક્યું છે. જિલ્લામાં સરેરાશ 2.40 લાખ હેક્ટરમાં ખરીફ વાવેતર થતું હોય છે.
નવા નીર|ગુહાઇ ડેમમાં 30 જ્યારે હરણાવ ડેમમાં 100 ક્યૂસેક પાણીની આવક નોંધાઇ
સાબરકાંઠા જિલ્લાના ઉત્તરે ઉપરવાસમાં રાજસ્થાન સહિતના વિસ્તારોમાં સારો વરસાદ થતાં હાથમતી અને હરણાવ નદીઓ બે કાંઠે વહેતી થતાં ગુહાઈ જળાશયમાં 30 ક્યૂસેક અને હરણાવ-2 જળાશયમાં 100 ક્યુસેક પાણીની આવક શરૂ થઈ હતી.
ખુશીનો વરસાદ- પાકોને જીવતદાન મળ્યું
મોડાસા ધનસુરા અને બાયડ, માલપુરના અને ઉભરાણ પંથકમાં મેઘરાજાની પધરામણી થતાં ખેડૂતોના પાકોને જીવતદાન મળ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.