30 દિવસ, 30 શિવમંદિર:ભોલેશ્વર મહાદેવનો અનોખો ઈતિહાસ, ઇડરના મહારાજા આપે છે ચાંદીના સિક્કાનું દાન, 108 વૃક્ષોવાળા બીલીવનનો પણ અનેરો મહિમા

સાબરકાંઠા (હિંમતનગર)2 મહિનો પહેલા
  • ઇડર સ્ટેટના મહારાજા તરફથી દર મહીને રૂ. 1ના ચાંદીના સિક્કાનું દાન
  • જામ સાહેબ વિજયી થતાં પથ્થરની કોતરણી વાળા શિવાલયનું નિર્માણ
  • મંદિરની પાછળ બીલી વનમાં 108 બીલીના વૃક્ષો મંદિરની શોભા વધારે છે

હિંમતનગરની હાથમતી નદી કિનારે આવેલા સ્વયંભૂ ભોલેશ્વર મંદિરે શ્રાવણ મહિનામાં ભક્તોની ભીડ ઉભરાય છે અને બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠે છે. સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરની હાથમતી નદીના કિનારે પૌરાણિક સ્વયંભૂ ભોલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. જ્યાં શ્રાવણ મહિનામાં બ્રાહ્મણો અને ભક્તોની ભારે ભીડ જોવા મળે છે અને મંદિર બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠે છે.

અચરજ પમાડતો ઐતિહાસિક પુરાવો અને ઈતિહાસ
સ્વયંભૂ ભોલેશ્વર મહાદેવ મંદિર 400 વર્ષ જૂનું અને તે સમયમાં બન્યું છે જ્યારે વીજળી કે પંખા ન હતાં. તેમજ આ મંદિરની દીવાલ પહોળી છે અને તેની વચ્ચે પાણી ભરવામાં આવે છે જેથી મંદિરમાં ઠંડક રહે છે. હિંમતનગરની હાથમતી નદી કિનારે પરમ પાવન અને પુરાતન સ્વયંભૂ સંકલ્પ સિદ્ધપીઠ શ્રી ભોલેશ્વર મહાદેવ મંદિર આશરે 400 વર્ષ જૂનું છે અને તેનો આછો પાતળો ઈતિહાસ પણ છે. શહેરના દેસાઈવાડા તરીકે જે વિસ્તાર છે તેમાં પહેલા દેસાઈ લોકો ગાયો સાથે વસવાટ કરતા હતા ત્યારે તેઓની ગાયો આ ગૌચરમાં ચરતી હતી. સાંજે ગાયો ચરીને પરત દેસાઈવાડામાં આવતી ત્યારે એક જ ગાયના આચળમાંથી દૂધ મળતું નહિ. જેથી આ ગાયના માલિકને શંકા પડી કે આ ગાય કોઈ એક જ જગ્યાએ ઉભી રહી પોતાના ચારે આંચળ દ્વારા દુધનો અભિષેક એ જગ્યા પર કરે છે. જેથી દેસાઈઓ ભેગા મળી એ જગ્યાએ ખોદકામ કર્યું તો શિવલિંગ જેવો આકાર દેખાતા લોકોએ ત્યાં નાની દેરી બનાવી તેની પૂજા કરવાની ચાલુ કરી હતી.

જામસાહેબે પથ્થરની કોતરણીવાળુ મંદિર બનાવ્યું હતું
ત્યારબાદ જામનગરના જામ સાહેબ જોધપુર લડાઈ કરવા જતા હતા, ત્યારે હાથમતી નદીના કિનારે આ દેરી પાસે પડાવ નાખ્યો હતો. રાત્રે જામ સાહેબને શ્રી ભોલેશ્વર મહાદેવના સ્વપ્નમાં દર્શન થતાં તેમણે નક્કી કર્યું હતું કે હું લડાઈમાં વિજયી બનીશ તો આ જગ્યાએ મોટું મંદિર બનાવીશ. તેઓ વિજયી થતા તેમના દ્વારા પથ્થરની કોતરણીવાળું શિવાલય આ જગ્યાએ બનાવવામાં આવ્યું છે તેમ કહેવાય છે. ત્યારબાદ આ મંદિરના નિભાવ અને દીવા માટે ઇડર સ્ટેટના મહારાજા તરફથી દર મહીને રૂ. 1નો ચાંદીનો સિક્કો આપવામાં આવતો હતો, જેની નોંધ હિંમતનગરના પેલેસમાં છે. તે વખતે રાજસ્થાનના શ્રી પીતાંબર મહારાજ પુજારી તરીકે પૂજન કરતા હતા અને ત્યારબાદ મગનભારતી મૂળાભારતી ગોસાઈ પુજારી તરીકે પૂજા કરતા હતા.

દર જન્માષ્ટમીએ અને શિવરાત્રીએ ભવ્ય મેળો પણ ભરાય છે
સ.ને. 1962માં હિંમતનગર ગામ દ્વારા ટ્રસ્ટીઓની નિમણુંક થઇ હતી અને ટ્રસ્ટીઓએ ફાળો એકત્ર કરી મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો છે અને કાચથી મંદિર મઢવામાં આવ્યું છે. તો મંદિરના અંદરના ભાગે શિવજીના વિવિધ રૂપ અને તેમની લીલાને કાચ વડે ઘુમ્મટમાં કંડારવામાં આવી છે. આ મંદિરમાં દર જન્માષ્ટમીએ અને શિવરાત્રીએ ભવ્ય મેળો પણ ભરાય છે. આ અંગે મંદિરના પૂજારી તરુણ ચોબીસાએ જણાવ્યું હતું કે, રોડ પરથી સ્વયંભૂ ભોલેશ્વર મહાદેવ મંદિરના પ્રવેશદ્વારમાં પ્રવેશતા જ પ્રથમ વીરબાવજીનું મંદિર છે અને તેની બાજુમાં બહુચર માતાજીનું મંદિર છે. આગળ વધો તો હરિયાળી વચ્ચે દેખાઈ રહેલ સ્વયંભૂ ભોલેશ્વર મહાદેવ મંદિરની નેજા છે. મંદિરમાં પ્રવેશતા પહેલા ડાબી બાજુ ગણપતિજી બિરાજમાન છે, જ્યારે જમણી તરફ હનુમાનજી બીરાજમાન છે. સ્વયંભૂ ભોલેશ્વર મહાદેવના મંદિરની પાછળની બાજુએ લક્ષ્મીજી, મહાકાલી માતાજી, નવ ગ્રહ મંદિર અને ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે અને બાજુમાં સ્વયમ સંકલ્પ ઘંટ પણ છે.

દરરોજ સાંજે ભોલેશ્વર મહાદેવને અલગ શણગાર કરાય છે
મંદિરના બંને બાજુ મોટા હોલ છે, જ્યાં બ્રાહ્મણો શ્રાવણ માસમાં અનુષ્ઠાન, પાર્થેશ્વર પૂજા, લઘુરુદ્ર, સહિત ગ્રહોની પૂજા કરતા હોય છે. મંદિરના પાછળ થઈને બીલીવનમાં જવાય છે. જ્યાં 108 બીલીના વૃક્ષો છે. જેથી બીલી પત્રો જાતે તોડીને લાવી મહાદેવ પર ભક્તો અર્પણ કરી શકે છે. શ્રાવણ માસમાં મધરાત બાદ ભક્તો મંદિરમાં આવે છે અને બપોર સુધી પૂજા કરે છે. સવારે અને સાંજે મહાદેવની આરતી પણ થાય છે. શિવરાત્રી અને જન્માષ્ટમીએ ભવ્ય મેળો પણ અહિયાં ભરાય છે. તો શ્રાવણ માસમાં દરરોજ સાંજે ભોલેશ્વર મહાદેવને અલગ-અલગ શણગાર કરવામાં આવે છે.

શ્રાવણ માસમાં મંદિર ભક્તોથી ઉભરાય છે
આ અંગે ભક્ત પ્રેમીલાબેન પંડ્યા જણાવે છે કે, હું દરરોજ મંદિરે આવું છું અને સ્વયંભૂ ભોલેશ્વર મહાદેવની કૃપા અપરંપાર છે. અહીં આવો તો સ્વર્ગનો અહેસાસ થાય છે, મનને શાંતિ મળે છે અને જે માનતા માનો તે પૂર્ણ થાય છે. અહિયાં બીલીપત્રોનું વન છે. જ્યાંથી બીલીપત્રો તોડી મહાદેવને અર્પણ કરી શકાય છે. શ્રાવણ માસમાં તો મંદિર ભક્તોથી ઉભરાય છે અને મંત્રોથી ગુંજી ઉઠે છે. મંદિર અંગે મહેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું કે 15 વર્ષથી હાથમતી નદી કિનારે આવેલા પૌરાણિક મંદિર સ્વયંભૂ ભોલેશ્વર મહાદેવ મંદિરે આવું છું અને અહિયાં ગણપતિ, બહુચર માતા, હનુમાનદાદા, વીર બાવજીનું મંદિર આવેલા છે. અહિયાં શિવરાત્રી અને જન્માષ્ટમીએ ભવ્ય મેળો ભરાય છે.

500થી 1000 હજાર બ્રાહ્મણો અહિં શ્રાવણ માસમાં આવે છે: ટ્રસ્ટી
આ અંગે ભોલેશ્વર મહાદેવ મંદિર મેનેજીંગ ટ્રસ્ટી બદ્રીનારાયણ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, ભોલેશ્વર મંદિર 400 વર્ષ જૂનું છે અને સંકલ્પસિદ્ધ મંદિર છે. અહિંયા પહેલા ગાયો ચરાવવા દેસાઈઓ આવતા હતા. ત્યારે ગાયના આંચળથી દુધનો અભિષેક થતો હતો. ત્યારબાદ ખોદતા સ્વયંભૂ શિવલિંગ નીકળ્યું હતું. જેની દેસાઈઓએ નાની દેરી બનાવી હતી. વર્ષો પછી જામનગરના જામ સાહેબ લશ્કર સાથે પડાવ નાખ્યો હતો. ત્યારે એમને સ્વપ્નું આવ્યું હતું અને જીતના સંકલ્પ બાદ તેમણે મંદિર બનાવ્યું હતું. આ શિવાલયનો બે વાર જીર્ણોદ્ધાર પણ થયો છે. અહીંના દરબાર સાહેબ મંદિરમાં એક ચાંદીનો સિક્કો આપતા હતા. તેનાથી મંદિરનો વહીવટ ચાલતો હતો. 500થી 1000 હજાર બ્રાહ્મણો અહિં શ્રાવણ માસમાં આવે છે અને તેમનું ગુજરાન ચલાવે છે.

અન્ય સમાચારો પણ છે...