વધુ 2 આરોપીઓની ઘરપકડ:ઇડરમાં 177 ટ્રેક્ટર પર 8.20 કરોડની લોનના કૌભાંડમાં વધુ બે આરોપી ઝડપાયા; પોલીસે આરોપીઓને છ દિવસના રિમાન્ડ પર રાખ્યાં

સાબરકાંઠા (હિંમતનગર)2 મહિનો પહેલા

સાબરકાંઠા જિલ્લાના ઇડર વિસ્તારમાં ટ્રેકટરની લોન લઈ ટ્રેકટર વેચી દેવાનું કૌભાંડ સામે આવ્યું હતું. જેમાં ઇડર પોલીસે પાંચ શખ્સો સામે ફરિયાદ નોધી છે. જ્યારે જિલ્લા પોલીસ વડાએ કૌભાંડની તપાસ માટે સીટની રચના કરી છે. તે પૈકી પાંચ આરોપીઓમાંથી ત્રણ આરોપીઓ ઝડપાયા છે. જેમાંથી એક આરોપી સબજેલમાં મોકલવામાં આવ્યો છે અને બે આરોપીઓને હાલ છ દિવસના રિમાન્ડ પર રખાયા છે. બાકીના બે આરોપીઓને ઝડપવાની કાર્યવાહી તપાસ ટીમે હાથ ધરી છે.

કોર્ટમાં રજુ કરાઈ છ દિવસના રિમાન્ડ મળ્યા હતા
આ અંગે પોલીસ સુત્રોમાંથી મળેલી માહિતી મુજબ, ઇડરમાં ટ્રેક્ટર કૌભાંડની ફરિયાદ નોધાયા બાદ જિલ્લા પોલીસ વડાએ સીટની રચના કરી હતી. જેમાં ઇડર નાયબ પોલીસ અધિક્ષકના સુપરવિઝન હેઠળ એલસીબી પીઆઈ અને બે પીએસઆઈની ટીમ બનાવી છે અને તપાસ હાથ ધરી હતી. જેમાં પાચ પૈકી પાર્થ ચૌધરીને ઝડપી લેવાયો હતો અને તેને કોર્ટમાં રજુ કરાઈ છ દિવસના રિમાન્ડ મળ્યા હતા. દરમિયાન રિમાન્ડ પૂર્ણ થતા પાર્થ ચૌધરીને કોર્ટમાં રજુ કરતા સબજેલમાં મોકલી આપવાનો હુકમ થયો હતો.

કૌભાંડમાં વધુ 2 આરોપીને ઝડપી પાડ્યા
બીજી તરફ તપાસ ટીમે ટ્રેક્ટર કૌભાંડમાં એજન્ટો કે જે છેતરપીંડી કરી ટ્રેક્ટરો લેતા અને અન્ય જિલ્લામાં આપી દેતા હતા. તેવા હિંમતનગરના સાચોદરના સુરેશ થનાજી ઠાકરડા(પરમાર) અને ઈડરના કાવા ગામના સંજય કાન્તીભાઈ ઠાકરડા(ચૌહાણ) બંને જણાને 24 નવેમ્બરે તેમના ઘરેથી ઝડપી લીધા હતા. પૂછપરછ કર્યા બાદ બીજા દિવસે બંનેને કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગણી કરતા કોર્ટે છ દિવસના 30 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા. તો હાલમાં રિમાન્ડ દરમિયાન બંને આરોપીઓએ સૌરાષ્ટ્રમાં લીંબડી, સુરેન્દ્રનગર, ભાવનગર, શિહોરી સહિતના વિસ્તારમાં આપેલાનું કબુલ્યું છે. જેને લઈને હવે તપાસ ટીમે ટ્રેક્ટરો કબ્જે લેવાની કાર્યવાહી હાથ ધરી છે.

છેતરપિંડી પર છેતરપિંડી કરી ટ્રેકટરનું વેચાણ કરવામાં આવતું હતું
ઇડર તાલુકામાં નવા ટ્રેકટરની ખરીદી બોગસ લોન વડે કરીને લોનની રકમ જ ચાઉ કરી લેવાની છેતરપિંડી આચરવામાં આવી છે. લોનથી મેળવેલા નવા ટ્રેકટરને અન્ય જિલ્લામાં બરોબર વેચી દઈ તે રકમ પણ મેળવી લેવામાં આવતી, આમ છેતરપિંડી પર છેતરપિંડી કરી ટ્રેકટરનું વેચાણ કરનારા શો રૂમમાં જ આચર્યાનું સામે આવ્યું છે. જોકે સૌથી ચોંકાવનારી વાત છે કે, આ લોન મોટા ભાગના લોકોને કોરોના અંગેની સહાય ના ફોર્મ હોવાના બહાને કાગળિયા મેળવી ખેડૂતોના નામે કૌભાંડ આચર્યું છે. ઇડર અને હિંમતનગરના ખાનગી કંપનીના ટ્રેકટર હાઉસ સહિત પાંચ સામે ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...