ગેરકાયદેસર પ્રવૃતિ પર બાજ નજર:હિંમતનગરમાં દાગીના વેચવા ફરતા મહેસાણાના બે શખ્સો ઝડપાયા; પોલીસે કુલ રૂ. 1.27 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી

સાબરકાંઠા (હિંમતનગર)19 દિવસ પહેલા
  • કૉપી લિંક

હિંમતનગરના મોતીપુરામાં તુલસી કોમ્પ્લેક્ષ નજીક બાઈક પર ચાંદીના દાગીના વેચવા આવેલા મહેસાણાના બે શખ્સોને એ ડિવીઝન પોલીસે ઝડપી લઈને દાગીના, બાઈક અને મોબાઈલ સહીત 1.27 લાખનો મુદ્દામાલ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ચોરીના બનાવો અટકાવવા પોલીસ સજ્જ હતી
આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગર શહેરમાં ચોરીના બનાવો બનતા અટકાવવા માટે જિલ્લા પોલીસ વડા વિશાલ વાઘેલાની સૂચનાને લઈને એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.બી.વાઘેલા અને સર્વેલન્સ સ્કોર્ડનો સ્ટાફ જયેન્દ્રસિંહ જોરાવરસિંહ, દિગ્વિજયસિંહ અજીતસિંહ, વિક્રમસિંહ મંગળસિંહ, હરપાલસિંહ સોનસિંહ, જ્ઞાનદીપસિંહ વિજયસિંહ અને કલ્પેશકુમાર કેશવલાલ સતત વોચમાં રહી આરોપીઓની તપાસમાં હતા.

આધાર પુરાવા વિનાના ચોરીના દાગીના મળી આવ્યા
દરમિયાન મળેલી બાતમીના આધારે હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલા તુલસી કોમ્પ્લેક્ષ આગળથી બાઈક પર થેલામાં ચાંદીના દાગીના વેચવા આવેલા મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના વડનગરમાં લાટીની સામે ગોસ્કાર દરવાજા સામે રહેતા માયાસિંઘ કિરપાલસિંઘ સરદાર અને કરણસિંઘ કિરપાલસિંઘ સરદાર બંને ભાઈઓ પાસેથી ચાંદીના દાગીના જેમાં ચાંદીની લગડી 100 ગ્રામ, ચાંદીના નાના-મોટા સિક્કા નંગ 12, ચાંદીનો કળશ પાંચ ગ્રામનો એક, ચાંદીના કડલા નંગ 3, ચાંદીનો વેઢ નંગ 1, ચાંદીના છડા નંગ 13, ચાંદીના છડાના ટુકડા નંગ 4 મેટલના પતરા નંગ 4 મળી રૂ. 26 હજાર 126નો આધાર પુરાવા વિનાના ચોરી અથવા છળકપટથી મેળવેલા ચાંદીના દાગીના મળી આવ્યા હતા. જેને લઈને એ ડિવીઝન પોલીસે ચાંદીના દાગીના 90 હજારની બાઈક, એક મોબાઈલ રૂ. 11 હજારનો મળી રૂ 1 લાખ 27 હજાર 156નો મુદ્દામાલ કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...