લુંટારુઓ જેલના સળિયા પાછળ:હિંમતનગરમાં શાકભાજીના વેપારીને લુંટનાર બે શખ્સો ઝડપાયા; માર્કેટયાર્ડમાં કામ કરતો મજુર પણ લુંટમાં સામેલ

સાબરકાંઠા (હિંમતનગર)2 મહિનો પહેલા

હિંમતનગરના ખેડતસીયા રોડ પર સિંધીવાડી નજીક સોમવારે વહેલી સવારે એક્ટીવા લઇ જઇ રહેલા શાકભાજીના વેપારીને લુંટનાર હિમતનગરના બે શખ્સોને પોલીસે ૨૪ કલાકમાં ઝડપી લુંટમાં વપરાયેલ બાઈક અને રોકડ રૂ.2000 કબજે લઈને જેલ હવાલે કર્યા છે.

લોહી લુહાણ હાલતમાં બચાવ બચાવની બુમો
આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર હિંમતનગરના બેરણા રોડ પર આવેલી ઉમિયાનગર સોસાયટીમાં રહેતા શાકભાજીના વેપારી નિલેશ લખીમલ પારસવાણી ખેડતસીયા રોડ પરથી પોતાનું એક્ટીવા લઇને જઇ રહ્યાં હતા. તે દરમિયાન સિંધીવાડી નજીક જોકી શો-રૂમ આગળ સોમવારે વહેલી સવારે પોણા પાંચ વાગે હાથનો ઇશારો કરી એક્ટીવાને ઉભુ રાખવા જણાયું હતુ. જેથી નિલેશ લખીમલ પારસવાણીએ પોતાનુ એક્ટીવા ઉભું રાખ્યું હતુ. તે દરમિયાન લુંટના ઇરાદે આવેલા શખ્સે જમણાં હાથમાં રહેલ પથ્થર નિલેશ લખીમલ પારસવાણીને કપાળના ભાગે મારી ઇજાઓ કરી હતી. લોહી લુહાણ હાલતમાં બચાવ બચાવની બુમ કરતા હતા. એ દરમિયાન એક્ટીવાની આગળ મુકેલા ખાતાવહી, રોજમેળ તથા રૂપિયા 2000 લઈ શખ્સ નાસી ગયો હતો. આ અંગે હિંમતનગર A-ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.

બંને આરોપીઓને જેલ હવાલે કર્યા
A-ડીવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.એમ.પરમાર, ડી સ્ટાફના જયેન્દ્રસિંહ, ચાપાભાઈ, દિગ્વિજયસિંહ, ધરમવીરસિંહ, વિક્રમસિંહ, કલ્પેશકુમાર અને હિમાંશુભાઈ બનાવ બન્યો તે વિસ્તારમાં સીસીટીવી કેમરામાં તપાસ શરુ કરી હતી અને લુંટ કરનાર બંને આરોપીઓ બાઈક પર જતા કેમેરામાં જોવા મળ્યા હતા. જેને લઈને તેની ઓળખ કર્યા બાદ બાતમી આધારે હિંમતનગરની જૂની સિવિલ પાસે રહેતા જીગર રમેશ ભાટને ભાટવાસ નજીકથી ઝડપી લીધો હતો. ત્યારબાદ તેની પૂછપરછ કરી હતી અને સાથે લુંટ કરી ભાગનાર મુખ્ય આરોપી અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના કુણોલ ગામનો અને હાલ હિંમતનગરના સહકારી જીન વિસ્તારના મેપલ ફ્લેટમાં રહેતા રાહુલ દીવાનસિંહ રાઠોડને ઝડપી લીધો હતો. તો લુંટમાં વપરાયેલ બાઈક અને લુંટમાં ગયેલ રોકડા 2000 કબજે લઈને બંને આરોપીઓને જેલ હવાલે કર્યા છે.

લુંટમાં માર્કેટયાર્ડમાં મજુરી કરનાર જીગર પણ સામેલ
આ અંગે હિમતનગર A-ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.બી.વાઘેલાએ જણાવ્યું હતું કે, શાકભાજીનો વેપારી ઘરેથી માર્કેટયાર્ડમાં એક્ટીવા લઈને જતો હતો ત્યારે તેની પાસે બે પાકીટ હતા. તે પૈકી એક પાકીટમા રૂ.2000 હતા અને બીજા પાકીટમાં રૂ.1 લાખ હતા. આ લુંટના પ્લાનમાં માર્કેટયાર્ડમાં મજુરી કરનાર જીગર સામેલ હતો. તો જીગર ભાટ લુંટના સ્થળથી દુર બાઈક લઈને ઉભો હતો અને તેને રાહુલને રોડ સાઈડે ઉભો કર્યો હતો. રાહુલે પથ્થર મારી પાકીટ લુંટ કર્યા બાદ જીગર ભાટ બાઈક લઈને આવ્યો અને તેની બાઈક પર સવાર થઇ બંને નાસી ગયાં હતા. આમ, બંને લુંટ કરનારા લુંટારાઓને 24 કલાકમાં ઝડપી લીધા છે.

અન્ય સમાચારો પણ છે...