સાબરકાંઠા ક્રાઈમ ન્યૂઝ:માઢવા ગામ નજીક બે બાઇક વચ્ચે અકસ્માતમાં બેના મોત; બે ગાયો સાથે બે ઈસમોને ઝડપ્યા; સીલ કરેલું મકાન ખોલતા ફરિયાદ

સાબરકાંઠા (હિંમતનગર)24 દિવસ પહેલા
  • કૉપી લિંક

અકસ્માતમાં બેના મોત, બેને ઈજા...
સાબરકાંઠાના તલોદ તાલુકાના રણાસણ પાસેના માઢવા ગામ નજીક બે બાઇક સામ સામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘટનાસ્થળે બે શખ્સોના કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય બે વ્યકિતઓને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.

આ અંગેની વિગત એવી છે કે, તલોદ તાલુકાના રણાસણ પાસેના માઢવા ગામ નજીક શનિવારે બે બાઇક સામ સામે ટકરાતા ગમ્ખવાર અકસ્માત થયો હતો. જેમાં ઘટનાસ્થળે સંજયસિંહ શિવસિંહ ચૌહાણ અને અશોકભાઇ શાંતિભાઇ ડામોરનું કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું.

જ્યારે અકસ્માતની આ ઘટના દરમિયાન અન્ય બે યુવાનોને ગંભીર ઇજાઓ થતા બન્ને ઇજાગ્રસ્ત યુવાનોને સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતની ઘટનાની જાણ થતા તલોદ પોલીસ દ્વારા સ્થળ પર જઇને કાર્યવાહી હાથ ધરી હતી.

બે ગાયો સાથે બે ઈસમોને ઝડપી લીધા...
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના રેલ્વે સ્ટેશન ઉપર ઘર આગળ બાંધેલ બે ગાયોની ચોરી કરનાર બે ઈસમોને ગાયો સાથે ઝડપી પાડી જેલ ભેગા કર્યા હતા.

આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર પ્રાંતિજ રેલ્વે સ્ટેશન વિસ્તાર જીઈબી પાછળ રહેતા વનરાજસિંહ ઈશ્વરસિંહ રાઠોડ કે જેવો પોતે ખેતી સાથે પશુપાલનો વ્યવસાય કરે છે અને તેઓ પોતાના ઘર આગળ ત્રણ ગાયો રાખેલ છે. રાત્રી દરમિયાન પોતાના ઘર આગળ ખુલ્લી જગ્યામાં બાંધેલી ત્રણ ગાયોમાંથી બે ગાયોને રાત્રી દરમિયાન ગામમા રહેતા કિશન મહેશભાઈ મારવાડી તથા બ્રિજેશ રણછોડભાઈ માજીરાણા બન્ને રાત્રીના સમયે ઘર આગળ બાંધેલી દુધની બે ગાયો જેની અંદાજિત કિંમત 40,000ની ચોરી કરી લઈ ગયા હતા.

ચોરી કરી લાવીને પ્રાંતિજ ખોડીયાર કુવા ખાતે આવેલ કિશન મહેશભાઈ મારવાડીના મકાન આગળ બાંધી દીધી હતી. તો પશુ માલિક દ્વારા પોતાના ઘર આગળ બાંધેલ ગાયોને સવારના સમયે દોહવા જતા ત્રણ ગાયોમાંથી બે ગાયોના હોય ઘર લોકોને જાણ કરી હતી. આજુબાજુમાં તપાસ કરતા કોઈ જગ્યાએ મળી આવી ન હતી. દરમિયાન સોશિયલ મીડિયામાં ગાય ચોરી કરેલ ઈસમ સાથે ગાયોના ફોટા વાયરલ થતા ફોટાના આધારે ગાય માલિકે પોતાના બન્ને ગાયોને ઓળખી કાઢી હતી અને ફોટામાં રહેલ ઈસમ કિશન મારવાડીની પણ ઓળખ થતા તે પ્રાંતિજ ખોડીયાર કુવા વિસ્તાર પાસે રહેતો હોય તેના ઘર આગળ આવીને તપાસ કરતા બન્ને ગાયો બાંધેલ હોય ગાય માલિક દ્વારા પ્રાંતિજ પોલીસને જાણ કરી હતી.

પ્રાંતિજ પોલીસ કિશન મારવાડીના ઘરે આવી હતી. ત્યા બાંધેલ બન્ને ગાયો મુળ માલિકને પરત કરી કિશન મહેશભાઈ મારવાડી તથા બ્રિજેશ રણછોડભાઈ માજીરાણાની અટકાયત કરી હતી. ગાય માલિક વનરાજસિંહ ઈશ્વરસિંહ રાઠોડની ફરિયાદ આધારે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

પોલીસ પર હુમલો કરનાર મહિલા સહીત ત્રણને ઝડપ્યા...
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના સિયાસણ ગામે પોલીસ પર હુમલાના બનાવને લઈ ફરિયાદ બાદ પોલીસે મહિલા સહિત બે આરોપીઓને જેલ ભેગા કર્યા.

ઈડર પોલીસ સ્ટેશનના આઉટ પોસ્ટ મુડેટી ખાતે ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ અને જયંતીભાઈ બંને પોલીસકર્મીને સિયાસણ ગામે ત્રણ ઈસમોએ અગાઉ ડેરીમાં બનાવ બનેલા ઝગડાની અદાવત રાખી શુક્રવારના રોજ મોડી સાંજે બાઈક રોકી એકદમ ઉશ્કેરાઈ જઈ બીભત્સ ગાળો બોલી પોલીસ વાળાને અહીંથી જીવતો જવાદેવો નથી.

તેમ જાહેરમાં જોરજોરથી બુમોપાડી ત્રણેય આરોપીઓએ ધારીયું અને લાકડાના ધોકાવડે શરીરના ભાગે ઈજાઓ પહોંચાડી ઝપાઝપી કરી ખિસ્સામાં રાખેલ સેમસંગ કંપનીનો મોબાઈલ રૂ. 12,000 તેમજ રોકડ રૂપિયા 1250 મળી રૂ. 13,250 કાઢી લૂંટી લઈ ત્રણ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તો પોલીસે ફરિયાદના આધારે ત્રણે ઈસમોને ઝડપી પાડી જેલ હવાલે કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઇડર પોલીસે સિયાસણના ચંદુભાઈ લક્ષમણભાઈ પરમાર, ચંપાબેન અરવિંદભાઈ ઓઝાત અને બ્રિલિયન્ટ અરવિંદભાઈ ઓઝાતને ઝડપી લીધા છે.

સરકારી કોલેજમાંથી મોબાઈલ ચોરાયો...
હિંમતનગરની સરકારી કોલેજની લોબીમાંથી બે દિવસ અગાઉ અજાણ્યો શખ્સ થેલામાં મૂકેલ અંદાજે રૂા. 11,500ની કિંમતના મોબાઈલની ચોરી કરી લઈ ગયો હતો. જે અંગે હિંમતનગર તાલુકાના પોલાજપુર ગામના સુરેશસિંહ ગુલાબસિંહ પરમારે તપારા કરવા છતાં ચોરી થયેલ મોબાઈલનો કોઈપત્તો ન મળતા તેમણે અજાણ્યા શખ્સ વિરુદ્ધ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ચોરાયાની ફરિયાદ નોંધાવી હતી.

બેંકે સીલ મારેલ મકાન ખોલતા ફરીયાદ...
ઈડરના લાલોડા રોડ પર આવેલ પંડ્યા સોસાયટીની બાજુના એક મકાન માલિકે ફાયનાન્સ કંપનીની લોન લઈ મકાન ખરીદ્યા બાદ તેના હપ્તા નિયમીત નહી ભરતા ફાયનાન્સ કંપનીના અધિકારીએ હિંમતનગર કોર્ટમાં કેસ દાખલ કરી મિલકત જપ્ત કરવાની કાર્યવાહી કર્યા બાદ મકાન માલિકે નિયમનો ભંગ કરી સીલ મારેલ મકાનનું તાળુતોડી અંદર પ્રવેશ કરતાં આ મકાન માલિક વિરૂધ્ધ ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ અંગે ફાયનાન્સ કંપનીમાં ફ૨જ બજાવતા અભિલાષ વિશ્વનાથ શીથાનએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ઈડરના લોલાસણ રોડ પર ૫દમસિંહ પેપસિંહ રાજગોરે ફાયનાન્સ કંપનીમાંથી અંદાજે રૂા. 14,89,189ની લોન લીધી હતી. જોકે શરૂઆતના તબક્કામાં પદમસિંહ એ કેટલાક હપ્તાની રકમ ફાયનાન્સ કંપનીને ચૂકવી હતી. તે પછીના સમયગાળા દરમ્યાન હપ્તો ભરવાનું બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ ફાયનાન્સ કંપનીએ અવારનવાર લેખિત અને મૌખિક જાણ કરીને બાકી હપ્તાની રકમ ભરપાઈ કરવા જણાવાયું હતું.

હપ્તા ન ભરતા ખાનગી ફાયનાન્સ કંપની દ્વારા કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી. મકાનને સીલ મારી દેવામાં આવ્યું હતુ. તેમ છતાં પદમસિંહએ કોર્ટના હુકમનો અનાદર કરી સીલ મારેલ મકાનના દરવાજાનું તાળુ તોડી ઘરમાં અપપ્રવેશ કર્યો હતો. જે બદલ અભિલાષ ઉન્નીથાન એ ૫રમસિંહ વિરૂધ્ધ શુક્રવારે ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી.

મુસાફરના ખિસ્સામાંથી 20 હજારની ચોરી...
ઈડર બસસ્ટેન્ડમાં ડુંગરપુર-બાડમેર બસમાં ચઢતા એક મુસાફરના ખિસ્સામાંથી અજાણ્યો શખ્સ સિફતપૂર્વક અંદાજે રૂ. 20 હજાર રોકડની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ ઈડર પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી હતી.

આ અંગે ઈડરમાં ફર્નીચરનો વ્યવસાય કરતા મહિપાલ શંકરદાન ચારણએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ તા. 3 માર્ચના રોજ સવારના સુમારે ઈડર ડેપોમાં આવીને ડુંગરપુર-બાડમેરવાળી બસમાં બેસવા જતાં હતા. ત્યારે અજાણ્યા શખ્સ સિફતપૂર્વક તેમના પેન્ટના ખિસ્સામાંથી અંદાજે રૂ. 20 હજાર રોકડા કાઢી લઈ ચોરી કરી ભાગી ગયો હતો. જે અંગે મહિપાલ ચારણને ખબર પડતા તરત જ ઈડર પોલીસ સ્ટેશનમાં જઈ અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ચીલઝડપની ફરિયાદ નોંધાવી હતી.

બાઈકમાંથી દસ્તાવેજની ચોરી...
ઈડર દામોદર કોમ્પલેક્ષમાં કામ અર્થે આવેલા ફિચોડ ગામના એક રહીશના બાઈક પર બેગમાં મૂકેલ કેટલાક અગત્યના દસ્તાવેજની ચોરી કરી અજાણ્યો શખ્સ ભાગી ગયો હતો. જેથી ફિચોડના રહીશે તેની વિરૂધ્ધ ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ અંગે ફિચોડ ગામના નટવરલાલ શંકરલાલ પટેલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ શુક્રવારે બપોર પછી તેઓ કામ માટે ઈડરના દામોદર કોમ્પ્લેક્ષમાં બાઈક લઈને આવ્યા હતા. દરમ્યાન તેમની થેલીમાં રૂ. 2 હજાર રોકડા, પાસબુક, ચેકબુક, એટીએમ કાર્ડ, આધારકાર્ડ અને પાનકાર્ડ તથા ચૂંટણીકાર્ડ તથા ડ્રાઈવીંગ લાયસન્સ હતા. જે બેગની ચોરી કરી લઈ ગયો હતો. જેથી નટવરલાલ પટેલે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...