જાદરના મુધણેશ્વરના મેળાનો અંત:સાબરકાંઠામાં આયોજિત ત્રિદિવસીય મેળાનો આજે છેલ્લો દિવસ; એક લાખથી વધુ શ્રીફળ વધેરાયા

સાબરકાંઠા (હિંમતનગર)એક મહિનો પહેલા

સાબરકાંઠાના ઇડર તાલુકાના જાદરમાં ભાદરવા મહિનાના બીજા સોમવારથી પ્રારંભ થતા ત્રિદિવસીય મેળાનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે બે દિવસમાં બે લાખથી વધુ ભક્તો આવ્યા અને એક લાખથી વધુ શ્રીફળ વધેરાયા છે. તેવું જાદર પંચાયતના ક્લાર્ક રમેશભાઈ પરમારે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું. પંચાયત દ્વારા આ મેળાનું આયોજન કરાયું છે. જેમાં 440 સ્ટોલ હરાજીથી આપ્યા છે. જેને લઈને 18 લાખ જેટલી આવક થઇ છે. તો મેળા માટે એસટી વિભાગ દ્વારા 25 મીનીબસ મુકવામાં આવી છે. સુરક્ષાને લઈને 350 પોલીસ કર્મીઓ છે. જેમાં PSI -૨, SRP, હોમગાર્ડ, જીઆરડીનો સમાવેશ થાય છે. મેળામાં નાના-મોટા 12 ચગડોળ છે.પંચાયત અને સફાઈ કર્મીઓ દ્વારા સફાઈ અને શૌચાલયની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આજે મેળો પૂર્ણ થયા બાદ સફાઈ કર્મીઓ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે. અને કચરો બનાવેલ ડમ્પિંગ સાઈટ પર એકઠો કરાશે.

સાબરકાંઠાના ઇડર તાલુકાના જાદર ખાતે બિરાજીત મુધણેશ્વર દાદાનુ સ્વયંભૂ શિવલિંગ આવેલું છે. આ મંદિર ખાતે ભાદરવા મહિનાના બીજા સોમવારથી ત્રણ દિવસ સુધી ઈડર સહિત આસપાસના લોકો અહીં બાધા સ્વરૂપે માનતા માની મેળાનું લાહવો લેતા હોય છે. પશુઓ તથા માણસોને ઝેરી જનાવરનું ઝેર શરીરમાં વ્યાપી હોય ત્યારે દાદાની બાધા રાખવામાં આવતી હોય છે. અને દાદા ખુદ શરીરમાંથી ઝેર પોતે પીતા હોય તેવી એક માન્યતા સાથે જાદર મેળો પ્રસિદ્ધ બન્યો છે. પૌરાણિક મંદિરને હાલ તો આકર્ષક રૂપ આપવામાં આવ્યું છે. સાથે જ આ મંદિર 700 વર્ષ પૌરાણિક હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.

મુધણેશ્વર દાદાના દર્શને આસપાસના લાખો શ્રદ્ધાળુ દાદાના ચરણોમાં આવતા હોય છે સાથે જ રોજેરોજ લાખો કરતા વધુ શ્રીફળ વધેરવામાં આવતા હોય છે.તો માન્યતા મુજબ શ્રદ્ધાળુઓ માનતા પણ માનતા હોય છે. અને દાદા આ તમામ મનોકામનાઓ પૂરી કરતા હોય તેવું પણ શ્રદ્ધાળુ માની રહ્યા છે. જોકે હાલ તો મેળામાં અને દાદાના દર્શને લાખોનું માનવ મહેરામણ ઉમટી રહ્યું છે. બીજી તરફ તંત્ર દ્વારા પણ મેળામાં પૂરતી સુવિધાઓ સહિત સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...