હિંમતનગરના બેરણા રોડ પર બપોરના સમયે ઘર બહાર બોર લેતી મહિલાના ગળામાંથી બાઈક પર આવેલ શખ્સ સોનાનો દોરો તોડી ફરાર થઇ ગયો હતો.જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.આ અંગે એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં બે શખ્સો સામે ફરિયાદ નોધાઈ છે.
તસ્કરોની તસ્કરી CCTVમાં કેદ
આ અંગેની વિગત એવી છે કે બેરણા રોડ પર આવેલ ગુલમહોર ફ્લેટની બાજુમાં વલ્લભ રેસિડેન્સીમાં 27 નંબરમાં રહેતા ઉષાબેન રાજેશકુમાર પરમાર ઘર બહાર બોર લેવા માટે બપોરના 3 વાગે આવ્યા હતા. બોર વેચવા વાળી પાસે ઉષાબેન બેસ્યા હતા અને બોર લેતા હતા તે સમયે તેમના ઘર આગળથી બાઈક પર બે શખ્સો પસાર થયા હતા. જેમાં ચાલક હેલ્મેટ પહેરેલો હતો અને પાછળ સવાર યુવક મોઢે માસ્ક પહેરેલો હતો. ત્યારબાદ બાઈક પર સવાર માસ્ક પહેરેલો યુવક પાછો ચાલતો ઘર આગળ આવ્યો હતો અને હાથમાં બોર લીધું ત્યાર બાદ ચાખ્યું અને મોકો જોઈને મહિલાને માથાના ભાગેથી પકડી માથું નીચે દબાવી ગાળામાં પહેરેલો સોનાનો એક તોલાનો દોરો તોડીને ભાગી ગયો હતો. આ દોરાની કિંમત 53 હજાર રૂપિયા છે. મહિલા અને બોર વેચવાવાળી મહિલા બુમો પાડી તેની પાછળ દોડી હતી, પરતું અજાણ્યો શખ્સ દોડી બાઈક પર બેસી નાસી ગયો હતો. આ બનાવ અંગે હિંમતનગર એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી અને ભોગ બનનારી મહિલાના ઘરે લગાવેલા સીસીટીવીના ફૂટેઝ કબજે લઈને પોલીસે સ્ટેશનમાં ઉષાબેનની ફરિયાદના આધારે બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઘર આગળથી બાઈકની ચોરી
હિંમતનગરના ગાયત્રી મંદિર રોડ પર આવેલી નવદુર્ગા સોસાયટીમાં છ નંબરના મકાનમાં રહેતા શુભમકુમાર મુકેશભાઈ ડબગના ઘર આગળ 11 જાન્યુઆરીની રાત્રીએ પાર્ક કરેલી બેટરીવાળી ઓરેવા ઈ બાઈક 40 હજારનું ચોરી થઈ જતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
શાળામાં તસ્કરો ત્રાટક્યા
તલોદના ભરડીયા છાપરા ગામે આવેલી પ્રાથમિક શાળામાં 11 જાન્યુઆરીની રાત્રે તસ્કરોએ ત્રાટકી મધ્યાહન ભોજન યોજનાના રૂમનું તાળું તોડી ભારત ગેસની એલપીજીની ખાલી બોટલ 1000 અને ભરેલ બોટલ 1500, તેલનો ભરેલો એક ડબ્બો 2200નો મળી કુલ 4700 રૂપિયાની મત્તાની ચોરી કરી લઈ ગયા હતા. જે અંગે શાળાના મુખ્ય શિક્ષક અંકિતા રમેશભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.