હિંમતનગર તાલુકાના હડિયોલ બસ સ્ટેશન નજીક રોડની સાઇડમાં પાર્ક કરેલી એક કારનો કાચ તોડી કોઇ ગઠીયો પાછળની સીટમાં મુકેલા પર્સમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી નાસી ગયો હતો. જેની હિંમતનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રૂપિયા 2,11,500ના દાગીનાની ચોરી અંગેની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, પ્રાંતિજ તાલુકાના અંબાવાડા ગામના જીજ્ઞેશકુમાર ભીખાભાઇ પટેલ સવાપુર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. તેમના ભાણીયાના લગ્નનો પ્રસંગ હોવાથી તેઓ છેલ્લા બે દિવસથી હડિયોલ ગામમાં આવ્યા હતા. 27 નવેમ્બરના રોજ તેમની પત્ની તથા બાળકોને લેવા માટે ગાડી લઇને સાંજના 6 વાગ્યાના સુમારે આકોદરાથી નીકળી હડિયોલ ખાતે આવ્યા હતા અને તેમની કાર હડિયોલ ગામ બસ સ્ટેશન નજીક રોડની સાઇડમાં પાર્ક કરી તેમના પરિવારને લેવા માટે ગયા હતા.
જીજ્ઞેશ પટેલ પોતાના પરિવારને લઇને ગાડીની નજીક આવતાં પાછળના દરવાજાનો કાચ તુટેલો જોવા મળ્યો હતો. જેથી જીજ્ઞેશભાઇએ બુમાબુમ કરતાં તેમનો ભાણીયો સિધ્ધાર્થ ધનજી પટેલ સહિત લોકો દોડી આવ્યા હતા અને ગાડીમાં જોતા પાછળની સીટમાં મુકેલ સરસામાન ફેદી નાખેલ જોવા મળ્યો હતો. તેમજ તેમના પત્ની ગૌરીબેનના પર્સમાં રાખેલા સોનાનું મંગળસુત્ર કિંમત રૂપિયા 1,17,500, સોનાની બુટ્ટી, સોનાની વિંટી, સોનાનું ડોક્યુ મળી કુલ રૂપિયા 2,11,500ના દાગીનાની ચોરી કરીને ગઠીયો નાસી ગયો હોવાનું માલુમ પડયું હતું. ચોરીના બનાવ અંગે જીજ્ઞેશ પટેલે હિંમતનગર એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.