સાબરકાંઠા જીલ્લાનાં હિમતનગરના હાથમતી વિયરમાંથી નદીમાં વહેતા પાણીનો સદુપયોગ કરી હાથમતી કેનાલમાં નાખીને પ્રાંતિજની બોખ ભરવામાં આવી રહી છે. જેને લઈને લીમલા અને કરોલ ડેમ પણ ભરાશે. જેથી આસપાસના ગામડાઓમાં કુવા અને બોરના પાણીના તળ ઊંચા આવશે. હિંમતનગરના મહાવીરનગરથી છાપરીયા સુધીની હાથમતી કેનાલ પર કેનાલ ફ્રન્ટ બનાવામાં આવ્યો છે. જે શહેરની રોનકમાં વધારો કરી રહ્યો છે, ત્યારે ખાલી ખમ કેનાલમાં પાણી વહેતા કેનાલ ફ્રન્ટ જીવંત થયો છે. જેને લઈને વહેલી સવારે અને સાંજે શહેરીજનોનું આકર્ષણનું કેન્દ્ર બન્યો છે
વહી જતા પાણીનો સદઉપયોગ કરાયો
પ્રાંતિજની બોખ, લીમલા અને કરોલ ડેમમાં પાણી ભરાવવાથી આજુબાજુના ગામોમાં બોર કુવાના તળ ઊંચા આવે છે, જેને લઈને ખેતી ઉપયોગ થઇ શકે છે. તો ગામોમાં પીવાના પાણીમાં રાહત રહે છે. ત્યારે હિંમતનગરની હાથમતી વિયરમાંથી નદીમાં વહી જતું પાણી કેનાલમાં વહેવડાવી પ્રાંતિજની બોખ ભરવામાં આવી રહી છે. ચોમાસું મધ્યમાં છે તો નદીમાં વહી જતું પાણીને કેનાલ થકી સંગ્રહ કરવામાં આવી રહ્યો છે.
બોખમાં પાચ દિવસમાં 150 MCFT પાણી ભરાયું
આ અંગે ટેલીફોનીક વાતચીતમાં હિમતનગર સિંચાઈ પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર ડી.કે.પટેલે જણાવ્યું હતું. કે હાથમતી કેનાલમાં છેલ્લા પાચ દિવસથી પાણી વહી રહ્યું છે તો પહેલા બે દિવસ કેનાલમાં પાણી ચાલ્યું હતું અને સિંચાઈ વિભાગ નજીક કેનાલમાં ગાબડું પડતા પાણી બંધ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ત્રણ દિવસથી પાણી શરુ કર્યું છે બે દિવસ 250 કયુસેક પાણી અને હાલમાં 145 કયુસેક પાણી કેનાલમાં છોડ્યું છે. આ કેનાલ થકી બોખ,કરોલ અને લીમલા ડેમ ભરાય છે. જેમાં અંદાજીત 700 MCFT પાણી સંગ્રહ થઇ શકે છે.અને અત્યાર સુધીમાં બોખમાં પાચ દિવસમાં 150 MCFT પાણી ભરાયું છે. જેને લઈને આસપાસના ગામના બોર,કુવાના તળ ઊંચા આવશે.
જીલ્લામાં અત્યારસુધીમાં સરેરાસ 59% વરસાદ નોંધાયો
સૌથી વધુ હિમતનગર તાલુકામાં 68.90 ટકા અને સૌથી ઓછો પ્રાંતિજ તાલુકામાં 44.91 ટકા વરસાદ નોંધાયો છે. જીલ્લાના ઇડર તાલુકામાં 59.65 ટકા, ખેડબ્રહ્મામાં 59.06 ટકા, તલોદ 50.89 ટકા, પ્રાંતિજ 44.91 ટકા, પોશીના 58.73 ટકા, વડાલી 62.01 ટકા, વિજયનગર 68.35 ટકા અને હિમતનગર તાલુકામાં 68.90 ટકા વરસાદ નોધાયો છે. જીલ્લાના જળાશયોમાં પાણીની આવક હાલમાં પણ ચાલી રહી છે. તો હાથમતી જળાશયમાં 200 કયુસેક, હરણાવ જળાશયમાં 50 કયુસેક, ખેડવા જળાશયમાં 100 કયુસેક અને જવાનપુરા બેરેજમાં 332 કયુસેક પાણીની આવક શનિવારે સવારે 8 વાગ્યા સુધીની નોંધાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.