અશાંતધારો લંબાવાયો:હિંમતનગરમાં અશાંતધારો 5 વર્ષ માટે લંબાવાયો

હિંમતનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 10 વર્ષથી અશાંતધારો અમલી છતાં પોલોગ્રાઉન્ડ ખાલી થઈ ગયું, છેલ્લા 3 વર્ષમાં જ 222 મિલકતો ટ્રાન્સફર થઈ ગઈ

હિંમતનગર શહેરના લઘુમતિ વિસ્તારને અડીને આવેલ અને 'ડિસ્ટર્બ એરીયા' તરીકે રેખાંકિત થયેલ પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં ત્રીજી વખત 5 વર્ષ માટે અશાંતધારો લંબાવાયો છે. 10 વર્ષથી અશાંતધારો અમલી હોવા છતાં ભષ્ટ તંત્રના પાપે અને વચેટીયા દલાલોની કલાકારીને પગલે મિલકતોના કબ્જા હકમાં અને મિલકત ટ્રાન્સફરમાં સરળતાથી ફેરફાર થઇ રહ્યો હોવાથી હિન્દુઓનુ સતત પલાયન થઇ રહ્યું છે અને હવે માંડ 25 ટકા જેટલો હિંદુ વિસ્તાર બાકી રહ્યો છે અને આગામી દાયકામાં આંગળીના વેઢે ગણી શકાય તેટલા પરીવારો પણ જોવા નહી મળે કારણ છેલ્લા ત્રણ વર્ષમાં તંત્રના પાપે 222 મિલ્કતો ટ્રાન્સફર થઇ ચૂકી છે.

હિંમતનગર શહેરના પોલોગ્રાઉન્ડ વિસ્તારને અડીને આવેલ લઘુમતિ વિસ્તારનો વ્યાપ વધવાની શરૂઆત 90ના દાયકામાં થઇ હતી અને આખીને આખી સોસાયટીઓ તથા પ્લોટ ખરીદી લેવાયા હતા. આ પ્રક્રિયા શરૂ થયા બાદ દોઢ દાયકામાં પોલોગ્રાઉન્ડનો અડધો અડધ હિન્દૂવિસ્તાર ઘટી ગયા બાદ વર્ષ 2012માં પોલોગ્રાઉન્ડ અને બગીચા વિસ્તારના કેટલાક સર્વે નંબરને અશાંત ધારા હેઠળ આવરી લેવાયા હતા. પ્રારંભમાં છીંડા અને કાયદાની મર્યાદાઓનો તોડ શોધી ન શકાતા થોડું ઘણુ નિયંત્રણ જોવા મળ્યુ હતુ. પરંતુ વચેટીયા દલાલોએ તેના પણ તોડ શોધી કાઢતા મિલકતોના કબ્જા-હકમાં ઝડપથી ફેરફાર થવા માંડ્યો હતો અને હિન્દુઓના પલાયનમાં ઝડપ આવી હતી. પોલોગ્રાઉન્ડના 150 થી વધુ પ્લોટ અને 158થી વધુ મકાનોના દસ્તાવેજ, કબ્જા હક ફેરફાર, પાવર ઓફ એટર્ની થઇ ગયા હતા.

આ પ્રથમ તબક્કામાં થયા બાદ છેલ્લા 3 વર્ષમાં વધુ 222 મિલ્કતો ટ્રાન્સફર થઇ ગઇ, અશાંતધારો અમલી હોવા છતાં ! પોલોગ્રાઉન્ડમાં છેલ્લા ત્રણ વર્ષમાં સતત ઘટી રહેલ હિંદુ વિસ્તારની જાણ હોવા છતાં કથિત હિંદુ સંગઠનો, શાસક પક્ષ વગેરે દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ વિરૂધ્ધ અવાજ સુધ્ધા ઉઠાવાયો નથી. પોલોગ્રાઉન્ડમાં અશાંતધારો અમલી થતા કેટલી મિલકતો ટ્રાન્સફર થઇ છે તે બાબતે સીટી સર્વે કચેરી સૂત્રોના જણાવ્યાનુસાર છેલ્લા 3 વર્ષમાં પોલીસ અને પાલિકા સહિતના અભિપ્રાય બાદ કલેક્ટરની મંજૂરીથી અશાંતધારા વિસ્તારમાં 222 મિલકતો વેચાણ દસ્તાવેજ બાદ ટ્રાન્સફર કરાઈ છે.

નગરપાલિકા, સીટી સર્વે અને પોલીસના તમામ અભિપ્રાય શંકાના દાયરામાં
અશાંતધારો અમલી હોવાના કિસ્સામાં મિલકત વેચાણ - તબદીલ સમયે કલેક્ટરની મંજૂરી લેવાની હોય છે અને અરજી થયા બાદ પાલિકા સર્ટીસર્વે તથા પોલીસના અભિપ્રાય માંગવામાં આવે છે જેમાં પડોશીને કોઇ વાંધો છે કે નહી મતલબ તેની સંમતિની જરૂરી હોય છે ત્રણેય વિભાગના અભિપ્રાય બાદ કલેક્ટર નિર્ણય કરે છે અત્યાર સુધીમાં થયેલ પ્રક્રિયામાં સાક્ષીઓની સહીઓ પણ તપાસનો વિષય છે. રૂપિયાની લ્હાયમાં ભ્રષ્ટકર્મીઓએ પોલોગ્રાઉન્ડ - અલકાપુરી વિસ્તારનુ રંગરૂપ બદલી કાઢયુ છે.

આ વિસ્તારોમાં અશાંતધારો અમલી છે
પ્લોગ્રાઉન્ડમાં પંચદેવ મંદિર, રાજેન્દ્રબાગ-તબેલાવિસ્તાર, અંબરસીનેમા, કેસરવિલાસ, વ્યાપરભાવન, હનુમાનજીમંદિર, મેમણકોલોની, સર્વોદયબેન્ક, બગીચાવિસ્તાર, સ્વામિનારાયણ મંદિર વિસ્તાર

અશાંતધારા ભંગ બદલ સજાની શું જોગવાઇ
અશાંતધારાનો ભંગ સાબિત થાય તો 3 થી 5 વર્ષની જેલની સજા અને રૂ.1 લાખનો દંડ અથવા તબદીલ થયેલ મિલકતના જંત્રીના ભાવની 10 ટકા રકમ બંને માંથી જે વધુ હોય તે દંડ પેટે ચૂકવવાની હોય છે.

અશાંત ધારા પરીસરની 500 મીટરમાં આવેલ મિલકતોના ખરીદ વેચાણ માટે પણ બાધ્ય
અશાંત ધારો અમલી હોય તેવા વિસ્તારોમાં મિલકતની ખરીદી અને વેચાણ તથા તેની 500 મીટરના પરીસરમાં આવેલ મિલકતોના ખરીદ વેચાણ માટે પણ આ કાયદો બાધ્ય ન બને છે આ સુધારો 15 ઓક્ટોબર 2020થી અમલી બનાવાયો છે.

અશાંતધારાની સૌથી મહત્વની જોગવાઇ
અશાંતધારાની જોગવાઇઓમાં ભષ્ટ તંત્રને ઓળખી ગયેલ સરકાર દ્વારા સતત સુધાર કરાઇ રહ્યો છે જેમાં સૌથી મહત્વની જોગવાઇ એ કરાઇ છે કે મિલકતના વ્યવહારમાં બંને પક્ષની મૂક સંમતિ હોય તેમ છતાં કોઇ એક સમુદાયની વસ્તી જે તે વિસ્તારમાં વધી જતી નથી તેની તકેદારી રાખવાની જવાબદારી કલેક્ટરની છે અને ત્યારબાદ જ તબદીલીની મંજૂરી આપી શકાય છે.

કયા કયા સર્વે નંબર
1. 441,458,459,619,621,1355,1356
2.1656 થી 1684, 2605 થી 2687
3.4514 થી 4519, 4526 થી 5407

અન્ય સમાચારો પણ છે...