ભાસ્કર ઈમ્પેક્ટ:ઇડરના મણીયોરના સીમાડામાં તળાવની માટી ખેતરમાં નાખી કૌભાંડનું ફીંડલું વાળ્યું

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોરી ઉપર સે સીનાજોરી: સ્થાનિક રાજકારણી આગળ નત મસ્તક ખાણખનીજની નામ પૂરતી કાર્યવાહી
  • ગ્રામજનોના જણાવ્યાનુસાર માટી ભરીને ફરતા વાહનો પર સુજલામ સુફલામના સ્ટીકર લગાવી કૌભાંડ કરાય છે, જેનો પર્દાફાશ થતાં સ્થાનિક રાજકારણીએ સ્થાનિકોને ધમકાવાનુ પણ શરૂ કર્યું છે
  • મામલતદાર, ખાણખનીજ જવાબદારીમાંથી છટકવા એકબીજાને ખો આપે છે

ઇડરના મણીયોર - સુરપુર વચ્ચે આવેલ કઇણાપુર તળાવમાંથી હજારો ટન માટી ઉલેચવાના કૌભાંડનો પર્દાફાશ થયા બાદ કાર્યવાહી કરવા મજબૂર બનેલ ખાણખનીજ વિભાગે સ્થાનિક રાજકારણી આગળ નતમસ્તક બની તળાવની માટી એક ખેતરમાં નાખી હોવાનુ પંચનામું કરી આખાયે કૌભાંડનું ફીંડલુ વાળી નાખ્યું છે ત્યારે કલેક્ટર દ્વારા પારદર્શી તપાસ હાથ ધરી પ્રજાનો તંત્ર પર વિશ્વાસ ટકી રહે તેવા પ્રયાસ કરવા જરૂરી બની રહ્યા છે.

જિલ્લામાં માટી ચોરીનું નેટવર્ક - નેક્સસ ખુલ્લેઆમ ચાલું છે. કન્સ્ટ્રક્શન સાઇટો, રોડ-હાઇવે કામગીરીનું પૂરાણ વગેરેમાં રાજકીય આશીર્વાદથી માટી ચોરીને અંજામ આપવામાં અાવી રહ્યો છે. ઇડરના મણીયોરના સીમાડામાં કઇણાપુર તળાવમાં ગત શિયાળાથી માટી - ખોદકામ થઇ રહ્યાની બૂમ ઉભી થઇ છે.

તળાવાની પાળે આવેલ સુરપુર ગામના ખેતરોના કૂવામાંથી પાણી અદ્રશ્ય થઇ ગયા છે. ગ્રામજનોના જણાવ્યાનુસાર માટી ભરીને ફરતા વાહનો ઉપર સુજલામ સુફલામના સ્ટીકર લગાવી આ કૌભાંડ આચરવામાં આવી રહ્યુ છે જેનો પર્દાફાશ થતા સ્થાનિક રાજકારણીએ હરકતમાં આવી લોકોને ધમકાવાનુ પણ શરૂ કર્યું હતું. ચોરી અને સીનાજોરીની સ્થિતિ પેદા થતા ભારે આક્રોશ પેદા થયો છે.

તળાવ ઊંડું કરવાીન કોઇ જાણ નથી: મામલતદાર
ઇન્ચાર્જ ઇડર મામલતદાર નિમેશ પટેલે જણાવ્યું કે આ કામગીરી સિંચાઇ વિભાગ હસ્તક હોય છે અને તળાવ ઊંડુ કરવા અંગે કોઇ આધિકારીક જાણ કરાઇ નથી.

ખેતરમાં માટી નાખવામાં આવી છે: ખાણખનીજ
ખાણખનીજના માઇન સુપરવાઇઝર મહેન્દ્રકુમાર સુથારે જણાવ્યુ કે આજે શુક્રવારે સ્થળ પર જઇ પંચનામુ- રોજકામ કરાયુ છે અને તળાવમાં ખોદકામ કરી મણીયોર ગામના વિષ્ણુભાઇ પટેલના ખેતરમાં માટી નાખવામાં આવી છે તેમનો જવાબ પણ લેવડાવ્યો છે. કેટલી માટી ઉલેચાઇ, કેટલા વાહનો, હીટાચી સીઝ કરાયા વગેરે બાબતે સ્પષ્ટતા કરવા ઇન્કાર કરી દીધો હતો.

કોઇ વર્ક ઓર્ડર અપાયો નથી: સિંચાઇ વિભાગ
સિંચાઇ વિભાગના નિકેત મહેતાએ જણાવ્યું કે કોઇ વર્ક ઓર્ડર અપાયો નથી. વિભાગ દ્વારા જ્યારે પણ વર્ક ઓર્ડર અપાય છે ત્યારે મામલતદાર, જે તે ગ્રામ પંચાયત અને ખાણખનીજ વિભાગને પણ જાણ કરાય છે.

કૌભાંડને દબાવવા ખાણખનીજની નામ પૂરતી કાર્યવાહી
સામાન્ય રીતે વિભાગ દ્વારા સ્થળ તપાસ કરાય છે અને ચોરી થતી હોય તો વાહનો સીઝ કરાય છે હીટાચી જેવા વાહનો હવામાં ઓગળી જતા નથી. ખાણખનીજ વિભાગ દ્વારા ખૂલાસારૂપ નામ પૂરતી કાર્યવાહી થતાં સ્થાનિકોએ રાજકીય દબાણ હેઠળ તંત્ર નતમસ્તક બની ગયાનો સીધો આક્ષેપ કરતાં ખળભળાટ મચી ગયો છે. તળાવમાં હકીકતમાં કેટલા ફૂટ ઊંડું ખોદકામ થયુ છે તેની કલેક્ટરે મુલાકાત લઇ આંકલન કરવા માંગ ઉભી થઇ છે અને સત્ય બહાર આવશે તો જ લોકોનો તંત્રના વહીવટ પર વિશ્વાસ જળવાઇ રહેશે.

અન્ય સમાચારો પણ છે...