સાબરકાંઠામાં આચારસંહિતાનો અમલ:ચાર વિધાનસભા માટે 5 ડિસેમ્બરે બીજા તબક્કામાં મતદાન થશે; ચૂંટણી વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ

સાબરકાંઠા (હિંમતનગર)એક મહિનો પહેલા

સાબરકાંઠા જિલ્લામાં વિધાન સભાની ચૂંટણીઓની જાહેરાત થતા આદર્શ આચારસંહિતા અમલી બની છે. ત્યારે નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજવા જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ બન્યું છે. હિંમતનગર, ઇડર, પ્રાંતિજ, ખેડબ્રહ્મા એમ ચાર વિધાન સભા બેઠકો પર ચૂંટણીની જાહેરાત થતા ચૂંટણી વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

ચૂંટણી જાહેર થતા આજે ગુરૂવારથી જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલી બનેલી છે. જેમાં જિલ્લામાં પોસ્ટર, બેનર્સ અને હોર્ડિગ્સ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આદર્શ આચારસંહિતાના અમલમાં નિષ્પક્ષ રીતે ચૂંટણી કાર્યવાહી થાય તે માટે ચૂંટણી સંબંધી કોઇપણ ફરિયાદ મતદાર સંબંધી હેલ્પીલાઇન સી-વિઝીલ મોબાઇલ એપથી પણ ફરીયાદ કરી શકાશે, જેમાં 100 મિનિટમાં ફરીયાદનું નિવારણ કરાશે. હિંમતનગરમાં વિધાનસભા વિસ્તારમાં 338, ઇડરમાં 353, ખેડબ્રહ્મામાં 327 અને પ્રાંતિજમાં 305 મળી કુલ 1323 મતદાન મથકો કાર્યરત થશે. જેમાં જિલ્લાના 5 લાખ 67 હજાર 353 પુરૂષ, 5 લાખ 41 હજાર 337 સ્ત્રી તેમજ 32 અન્ય એમ મળી જિલ્લાના કુલ 11 લાખ 08 હજાર 722 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ તા. 05 ડિસેમ્બર, 2022ના રોજ કરશે. જેમાં 80 વર્ષથી વધુ વય ધરાવતા 19 હજાર 686 જ્યારે 9 હજાર 879 દિવ્યાંગ મતદારોનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે 31 હજાર 76 યુવા મતદારો પ્રથમવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જાહેરનામું બહાર પાડવાની તારીખ. 10 નવેમ્બર, ઉમેદવારીપત્રકો ભરવાની 17 નવેમ્બર, ઉમેદવારીપત્રકોની ચકાસણીની 18 નવેમ્બર, ઉમેદવારીપત્રક પરત ખેંચવાની છેલ્લી તારીખ 21 નવેમ્બર રહેશે. 05 ડિસેમ્બરના રોજ મતદાન અને 08 ડિસેમ્બરના રોજ મતગણતરી થશે. ચૂંટણીપ્રક્રિયા 10 ડિસેમ્બરે પૂર્ણ થશે.

ચૂંટણી ખર્ચ પર નિયંત્રણ રાખવા ફરિયાદ નિવારણ કમિટી તથા ચૂંટણી ખર્ચ પર દેખરેખ નિયંત્રણ રાખવા જિલ્લા ખર્ચ નિયંત્રણ કમિટીની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત વિડીયો સર્વેલન્સર-વ્યૂઇંગ, ફ્લાઇંગ સ્કવોડ, સ્ટેટિક સર્વેલન્સ, એકાઉન્ટીંગની ટીમ કામગીરી કરશે. સાબરકાંઠા જિલ્લાસમાવિષ્ટ ચાર વિધાનસભાના 28 મતદાન મથકો પર સંપૂર્ણ મહિલા કર્મચારીઓ ફરજ બજાવશે. જ્યારે હિંમતનગરના પેથાપુર, ઇડરના ચોરીવાડ, પ્રાંતિજના ઝીંઝવા અને ખેડબ્રહ્માના ખેડબ્રહ્મા શહેર મતદાન મથક સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી મતદાન મથક બનાવાશે. હિંમતનગરના હડીયોલ, ઇડરના નેત્રામલી, પ્રાંતિજના બાકરપુર અને ખેડબ્રહ્માના શહેરી વિસ્તારના મતદાન મથકમાં મોડૅલ મતદાન મથક ઉભું કરાશે.

તો હિંમતનગરના ડીઆઇએલઆર મતદાન મથક, ઇડરની ઇડર પ્રાથમિક શાળા, ખેડબ્રહ્માની કે.ટી હાઇસ્કૂલ અને પ્રાંતિજના મહિયલ મતદાન મથકમાં દિવ્યાંગ કર્મીઓ ફરજિયાતત રહેશે. ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના ચાંગોદ મતદાન મથકમાં સૌથી વધુ 1508 મતદારો જ્યારે હિંમતનગરના વેજલપરના મઠમાં સૌથી ઓછા 67 મતદારો નોંધાયા છે. જિલ્લાના કુલ મતદાન મથકો પૈકી 661 મતદાન મથકોમાં વેબકાસ્ટીંગ કરાશે. હિંમતનગરના 80, ઇડરના 85, ખેડબ્રહ્માના 86 અને પ્રાંતિજના 97 મળી કુલ 348 સંવેદનશીલ જાહેર કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...