ભારે હાલાકી:હિંમતનગરના પીપળીયા ગામમાં દલિતોના સ્મશાનનો મુદ્દો ઘોંચમા

હિંમતનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંતિમ સંસ્કાર માટે દલિત સમાજ પારાવાર હાલાકીનો સામનો કરવા મજબૂર
  • સાડા ત્રણ વર્ષથી જિલ્લા પંચાયત અપીલ સમિતિએ મનાઇ હુકમ ઉઠાવી લેવા અને સ્મશાન માટે જમીન નીમ કરવા આદેશ કરવા છતાં પરિણામ શૂન્ય

હિંમતનગર તાલુકાના પીપળીયામાં વર્ષ 2016 માં અનુસૂચિત જાતિના લોકો માટે પેઢમાલા પંચાયતમાં ઠરાવ કરાયા બાદ સ્મશાનનો મામલો તા.પં.માં પહોંચતા મનાઇ હુકમ મળ્યો હતો પરંતુ જી.પં. અપીલ સમિતિએ વર્ષ 2019 માં મનાઇ હુકમ ઉઠાવી લેવા અને સ્મશાન માટે જમીન નીમ કરવા આદેશ કર્યો હોવા છતાં ગામના દલિત સમાજના લોકોને સાડા ત્રણ વર્ષ બાદ પણ પરીજનોની અંતિમ વિધિ માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

પેઢમાલા ગૃપ ગ્રામ પંચાયતમાં સમાવીષ્ટ રામપુર ગામની સર્વે નં.497 પૈકી 1 ની જમીન ગામતળ નીમ થયા બાદ પેઢમાલા પંચાયતે તા.16/11/16 ના ઠરાવ નં.7 થી આ જમીનમાં પીપળીયા ગામના અનુસૂચિત જાતિના લોકો માટે સ્મશાન બનાવવા ઠરાવ કરવામાં આવ્યો હતો. જેનાથી નારાજ થઇને અરજી કરાતા તા.25/05/18 ના રોજ મનાઇ હુકમ અપાયા બાદ જિ.પં. અપીલ સમિતિમાં વિવાદ અરજી થતા ટીડીઓ અને અરજદારોના નિવેદનો ધ્યાને લઇ અપીલ સમિતિએ તા.04/02/19 ના રોજ મનાઇ હુકમ ઉઠાવી લેવા અને અનુસૂચિત જાતિના લોકોના સ્મશાન માટે જમીન નીમ કરવા આદેશ કર્યો હતો.

નોંધનીય છે કે દલિત સમાજના સ્મશાન માટે ધારાસભ્યએ ગ્રાન્ટ પણ ફાળવી છે સાડા ત્રણ વર્ષ જેટલો સમય વીતી જવા છતા દલિત સમાજને સ્મશાનની સુવિધા મળી નથી અને હાલમાં વૈકલ્પિક જે જગ્યાએ અંતિમ વિધિ કરાય છે ત્યાં જવાના માર્ગ વચ્ચે ચેકડેમ બનાવી દેવાયો છે જેમાં પાણી ભરાવાની સ્થિતિમાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ અંગે પેઢમાલા ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ દક્ષાબેન નિર્મલસિંહ ઝાલાએ જણાવ્યુ કે જમીન અમારી પંચાયતમાં આવે છે અને રેકર્ડ રૂપાલ પંચાયતમાં પડ્યુ છે. પંચાયત રેકર્ડ સોંપતી નથી જેથી ટીડીઓને રજૂઆત કરી છ.

અન્ય સમાચારો પણ છે...