કારણો વગર માતા બે બાળકોને તરછોડી જતી રહી હોવા અંગે અને પિતા માનસિક અસ્થિર હોવાનું કારણ આગળ ધરી કોર્ટને ગુમરાહ કરીને માતા પાસેથી ભરણપોષણ મેળવવાનો હુકમ કરાવી લીધા હોવાનો ભાંડો ફૂટતાં પિતા, બે ઈષ્ટ મિત્ર અને ભરણપોષણની અરજી ચલાવનાર વકીલ સામે ગુનો નોંધવા કોર્ટે હુકમ કરતાં ખળભળાટ મચી ગયો છે.
મહેસાણામાં વકીલાત કરતા અમૃતપુરી ચંચલપુરી ગોસ્વામીના બે સગીર બાળકોનું ભરણપોષણ મેળવવા ઇષ્ટ મિત્ર તરીકે એટલે કે બાળકો તેમની પાસે રહેતા હોવાની વિગત સાથે અને પિતા માનસિક અસ્થિર હોવાનું કારણ આગળ ધરી તથા બાળકોની માતા ગંગાબેન ગોસ્વામી બાળકોને કોઈપણ કારણ વગર છોડીને જતા રહ્યા હોવાના આક્ષેપ સાથે તલોદ કોર્ટમાં વર્ષ 2009થી ભરણપોષણની અરજીઓ કરાઈ હતી અને ગંગાબેન હાજર રહેતા ન હોઇ વર્ષ 2014માં બંને સગીર બાળકોને રૂ.3-3 હજાર ભરણપોષણ ચુકવવા હુકમ થયો હતો જેના અનુસંધાને તા.27-01-14ના રોજ ગુજરાત હાઇકોર્ટમાં રિવિઝન અરજી દાખલ થતાં આંચકાજનક વિગતો બહાર આવી હતી.
તમામ વિગતો લઈને તા.29-12-18ના રોજ ગંગાબેન ગોસ્વામી તેમના વકીલ સાથે કોર્ટમાં હાજર થયા હતા અને અરજદારના જૂઠ્ઠાણાનો પર્દાફાશ કરી રજૂઆત કરી હતી કે બાળકોના જૈવિક પિતા અમૃતપુરી ચંચલપુરી ગોસ્વામી માનસિક અસ્થિર નથી તેઓ પોતે મહેસાણામાં વકીલાત કરે છે અને તાલુકા બાર એસોસિએશનના પ્રમુખ પણ છે તથા પાટણ અને મહેસાણા કોર્ટમાં તેમની સામે ભરણપોષણની અરજીઓ કરેલ હોય એમાંથી છટકવા આ કારસો ઘડી કાઢી કોર્ટને ગુમરાહ કરાઈ છે અને બાળકો પણ એમના એટલે કે પિતાના સંરક્ષણ અને તેમની સાથે જ છે.
તમામ વિગતોનો પર્દાફાશ થતાં જુઠ્ઠાણું પકડાઈ જતાં પાછળથી બીજા ઇષ્ટ મિત્ર તરીકે જોડાયેલ ફોઈ શાંતાબેન પોપટપુરી ગોસ્વામીએ ઉલટ તપાસમાં અમૃતપુરી ગોસ્વામી વકીલાત કરતા હોવાનું સ્વીકાર્યું હતું. કોર્ટે રજૂ થયેલ પુરાવા અને હકીકતને આધારે નોંધ્યું છે કે અરજદારો સાચા હૃદય અને ચોખા હાથે આવ્યા નથી તેમના વકીલે પણ જાણતા હોવા છતાં સત્ય છુપાવી કોર્ટ ને ગુમરાહ કરી છે જે ન્યાયના હિતમાં નથી અને દાખલારૂપ કાર્યવાહી થવી જરૂરી છે કોર્ટના આદેશ બાદ તલોદ ફર્સ્ટ કલાસ જ્યું. મેજી.કોર્ટના શિરસ્તેદાર લલિતકુમાર મોતીભાઈ રાજને તમામ ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
વકીલ પિતા સહિત આમની સામે ફરિયાદ નોંધાઇ
1.સુરેશપુરી મહાદેવપુરી ગોસ્વામી (ઇષ્ટમિત્ર)
2.શાંતાબેન પોપટગીરી ગોસ્વામી (ફોઈ-ઇષ્ટમિત્ર)
3.અમૃતપુરી ચંચલ પુરી ગોસ્વામી (પિતા અને મહેસાણામાં વકીલાત કરનાર અને મહેસાણા તાલુકા બાર એસો. પ્રમુખ)
4.મિતુલકુમાર ડાહ્યાભાઇ મિસ્ત્રી (વકીલ) તમામ રહે. તલોદ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.