ગણતરીના કલાકોમાં કાર્યવાહી:ગાંભોઈ ત્રણ રસ્તે 15 હજારની ધાડની ફરિયાદ કરનાર ચાલક જ આરોપી નીકળ્યો, 2ની અટક

હિંમતનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શુક્રવારે ટ્રકમાંથી પાવડરની થેલીઓ રસ્તામાં પડી જતાં નુકસાનની ભરપાઈ ન કરવી પડે એટલે ડ્રાયવરે તરકટ રચ્યું હતું
  • તલોદ પોલીસે 7 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો

શુક્રવારે મળસ્કે 2:30 થી 3:30 કલાક દરમિયાન રણાસણ ચોકડીથી ગાંભોઈ ત્રણ રસ્તા પહોંચેલ પાવડર ભરેલી ટ્રકના ડ્રાયવર-ક્લીનરને મારમારી રૂ.15 હજારની ધાડનો ગુનો નોંધાયા બાદ એલસીબીએ ગણતરીના કલાકોમાં ઉપજાવી કાઢેલ ફરિયાદનો ભેદ ઉકેલી નાખતાં ટ્રકમાંથી પાવડરની થેલીઓ રસ્તામાં પડી જતા નુકસાનની ભરપાઈ કરવી ન પડે તે હેતુસર ખોટી ફરિયાદ નોંધાવી હોવાની ડ્રાયવરે કબૂલાત કરી હતી. પોલીસે ચાલક અને ક્લીનરની ધરપકડ કરી હતી.

એલસીબી પીઆઇ એમ.ડી. ચંપાવતે જણાવ્યું કે તા.05-08-22 ના રોજ તલોદ પોલીસ સ્ટેશનમાં વિક્કરસીંગ લખવીંદર સીંગ શીખ (29) (રહે. નારાયણપુરા અહલાદ તા. મહામદી જી. લખીમપુર ખીરી ઉ.પ્ર.) એ ફરિયાદ નોંધાવી હતી કે તા.04-08-22 ના રોજ મોડી સાંજે ઇસનપુર નરોડાથી ટ્રક નં. એચ.આર-46-ડી-5987 માં પાવડરની 1430 બેગ ભરીને હરિયાણા જવા ક્લીનર નિસાર ખુશ્બુદ્દીન ગાજી (19) (રહે. પીસ્ટીયા તા.શાહવાદ જી. હરદોઇ ઉત્તર પ્રદેશ) ને સાથે લઇ નીકળ્યો હતો અને રાત્રે અઢી વાગ્યે રણાસણ ચોકડી પર બમ્પ આવતા ટ્રેલર ધીમુ પાડતાં 25 થી 30 વર્ષના બે શખ્સો કેબિનમાં ચઢી ગયા હતા.

ગાડી રોકવાનું કહેતાં ટ્રેલર રોક્યુ ન હતું અને સાડા ત્રણેક વાગ્યે ગાંભોઈ ચોકડી પહોંચતા જાનથી મારી નાખવાની ધમકી આપતાં ડ્રાયવરે ટ્રેલર ઊભું રાખ્યું હતું અને પાછળથી બીજા પાંચ શખ્સો આવી ગયા હતા તથા ડ્રાયવર ક્લીનર બંનેને મારતાં કેબિનના ખાનામાં રૂ.15 હજાર હોવાનું જણાવતા લઈને જતા રહ્યા હતા. જેને પગલે તલોદ પોલીસે ધાડનો ગુનો નોંધ્યો હતો.

ધાડની ફરિયાદ નોંધાયા બાદ એલસીબી પીએસઆઇ એસ.જે. ચાવડા અને તલોદ પીએસઆઇ બી.ડી. રાઠોડે સંયુક્ત તપાસ હાથ ધરતાં ટેકનિકલ સર્વેલર્સ અને હ્યુમન સોર્સથી આવી કોઈ ઘટના બની ન હોવાનું પાકું થયા બાદ ડ્રાયવર વિક્કરસીંગની આકરી પૂછપરછ કરતા ભાંગી પડ્યો હતો અને ટ્રેલરમાં ભરેલ પાવડરની થેલીઓ રસ્સીઓ ખૂલી જતા રોડ ઉપર પડી જતાં થયેલ નુકસાનની ભરપાઈ કરવી ન પડે એટલે ધાડનુ બહાનું ઉપજાવી કાઢ્યાની કબૂલાત કરતાં પોલીસે ડ્રાયવર અને ક્લીનર બંનેની અટકાયત કરી ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...