નવજાતને જીવતી દાટવાના કેસમાં વધુ ખુલાસો:હિંમતનગરની માસૂમની માત્ર એક કિડની હોવાનું રીપોર્ટમાં સામે આવ્યું, બાળકીના અંદરના અવયવો પર પણ સોજો, હાલમાં વેન્ટીલેટર પર

સાબરકાંઠા (હિંમતનગર)4 દિવસ પહેલા
  • તબીબની સલાહથી આરોપી માતાને હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે દાખલ કરાઈ
  • ઇન્ફેકશન વધતા બાળકીને ઓક્સિજન સાથે વેન્ટીલેટર પર રખાઈ છે
  • આજે બપોરે આરોપી પિતાને કોર્ટમાં રજુ કરવામાં આવશે

સાબરકાંઠા જીલ્લાના હિમતનગરના ગાંભોઈમાં ખેતરમાં નવજાત બાળકીને ખેતરમાં જીવતી દાટી દેનારા માતા-પિતાને ઝડપી લેવાયા છે. પરંતુ હાલમાં હિંમતનગર સિવિલમાં સારવાર લઈ રહેલી નવજાત બાળકીની સોનોગ્રાફી કરતાં બાળકીને એક કીડીની હોવાનો રીપોર્ટ આવ્યો છે. ઉપરાંત નવજાત બાળકીના અંદરના અવયવો પર સોજો પણ છે. જો કે ઇન્ફેકશન વધતા બાળકીને ઓક્સિજન સાથે વેન્ટીલેટર પર રખાઈ છે. હાલમાં હિંમતનગર સિવિલમાં નવજાત બાળકી સારવાર હેઠળ છે. સાથે જ આરોપી માતાને પણ સારવાર અર્થે સિવિલમાં દાખલ કરવામાં આવી છે. તો આજે શનિવારે બપોરે આરોપી પિતાને કોર્ટમાં રજુ કરવામાં આવશે તો નવજાત બાળકીની હાલત નાજુક છે, જેની સારવાર કરાઈ રહી છે.

માતાને તબીબની સલાહના આધારે દાખલ કરાઈ
હિંમતનગરના ગાંભોઈમાં UGVCL કચેરી પાસે ગુરુવારે સવારે ખેતરમાં દાટેલું નવજાત શિશુને UGVCL ના કર્મચારી ઉપેન્દ્રસિંહ ચૌહાણે માટી હટાવી બહાર કાઢ્યું હતું. ત્યારબાદ 108માં સારવાર અર્થે હિમતનગર સિવિલમાં ખસેડાઈ હતી. તો બીજી તરફ ગાંભોઈ પોલીસને ઘટનાની જાણ થતાં તેમણે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને ત્રણ ટીમો દ્વારા તપાસ દરમિયાન શુક્રવારે વહેલી સવારે ગાંભોઈ પોલીસે કડીના નંદાસણ નજીકથી નવજાત શિશુના પિતા શૈલેષ અને માતા મંજુને ઝડપી લીધા હતા. તપાસમાં માતાએ જીવિત નવજાત બાળકીને ખેતરમાં દાટી હતી તો તે દરમિયાન તેના પિતા રખેવાળી કરતા હતા. તેમણે આર્થિક મજબુરીને વશ થઈને આ હિન કૃત્ય કર્યું હતું. મંજુના પિયર ગાંભોઈમાં પોતાના પિતાના ઘરે જ મંજુએ અને શૈલેષે આ કૃત્ય કર્યું હતું અને ગુરુવારે સવારે 6 વાગે ઘરની પાછળ ખેતરમાં દાટ્યા બાદ પોલીસની હરકત જોઇને તેઓ ભાગી ગયા હતા.

બાળકીને એક કીડીની હોવાનો રીપોર્ટ આવ્યો
આ અંગે ગાંભોઈ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સી.એફ.ઠાકોરે જણાવ્યું હતું કે નવજાત બાળકીના માતા મંજુ બજાણીયા અને પિતા શૈલેષ બજાણીયાને નંદાસણ નજીક થી ઝડપી લીધા બાદ ગાંભોઈના આરોગ્ય કેન્દ્રમાં મેડીકલ કરાવ્યું હતું. ત્યારબાદ તબીબની સલાહ મુજબ આરોપી માતા મંજુને હિમતનગર સિવિલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી છે. તો આરોપી પિતાને આજે બપોરે 12:30 પછી હિંમતનગરની કોર્ટમાં રજૂ કરાશે. તો 48 કલાક બાદ પણ હિંમતનગરના NICUમાં નવજાત બાળકી ઓક્સિજન પર રાખવામાં આવી છે, તો તેને ઇન્ફેકશન પણ વધુ છે જેને લઈને હાલમાં પણ બાળકીની સ્થિતિ નાજુક હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત નવજાત બાળકીની સોનોગ્રાફી કરતાં બાળકીને એક કીડીની હોવાનો રીપોર્ટ આવ્યો છે. ઉપરાંત નવજાત બાળકીના અંદરના અવયવો પર સોજો પણ છે. જો કે ઇન્ફેકશન વધતા બાળકીને ઓક્સિજન સાથે વેન્ટીલેટર પર રખાઈ છે. હાલમાં હિંમતનગર સિવિલમાં નવજાત બાળકી સારવાર હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...