મારામારી:દાદીને એલફેલ બોલતાં ભાઈએ સગીબહેન અને દાદાને મારમાર્યો

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગરના ભાદરડીમાં લગ્નના વ્યવહાર બાબતે મારામારી
  • દાદાને પથ્થરમાર્યા અને બહેનના વાળ ખેંચતાં બહેનની ભાઇ સામે ફરિયાદ

હિંમતનગરના ભાદરડીમાં શનિવારે સાંજે લગ્નમાં આવેલ વ્યવહાર બાબતે ચર્ચા ચાલી રહી હતી તે દરમિયાન સગા ભાઇએ બહેનના વાળ ખેંચી માર મારતાં તેને બચાવવા વચ્ચે પડેલ દાદાને પણ પથ્થર અને કુહાડીની મુદ્દલ મારી હતી.

ભાદરડીના ખુશ્બુબેન કાનજીભાઈ બાલાજી ઠાકરડાના તા.20-5-2022 ના રોજ લગ્ન થયા હતા અને સમાજના રીતરિવાજ મુજબ 21 તારીખે પરત પિયરમાં તેડી લાવ્યા હતા. સાંજે પાંચેક વાગ્યે લગ્નમાં આવેલ વ્યવહાર બાબતે ચર્ચા ચાલી રહી હતી ત્યારે છેલ્લા નવેક વર્ષથી કાનજીભાઈની માનસિક બીમારીને કારણે ખુશ્બુબેનના માતા અને ભાઈ વિશાલ અલગ રહેવા જતા રહ્યા હોય ખુશ્બુબેનના દાદીએ તમો મારા દીકરા કાનજી અને ખુશ્બુ સાથે સંબંધ રાખતા નથી જેથી મામેરામાં જે વ્યવહાર આવ્યો હોય તેનું લીસ્ટ અમને આપી દો તેમ કહેતા ખુશ્બુબેનના ભાઈ વિશાલે દાદી ને જેમતેમ બોલવાનું ચાલુ કર્યું હતું

જેથી ખુશ્બુબેને દાદીને ગમે તેમ ન બોલવા કહેતા વિશાલ ઉશ્કેરાઈ ગયો હતો અને ખુશ્બુબેનના વાળ ખેંચી મારવા લાગતા ખુશ્બુબેનને છોડાવવા વચ્ચે પડેલ દાદા બાલાજી લાલાજીને નજીકમાંથી પથ્થર ઉઠાવી મારી દીધો હતો અને માથામાં કુહાડીની મુદ્દલ મારી દેતા ગંભીર ઈજાઓ થઈ હતી. ખુશ્બુબેનની ફરિયાદને આધારે રૂરલ પોલીસે વિશાલ કાનજીભાઈ બાલાજી ઠાકરડા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...