આવતીકાલે 5 ફેબ્રુઆરી રવિવારે યોજાનાર સાબરકાંઠા જિલ્લા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં વડાલી ઝોન અને તલોદ ઝોનમાં ભાજપે અન્યને મેન્ડેટ આપવા છતાં ઉમેદવારી ચાલુ રાખનાર જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અને તલોદ પાલિકાના કાઉન્સિલરને પ્રદેશ પ્રમુખના આદેશનો અનાદર કરવાના કિસ્સામાં સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખે તા. 02-03-23 ના રોજ મોડી રાત્રે તાત્કાલિક અસરથી બંને જણાંને ભાજપના પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરતાં ભાજપના વડાલીના ઉમેદવારની હારનો ડર ભાજપ વર્તુળોમાં ચર્ચાનું કેન્દ્ર બનવા સહિત હડકંપ મચી ગયો છે.
સાબરકાંઠા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ છે અને 5 ફેબ્રુઆરીએ રવિવારે ચૂંટણી યોજાનાર છે જેમાં વડાલી ઝોનમાં જિ.પં. બાંધકામ સમિતિના ચેરમેન કાંતિભાઈ પટેલે પણ ઉમેદવારી કરી હતી. પરંતુ ભાજપે જયંતિ વીરચંદ પટેલ નામના શખ્સને મેન્ડેટ આપ્યો હતો. તેવી જ રીતે તલોદ ઝોનમાં પાલિકાના કાઉન્સિલર બાબુભાઈ ગોપાળભાઈ પટેલે ઉમેદવારી કરી હતી અને ભાજપે રાકેશ જીવણભાઈ પટેલના નામનું મેન્ડેટ આપ્યું હતું આ સ્થિતિમાં બંનેએ ઉમેદવારીપત્ર પરત ન ખેંચતા મેન્ડેટ વાળા ઉમેદવારોને હારનો ડર સતાવતા પાર્ટીમાં દાદ ગુજારી હતી.
જિલ્લા ભાજપ પ્રમુખ જે.ડી.પટેલે જણાવ્યું કે એક વખત મેન્ડેટ અપાયા બાદ બાકીના ઉમેદવારોએ પ્રદેશની સૂચના મુજબ ઉમેદવારી પરત ખેંચી લેવી જોઈએ અથવા મેન્ડેટ અપાયું હોય તેમનું સમર્થન કરવું જોઈએ બંને કિસ્સામાં પાર્ટી વિરુદ્ધનું ગેરશિસ્ત સાબિત થતું હોય પ્રદેશ ભાજપની સૂચનાથી ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી બંનેને સસ્પેન્ડ કરાયા છે.
જાણવા મળી રહ્યા મુજબ કાંતિભાઈ પટેલ કોંગ્રેસને રામરામ કરી ભાજપમાં જોડાયા બાદ ભાજપે જિલ્લા પંચાયત ચૂંટણીમાં ટિકિટ આપી મલાઈદાર બાંધકામ સમિતિનું ચેરમેન પદ પણ આપ્યું હતું જ્યારે બાબુભાઈ ગોપાળભાઈ પટેલ તલોદ એપીએમસીમાં ડિરેકટર પણ છે. ભાજપના સૂત્રોમાં ચર્ચા રહ્યા મુજબ સસ્પેન્શનથી સેરેન્ડર થઈ બંને જણા ચૂંટણી અગાઉ ટેકો જાહેર કરી દે તો બધું બચી જવાનો ભાજપે માર્ગ ખુલ્લો રાખ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.